Western Times News

Gujarati News

યુવતીને લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યાની ફરિયાદ

અમદાવાદ, શહેરમાં રહેતી એક પરિણીતાને ગોવા ફિલ્મ એવોર્ડમાં મળેલા ફોટોગ્રાફરે લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા. આ અંગે આરોપીની પત્નીને જાણ થતાં તેણે લગ્ન ન કરવાનું કહીને સંબંધ પૂરા કરી નાખ્યા હતા.

બાદમાં પોલીસ ફરિયાદ થવાના ડરથી તેણે ફરી આ પ્રકારે લગ્નની લાલચ આપીને સંબંધ બાંધ્યા હતા. જો કે બાદમાં આરોપીએ ફોન બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. યુવતીના જન્મદિવસે અન્ય મિત્રોએ શુભેચ્છા પાઠવતા આરોપીએ વાંધો ઉઠાવીને માર પણ માર્યો હતો.

આખરે કંટાળીને યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ મહેસાણાની ૩૧ વર્ષીય યુવતી હાલ રાણીપ વિસ્તારમાં રહે છે અને એક કંપનીમાં બ્યુટી પાર્લરનું કામ કરે છે. બે વર્ષ પહેલાં આ યુવતીએ પતિ સાથે છૂટાછેડા લીધા હતા.

વર્ષ ૨૦૨૩માં ગોવા ખાતે એવોર્ડ શોમાં ભાગ લેવા ગઇ ત્યારે આશિષ સુનેરિયા (રહે. ડ્રીમ બોલિવૂડ સ્ટુડિયો, રાજસ્થાન) નામના ફોટોગ્રાફર સાથે મુલાકાત થઇ હતી.

બંનેની મુલાકાત બાદ તે ઇવેન્ટના કામ બાબતે વાતો કરતા હતા. તેવામાં એક દિવસ આશિષ આ યુવતીના ઘરે આવ્યો હતો અને તેની સાથે જબરદસ્તી કરીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. આશિષે આ યુવતીને લગ્નનો વાયદો કર્યો હતો પણ યુવતીએ તપાસ કરી તો આશિષ પરિણીત હતો.

જે બાબતે વાત કરવા બંને ઉદયપુરમાં મળ્યા ત્યારે પણ તેણે પત્નીને છૂટાછેડા આપીને લગ્નનો વાયદો કરીને સંબંધ બાંધ્યા હતા. યુવતીના જન્મદિવસે તેના મિત્રોએ શુભેચ્છા પાઠવતા આશિષે અણગમો રાખીને ઝઘડો કરીને લાફા માર્યા હતા. બાદમાં કોઇ અન્ય લોકો શુભેચ્છા પાઠવશે તો તને મારી નાખીશ તેવી ધમકી આપીને બીજા દિવસે યુવતીના ઘરેથી નીકળી ગયો હતો.

આશિષની પત્નીને આ સંબંધની જાણ થતાં આશિષે સંબંધ પૂરા કરવાનું કહીને પત્ની સાથે વાત પણ કરાવી હતી. બાદમાં આરોપીએ પોલીસ ફરિયાદના ડરથી ફરી લગ્નનો વાયદો કરીને સંબંધ બાંધ્યા હતા. જો કે બાદમાં તેણે ફોન બંધ કરી દેતા યુવતીએ આ મામલે પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસે આ મામલે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.