Western Times News

Gujarati News

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર: કરોડો રૂપિયા હવાલા મારફતે દુબઈ પહોંચતા હોવાનો પર્દાફાશ

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતના ખૂણેખૂણે ડ્રગ્સનો કાળો કારોબાર થઈ રહ્યો છે. જેને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી એટીએસ, લોકલ પોલીસ તેમજ કેન્દ્રીય એજન્સીઓએ કરેલા ડ્રગ્સ કેસને જોતાં એક વાત ચોક્કસ છે કે ગુજરાત ડ્રગ્સ ઘૂસાડવા માટેનું એન્ટ્રી પોઈન્ટ બની ગયું છે.

ગુજરાતમાં આવતા ડ્રગ્સના રૂપિયા આંગડિયા પેઢી મારફતે દુબઈ જતા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ડ્રગ્સ માફિયાઓ ટુકડે ટુકડે રૂપિયા દુબઈમાં બેઠેલા તેમના આકાને મોકલે છે અને બાદમાં તે રૂપિયા પાકિસ્તાનમાં મોકલી આપવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ) અને નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ મધદરિયે ઝડપેલા ડ્રગ્સના ચકચારી કિસ્સામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કરોડો રૂપિયાના જપ્ત કરેલા ડ્રગ્સ કેસની તપાસ એનસીબી કરશે જ્યારે ડ્રગ્સ મંગાવવા માટે જે હવાલા પડયા છે તેની તપાસ એટીએસ કરશે. એટીએસની ટીમ અમદાવાદ સહિતની આંગડિયા પેઢીની તપાસ કરશે અને ગેરકાયદે ટ્રાન્ઝેકશનો પર્દાફાશ કરશે.

‘નશામાં ગુજરાત’ કે પછી ‘ઉડતા ગુજરાત’ આ વાત કહેવી કાંઈ ખોટી નથી કારણ કે, છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત ગુજરાતના ખૂણેખૂણે ડ્રગ્સનો કારોબાર એટલો બધો વધી ગયો છે કે જેના કારણે યુવાપેઢી બરબાદ થઈ રહી છે. ગુજરાના દરિયાઈ રસ્તાનો ઉપયોગ કરીને પાકિસ્તાનીઓ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડી રહ્યા છે તેની સૌને ખબર છે પરંતુ રૂપિયા કેવી રીતે પાકિસ્તાન પહોંચે છે

તેની કોઈને ખબર નથી. જેનો પર્દાફાશ એટીએસની ટીમે કર્યો છે. એટીએસ, એનસીબી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ચાર દિવસ પહેલાં પાકિસ્તાની બોટમાંથી ૬૦ર કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાયું હતું. જ્યારે ફરીથી ત્રણેય એજન્સીઓએ સાથે મળીને દ્વારકા નજીક એક ભારતીય ફિશિંગ બોટમાંથી રૂપિયા ૬૧ કરોડની કિંમતના હશીશનો ૧૭૩ કિલો જેટલો જથ્થો જપ્ત કર્યો હતો.

હશીશકાંડમાં એજન્સીઓએ મહારાષ્ટ્રની ચાર વ્યક્તિ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મુખ્ય આરોપીઓ સલાયાથી ફિશિંગ માટેની બોટ ભાડે લઈને પાકિસ્તાનની જળસીમામાં પશની નજીક પહોંચ્યા હતા. જ્યાંથી ડ્રગ્સની ડિલિવરી લઈને દ્વારકા પરત આવી રહ્યા હતા ત્યારે એટીએસની બાતમીને આધારે ઝડપાઈ ગયા હતા.

બન્ને ડ્રગ્સ કેસની તપાસ હવે એનસીબી કરશે જ્યારે ડ્રગ્સ મામલે જે હવાલા થયા હોય તેની તપાસ એટીએસ કરશે. એટીએસના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ઘણી એવી આંગડિયા પેઢી છે. જેની ગુજરાત સહિત અલગ અલગ રાજ્યમાં બ્રાન્ચ છે. આ આંગડિયા પેઢીમાં કેટલાક ડ્રગ્સ માફિયાઓએ દુબઈમાં લાખો રૂપિયાના હવાલા પાડયા હતા. એટીએસના ડીવાયએસપી એસ.એલ.ચૌધરીએ જણાવ્યું છે કે ડ્રગ્સ કેસના મામલે આંગડિયા પેઢીની તપાસ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.