Western Times News

Gujarati News

ELECTION2024: કયા દિગ્ગજોનું ભાવિ EVMમાં સીલ થશે ?

૯૩ બેઠકો પર આજે મતદાન

ત્રીજા તબક્કામાં કેટલીક પ્રતિષ્ઠાવંત બેઠકો માટે મતદાન યોજાનાર છે જેમાં ગાંધીનગરની બેઠકનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરની બેઠક પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને તેમનું ચૂંટણી ભાવિ કાલે નક્કી થશે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા (પોરબંદર), પરષોત્તમ રૂપાલા (રાજકોટ), પ્રહ્‌લાદ જોશી (ધારવાડ), એસ.પી.સિંહ બધેલ (આગ્રા), જ્યોતિરાદિત્ય સિંધિયા (ગુના), ડિમ્પલ યાદવ (મૈનપુરી), દિÂગ્વજયસિંહ (રાજગઢ), મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ (વિદિસા) સહિતના અનેક દિગ્ગજ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

૧૧ રાજ્ય અને દીવ-દમણમાં લોકશાહીનો ઉત્સવ

(પ્રતિનિધી) નવી દિલ્હી,  લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારના રોજ ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૯૩ બેઠક પર મતદાન થશે. અગાઉ ૯૪ બેઠક પર મતદાન થવાનું હતું, પરંતુ ગુજરાતની સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ ૨૧ એપ્રિલે નામંજૂર કરવામાં આવ્યું હતું તેમજ ૮ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, ત્રીજા તબક્કામાં કુલ ૧૩૫૨ ઉમેદવાર મેદાનમાં છે. તેમાંથી ૧૨૨૯ પુરુષ અને ૧૨૩ (૯%) મહિલા ઉમેદવાર છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ, ૨૪૪ ઉમેદવાર ગુનાહિત છબિ ધરાવે છે. ૩૯૨ ઉમેદવાર પાસે ૧ કરોડ કે તેથી વધુની સંપત્તિ છે.
એડીઆર રિપોર્ટ દર્શાવે છે કે ૨૪૪ (૧૮%) ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. એમાંથી ૧૭૨ (૧૩%)માં હત્યા, અપહરણ, બળાત્કાર જેવા ગંભીર કેસો પણ સામેલ છે. ૫ ઉમેદવાર સામે હત્યાના ૨૪ અને હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ભાજપ વતી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ત્રીસ વર્ષથી ભાજપ પાસે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ૧૯૯૯થી અહીંથી જીતતા આવ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ પહેલીવાર અહીંથી લડ્‌યા હતા અને લગભગ સાડાપાંચ લાખ મતોથી જીત્યા હતા. તો કોંગ્રેસે આ બેઠક પરથી પાર્ટી સેક્રેટરી સોનલ રમણભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. તેઓ મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પાર્ટીનાં સહ-પ્રભારી છે. તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા સામે ચૂંટણી લડવામાં તેમને કોઈ સંકોચ નથી.

ભાજપે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને મહાત્મા ગાંધીના જન્મસ્થળથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વ્યવસાયે વેટરિનરી ડૉક્ટર એવા માંડવિયા ગુજરાતમાંથી બે વખત રાજ્યસભાના સાંસદ છે. ચૂંટણીપ્રચાર માટે કેન્દ્રીય મંત્રીએ લગભગ ૧૫૦ કિલોમીટરની પદયાત્રા કરી છે. તેમણે ભીડવાળા રોડ શોને ટાળીને પ્રચારની આ જૂની પદ્ધતિ અપનાવી છે. આ બેઠક પર પાટીદાર સમાજનો ઘણો પ્રભાવ છે, આથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા લલિત વસોયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય રહેલા વસોયા ૨૦૧૯માં પણ કોંગ્રેસના ઉમેદવાર હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયા ફરી એકવાર તેમની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સિંધિયા ૨૦૧૯માં તેમના ભૂતપૂર્વ સાથીદાર કેપી સિંહ સામે ચૂંટણી હારી ગયા હતા. જોકે એ વખતે તેઓ કોંગ્રેસમાં હતા. હારમાંથી બોધપાઠ લઈને સિંધિયાએ આ વખતે મેદાનમાં ખૂબ મહેનત કરી છે. તેમનો પુત્ર અને પત્ની પણ તેમની સાથે ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હતાં.

કોંગ્રેસે સિંધિયા પરિવારના રાજકીય વિરોધી રાવ યાદવેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. રાવ ૨૦૨૩ સુધી ભાજપમાં હતા. તેમના પિતા મુંગાવલી સીટથી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે માધવરાવ સિંધિયા અને જ્યોતિરાદિત્ય સામે પણ ચૂંટણી લડી હતી. યાદવેન્દ્રએ સિંધિયાના નજીકના સાથી બ્રિજેન્દ્ર સિંહ સામે કોંગ્રેસની ટિકિટ પર ૨૦૨૩માં ચૂંટણી લડી છે. જોકે તેમને હારનો સામનો કરવો પડ્‌યો હતો.

મધ્યપ્રદેશમાં મામા તરીકે જાણીતા શિવરાજ સિંહ ચૌહાણ લગભગ ૨૦ વર્ષ બાદ ફરી વિદિશાથી ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૦૫માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનતાં પહેલાં તેઓ અહીંથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ આ સીટના બુધની વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને સુષમા સ્વરાજ પણ અહીંથી ચૂંટણી જીત્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.