Western Times News

Gujarati News

અમદાવાદની યુવતી સાથે મળી યુવકે સુરેન્દ્રનગરમાં ચોરીને અંજામ આપ્યો

બાવળાના કોઠ-ગાંગડ ગામે જાન લઇને ગયેલા સુરેન્દ્રનગરના પરિવારના ઘેર ચોરી પાછળ ફરિયાદીના સગાએ જ હાથફેરો કર્યો હોય તેવી શંકા ?

સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારને ત્યાં દિકરાના લગ્ન હતા. તા. 8મીએ પરિવાર જાન લઈને બાવળાના કોઠ ગાંગડ ગામે ગયો હતો.ત્યારે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી આભુષણોની ચોરી કર્યાની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચોરીના બનાવનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી દીધો છે. જેમાં ફરિયાદીના દુરના સગાએ જ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.

સુરેન્દ્રનગરના ટાવર પાસે આવેલ ચંદુભાઈની શેરીમાં રહેતા આસીફખાન ઉમરખાન પઠાણ રેડીયેટરનું કામ કરે છે. તા. 8મી મેએ તેમના દિકરા અવેશખાનના લગ્ન હોઈ સવારે જાન લઈને પરીવાર કોઠ ગાંગડ ગામે ગયો હતો. જયારે રાત્રે તેમના નાના દિકરા અફઝલખાનને ઘરે રૂમ શણગારવા વહેલો મોકલ્યો હતો. અફઝલખાને આવીને જોયુ તો ઘરના દરવાજાના તાળા તુટેલા અને સામાન અસ્તવ્યસ્ત હતો.

આથી આસીફખાન સહિતના પરીવારે આવી તપાસ કરતા ઘરમાંથી રૂ. 97 હજારના દાગીના ચોરાયાની જાણ થતા અજાણ્યા શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બનાવની ફરિયાદ નોંધાતા જ એ ડીવીઝન પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સર્વેલન્સ ટીમ કામે લાગી હતી. અને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી એએસઆઈ વી.એમ.ડેર, મહાવીરસીંહ બારડ, ભરતદાન ગઢવી, ધવલસીંહ સહિતનાઓએ તપાસ કરી હતી.

અને મુળ ટાવર પાસે પંડીતના ડેલામાં અને હાલ જોરાવરનગર દત્તાત્રેય મંદીર પાસે રહેતા 21 વર્ષીય અફઝલ ઉર્ફે હસમો યુનુસભાઈ ખોખરની અટક કરી કડક પુછપરછ કરતા તેણે ચોરીની કબુલાત કરી હતી. પકડાયેલ આરોપી અફઝલ ખોખર ફરીયાદી આસીફખાન પઠાણના દુરના સગા થતા હોઈ લગ્નને લીધે ઘર બંધ હોવાની જાણ હોવાથી

તેણે મુળ સુરેન્દ્રનગરની ફીરદોષ સોસાયટીની અને હાલ અમદાવાદના વાસણામાં આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતી તેજલ વનાભાઈ સોલંકી સાથે મળી ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાવ્યુ હતુ. આથી પોલીસે બન્નેને ચોરીના 100 ટકા મુદ્દામાલ રૂપીયા 97 હજારના આભુષણો સાથે ઝડપી લીધા હતા.

પોલીસની વધુ તપાસમાં અફઝલ ખોખર સામે સુરેન્દ્રનગર અને જોરાવરનગર પોલીસ મથકે મારામારીના તથા તેજલ સામે ચોરીનો ગુનો અગાઉ નોંધાયેલો હોવાનું પણ સામે આવ્યુ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.