Western Times News

Gujarati News

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ- 10 જિલ્લામાં વરસાદ લાવશે

વરસાદ લાવનારી ચાર સિસ્ટમ સક્રિય થવાથી લોકોને ગરમી સામે રાહત મળશે

(એજન્સી)અમદાવાદ, સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે. લોકોને આગામી ર૪ કલાક સુધી ભારે ગરમીથી રાહત મળવાની નથી. ત્યારબાદ આવતીકાલથી વીજળીના કડાકાભડાકા સાથે રાજ્યના ૧૦ જેટલા જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની હળવા વરસાદની શક્યતા છે. આ હળવો વરસાદ ચારથી પાંચ દિવસ સુધી રહેવાનો હોવાથી તે વિસ્તારોના વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.

રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા પાછળ ચાર સિસ્ટમ જવાબદાર છે. રાજસ્થાન ઉપર બે સિસ્ટમ, મધ્યપ્રદેશ પર એક અને અરબ સાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં હળવો વરસાદ પડવાનો છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હળવો વરસાદ થવાની આગાહીને ચકાસતા આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

જ્યારે ૧ર મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. ૧૩ મેના રોજ આ તમામ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે ૧૪ મેના રોજ આ તમામ વિસ્તારો ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગતનો વરસાદ ૧પ મેના રોજ પણ રાજ્યના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને દમણ દાદરાનગર હવેલી વિસ્તારમાં પોતાની હાજરી નોંધાવશે.

૧૧ મેથી ૧૪ મેની સવાર સુધી હળવા વરસાદની સાથે વીજળીના કડાકાભડાકા અને ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતો પવન ફૂંકાઈ શકે છે.
અમદાવાદ માટે ગઈ કાલનો વધુ એક દિવસ આકરી ગરમીનો રહ્યો હતો અને આજે પણ ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ જોવા મળવાનો હોવાથી શહેરમાં સતત ગરમીને લગતું યલો એલર્ટ યથાવત રહેવા પામશે.

આજે સવારે ર૮.૮ ડિગ્રી જેટલું ઊંચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ર.૧ ડિગ્રી વધુ હોવાથી અમદાવાદીઓએ સવારથી જ આકરી ગરમી અનુભવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.