Western Times News

Gujarati News

ભૂમિપુત્રોએ નવા પોષાક પહેરી અને બળદોને સજાવીને અખાત્રીજના શુભ મુહુર્તે ખેતીનો પ્રારંભ કર્યો

અરવલ્લી -સાબરકાંઠામાં પરંપરાગત રીતે અખાત્રીજના શુભ મુહુર્તે ભૂમિપુત્રોએ કૃષિ વર્ષનો ઉમંગે પ્રારંભ કર્યો

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) મોડાસા-સાકરિયા સહિત સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અખાત્રીજ,, અક્ષયા તૃત્તીયાના શુભ દિને ધરતીપુત્રો વણજોયેલા આ મુહુર્તમાં નવા કૃષિ -વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો અને નવા વર્ષે ખેતી પાકોનું આયોજન કર્યું હતું.

આજે મોડાસા સાકરિયા સહિત સાબરકાંઠા-અરવલ્લીમાં અત્ર..તત્ર..સર્વત્ર.. ખેડૂતો ભાઈઓ ભારે ઉમંગે પોતાના ખેતી ઓજારો, હળ તૈયાર કરી બળદોના શિગડા રંગી નવા પોષાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને જઈને ખેતીનું મુહુર્ત કર્યું હતું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને ગામના સૌ ભૂમિપુત્રો એકસાથે જ હળ જોડીને ગામ નાજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત સાગમટે કર્યું હતું.

ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેકટર હોય પણ ખેડૂતો આજે પણ હળોતરા તો બળદ થકી જ હળ જોડીને જ કરતા હોય છે.આજે દરેક ગામે..ખેડૂતો સાગમટે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા અને ગામના કોઈપણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પડી, ખાત્ર ખેડશે અને નવા વર્ષની ખેતીનું મુહુર્ત કર્યું હતું..

ભૂમિપુત્રોએ નવા પોષાક પહેરી અને બળદોને સજાવીને અને લાકડાના હળને કુમકુમ તિલક કરી..બળદના શિગડા રમજીના રંગથી રંગીને..મો મીઠું કરી તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ઘરેથી નીકળી ખેતરે ગયા હતા.

જ્યાં બધા જ એક સાથે હળ ચલાવી ખેતર ખેડી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો. આજે નવા વર્ષનો ઉમંગે પ્રારંભ કર્યા પછી ઘરે આવી આખા વર્ષની ખેતીનું આયોજન કર્યું હતું. વીતેલા વર્ષનું સરવૈયું માંડીને અને આજથી શરૂ થતાં નવા વર્ષની ખેતી..વાવેતર અને પાકનું આયોજન કરવા સાથે ખેતી માટે કામે રાખેલ ખેતમજુરોના હિસાબ-કિતાબ કરી નવા વર્ષનું કામ સોંપવાના કામમાં પરોવાયેલા જોવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.