Western Times News

Gujarati News

AMTSને એક વર્ષમાં રૂ.૧૩૪.૬૭ કરોડની આવક

પ્રતિકાત્મક

જુલાઈ-ર૦ર૩થી ભાડામાં વધારો થયો હોવા છતાં અમદાવાદીઓએ એએમટીએસ પર જ પસંદગી ઉતારી

(એજન્સી)અમદાવાદ, શહેરમાં જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં એએમટીએસ બસ સર્વિસ દાયકાઓ જૂની છે. હવે અમદાવાદીઓને નોકરી-ધંધાના સ્થળે પહોંચવા માટે બીઆરટીએસ ઉપરાંત મેટ્રો રેલવેનો ત્રીજો વિકલ્પ મળ્યો છે તેમ છતાં એએમટીએસ આજે પણ વધુને વધુ પેસેન્જર્સની પસંદ બની છે.

એએમટીએસની બસના ધાંધિયાં ઓછા થયા નથી અને ઘણી વખત બસ સમયરસ ન મળવાના કારણે કંટાળીને પેસેન્જર્સ શટલ રિક્ષા પકડીને પોતાના ગંતવ્ય સ્થાને રવાના થાય છે તેમ છતાં અમદાવાદના ખૂણા અને ખાંચરા ઉપરાંત છેક સાણંદ સુધી એએમટીએસ બસનો વ્યાપ હોઈ તેની આવક વધીને રૂ.૧૩૪.૬૭ કરોડથી વધુની થઈ હોવાનું જાણવા મળ્યું છે.

એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈ ગત નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ના તંત્રના આવકને લગતા સત્તાવાર અહેવાલને ટાંકીને જણાવે છે કે સમગ્ર વર્ષ એએમટીએસ માટે આવકની દૃષ્ટિએ ઉલ્લેખનીય રહ્યું હતું. વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન તંત્રને રૂ.૧,૩૪,૬૭,૪૯,૮૬૯ની માતબર આવક થવા પામી હતી જે પેસેન્જર્સમાં એએમટીએસની જળવાઈ રહેલી લોકપ્રિયતા દર્શાવે છે.

એએમટીએસને ગત નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં મહિનાદીઠ થયેલી રૂ.૧૦,૬૪,૭૦,૦૮પની આવક થઈ હતી. મે ર૦ર૩માં ઉનાળુ વેકેશનના કારણે આવકમાં સ્વાભાવિકપણે ઘટાડો નોંધાયો હતો. તે મહિનામાં તંત્રએ રૂ.૭,૮ર,૪૯,૯ર૭ની આવક મેળવી હતી. જૂન ર૦ર૩માં શાળા-કોલેજો શરૂ થતાં આવકમાં ફરી વધારો થયો હતો અને રૂ.૧૦,ર૧,૬૩,૮૧૩ની આવક મેળવી હતી.

હવે તા.૧ જુલાઈ ર૦ર૩થી પેસેન્જર્સને એએમટીએસમાં વધુ ભાડું ચૂકવવું પડે છે. અગાઉના રૂ.ત્રણના લઘુત્તમ ભાડાને બદલે લઘુત્તમ ભાડું રૂ.પાંચ થયું છે. જો કે, એના સ્ટેજમાં ઘટાડો કરાયો છે તેમજ રૂ.પાંચના ગુણાંકમાં ટિકિટના દર નક્કી કરાયા હોઈ પેસેન્જર સાથે છૂટા પૈસાનો કકળાટ હવે જોવા મળતો નથી અને કન્ડકટરને ભારે રાહત થઈ છે. એએમટીએસમાં મહત્તમ ભાડું હવે રૂ.૩૦ થયું છે તે બાબત પણ અત્રે નોંધનીય છે.

જુલાઈ ર૦ર૩થી ભાડા વધારો કરાયાના પગલે પેસેન્જર્સનો ધસારો ઓછો થશે તેવા તર્ક-વિતર્ક ઉઠયા હતા. એએમટીએસમાં છેલ્લા ૧૦ વર્ષગી ભાડામાં કોઈ વધારો કરાયો ના હોઈ ના છૂટકે તેમાં વધારો કરાયો હોવાની તંત્રની દલીલ હતી.

જો કે, જૂન ર૦ર૩ના એટલે કે ભાડા વધારા પહેલાંના એએમટીએસમાં રોજના ૩.પપ લાખ પેસેન્જર્સ નોંધાતા હતા. તેની સામે ભાડા વધારા બાદ પણ પેસેન્જર્સની સંખ્યામાં ૩૯૦૦૦ જેટલો ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો હતો. જૂનની સરેરાશ રોજની આવક રૂ.ર૧.ર૪ લાખની હતી તેમાં પણ ઉછાળો નોંધાયો હતો.

જુલાઈ ર૦ર૩માં તંત્રએ રૂ.૧૧,૯૬,૯૦,૮૪૩ની આવક મેળવી હતી. જે જૂન ર૦ર૩ કરતાં રૂ.૧.૭પ કરોડ જેટલી વધારે હતી. ઓગસ્ટ-ર૦ર૩માં આવક વધીને રૂ.૧ર,૩૪,૪પ,૬૧૧ની થઈ હતી. સપ્ટેમ્બર-ર૦ર૩માં રૂ.૧૧,૪૪,૪૪,૩૭૧ની આવક મેળવી હતી.

વર્ષ ર૦ર૩ના છેલ્લા ત્રણ મહિનામાં થયેલી આવકનો રિપોર્ટ દર્શાવે છે કે, ઓકટોબર ર૦ર૩માં રૂ.૧૦,૭૭,૩પ,૦પ૪ની આવક નોંધાઈ હતી. નવેમ્બર ર૦ર૩માં દિવાળીના તહેવારોના પગલે આવક ઘટવા પામી હતી. તે મહિનામાં સત્તાવાળાઓએ રૂ.૮,૮૦,૮૪,૦૩૩ની આવક મેળવી હતી. જો કે, ડિસેમ્બર ર૦ર૩માં આવકમાં બમ્પર વધારો નોંધાયો હતો. ડિસેમ્બરમાં સત્તાધીશોએ રૂ.૧પ,૪ર,૬૩,૭૧૭ની જંગી આવક મેળવી હતી.

ચાલુ વર્ષ ર૦ર૪ના જાન્યુઆરી મહિનામાં આવકનું પ્રમાણ મહદઅંશે જળવાઈ રહ્યું હતું. જાન્યુઆરી ર૦ર૪માં તંત્રના ચોપડે રૂ.૧ર,પ૩,૮૦,૪૬પની આવક નોંધાઈ હતી. ફેબ્રુઆરી-ર૦ર૪માં રૂ.૧૧,૦પ,૭પ,૧૭૩ની આવક અને માર્ચ ર૦ર૪માં રૂ.૧૧,પ૮,૪૬,૭૭૭ની આવક તંત્રને થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.