Western Times News

Gujarati News

ઈડરમાં રોકડની થેલી ચોરનારી ગેંગના ૩ ઝબ્બે

સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં ગુના આચર્યા હતા

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટફાટ અને ઘરફોડ તથા વાહનોની ચોરીને અંજામ આપવા માટે પરપ્રાંતિય ગેંગ સક્રિય છે ત્યારે બે દિવસ અગાઉ ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ સામે બેન્કમાંથી રૂ.ર.૪૦ લાખની રોકડ લઈને જતા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિઓએ આવી આ રોકડની ચોરી કરી લીધી હતી. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ એલસીબીને સોંપાઈ હતી.

બાતમી તથા સીસીટીવી કુટેજ તપાસીને ઈડરથી અંબાજી જતા રોડ પરથી ત્રણ હિન્દી ભાષીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેઓ મધ્યપ્રદેશની ગેંગના સાગરીતો હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ.ર.૯૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ અંગે એલસીબી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, લૂંટ અંગે તપાસ કરી રહેલો એલસીબીનો સ્ટાફ ઈડર જઈ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કેટલાક સીસીટીવી કૂટેજ ચેક કર્યા હતા. ઉપરાંત મળેલી બાતમી બાદ જાણવા મળ્યું હતું કે, માથાસુર રામદેવજી મંદિર નજીકથી એક નંબર વગરની બાઈક પર ત્રણ જણા જઈ રહ્યા છે.

જે આધારે પોલીસે ઈડર-અંબાજી રોડ પર કેટલાક ઠેકાણે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન બાતમી મુજબ મળેલા ત્રણ હિન્દી ભાષીઓને અટકાવી તપાસ કરતાં એક જણા પાસેથી રૂ.ર.૪૦ લાખની રોકડ મળી આવી હતી. આ અંગે પોલીસે પુછપરછ કરતાં બે પુખ્તવયના તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ભાંગી પડ્યા હતા.

પોલીસને શંકા જતાં તેમની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પકડાયેલા બલદેવસિંહ ઉર્ફે ભોલુ બતાવસિંહ ઉર્ફે બટુવા ગેરુવર સિસોદીયા તથા લક્ષ્મણ રામસ્વરૂપ સિસોદીયા અને બાળ કિશોરે જણાવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પંચોર તાલુકાના કડિયા સાન્સી ગામના રહીશ હતા. ઉપરાંત તેઓએ છેલ્લા બે મહિનામાં સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી અને પાટણ જિલ્લામાં કરેલી ચોરી અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ત્યારબાદ પોલીસે રોકડ સહિત રૂ.પ૦ હજારનું બાઈક અને મોબાઈલ મળી અંદાજે રૂ.ર,૯૦,પ૦૦નો મુદ્દામાલ કબજે લઈ બે જણા તથા બાળ કિશોરને વધુ તપાસ માટે ઈડર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચીલઝડપ તથા રોકડની ચોરી કરનાર કડિયા ગેંગના વિશાલ ઉર્ફે પંકજ ઉર્ફે રાહુલ ઉર્ફે બન્ટી માલાવત સિસોદીયાની શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલા કડિયા ગેંગના સાગરીતોએ તા.૩ માર્ચના રોજ ખેડબ્રહ્મામાંથી રૂ.૮પ હજારની રોકડની ચીલઝડપ કરી હતી. હિંમતનગર એ-ડિવિજન પોલીસ સ્ટેશનની હદમાંથી તા.૪ એપ્રિલના રોજ રૂ.૮૦ હજાર રોકડ, તા.પ એપ્રિલના રોજ સુરેન્દ્રનગરમાં આવેલી બેન્ક આગળથી રૂ.પ૦ હજાર, તા.૧ર એપ્રિલના રોજ બોટાદમાંથી રૂ.૩.૦ર લાખ,

તા.૧૦ એપ્રિલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાંથી રૂ.૩ લાખ, અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલી એક બેન્ક પાસેથી રૂ.૭૦ હજાર અને તા.૩ એપ્રિલના રોજ પાટણ-હારીજ બજારમાં આવેલા એક કોમ્પલેક્ષમાંથી રૂ.ર.૬૭ લાખની ચોરી કરી હતી. આમ સાબરકાંઠા એલસીબીએ પકડેલા ત્રણેયની પુછપરછ દરમિયાન વણશોધાયેલા ૯ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.