Western Times News

Gujarati News

યુવકને નગ્ન કરી નનામી સાથે બાંધ્યો, ધોકા-પથ્થરો વડે મોતને ઘાટ ઉતાર્યો

પ્રતિકાત્મક

ચોરીની આશંકાએ ગામના બે ભાઈઓ દ્વારા તાલિબાની સજા અપાઈ

માણસા, માણસા તાલુકાના દેલવાડા ગામે એકલાવયું જીવન ગુજારતા યુવકને તાલિબાની સજા અપાઈને મોતને ઘાટ ઉતારાયો હતો. યુવક ઘરમાં ચોરી કરવા આવ્યો હોવાની શંકાએ ગામના બે ભાઈઓ દ્વારા યુવકને નગ્ન કરી નનામી સાથે વડલા પર બાંધી દીધો હતો જે બાદ ધોકા અને પથ્થરો વડે ઢોર માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

યુવકનો પરિવાર તેને શોધવા નીકળ્યા હતા. ગભીર રીતે ઘાયલ યુવકને માણસા હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાબતે મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે ચોરીની શંકા માત્રથી જ હત્યાની ઘટના બનતા ગામમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના દેલવાડા ગામે રહેતા ૪૦ વર્ષીય કાળાજી ઉર્ફે મોહનજી મથુરજી ઠાકોર અપરણીત હોવાથી એકલાવયુ જીવન જીવતા હતા. ગઈકાલે સાંજે તે ગામના અજયજી મંગાજી ઠાકોરના ઘરે ગયા હતા. કાળાજી ચોરી કરવા આવ્યા હોવાની શંકા રાખી અજય અને તેના ભાઈ પ્રકાશ બંનેએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો હતો બંને ભાઈઓ મળીને કાળાજીને નગ્ન કરીને નનામી સાથે વડલા પર બાંધી દીધા હતા.

જે બાદ બંને ભાઈઓ ધોકા અને પથ્થરોથી કાળાજીને ઢોર મારમાર્યો હતો. ઘટના અંગે જાણ થતાં કાળાજીના પિતરાઈ ભાઈ ભિખાજી હેમતાજી ઠાકોર તાત્કાલિક અજયના ઘરે પહોંચ્યા હતા. જોકે ત્યાં કોઈ મળી ન આવતા તેઓએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. આ સમયે અજય અને પ્રકાશ પોતાની ઈકો ગાડીમાં ગંભીર હાલતમાં કાળજીને લઈને ગામમાં પહોંચ્યા હતા

અને તેમને ઉતારીને ભાગી છૂટયા હતા. બેભાન અવસ્થામાં રહેલા કાળાજીને જમણી આંખની બાજુમાં ઘા પડેલો હતો તથા જમણા કાન ઉપર પણ કાપો પડેલો હતો. જયારે કપડા પણ બદલાવી દેવાયેલા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાને પગલે તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે મૃતક માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા, આરોપીના માતા બિમાર હોવાને કારણે પથારીવશ છે જેઓને નાકમાં નળીઓ લગાવેલી છે, ગઈકાલે બંને ભાઈઓ બહાર હતા ત્યારે કાળાજી તેઓના ઘરે ગયા હતા. જે પથારીવશ વૃદ્ધાની નળીઓ કાઢવાનો પ્રયાસ કરતા હતા. જોકે આ સમયે અજયના પત્ની આવી ગયા હતા અને તેઓએ બંને ભાઈઓને વાત કરી હતી.

સમગ્ર મુદ્દે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજય મંગાજી ઠાકોર અને પ્રકાશ મંગાજી ઠાકોર સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.