Western Times News

Gujarati News

“નિયતિને કોઈ ટાળી શકતું નથી- અટકાવી શકતું નથી કે બદલી શકતું નથી !”

પ્રતિકાત્મક

“ગમે તેટલી ચોક્કસ આગાહી મળી હોય તો પણ શું થવાનું હોય છે તેની આપણને પાકી ખબર પડતી નથી. જે બને છે તે ઈશ્વરના નિયમ પ્રમાણે જ બને છે પરંતુ એનો અર્થ એ નથી કે માણસે કોઈ પ્રયન્ત નહીં કરવો જોઈએ – મોરારજીભાઈ દેસાઈ”

AMC માં નોકરી કરતાં એક ઈજનેરને લાગ્યું કે “મારા ગ્રહો પ્રમાણે સાત-આઠ મહિના દરમ્યાન મને એક અકસ્માત નડવાનો ભારે સંભવ છે, એટલા માટે હું સાવચેત રહેવા ઈચ્છું છું અને તેથી જ મોટે ભાગે પગે ચાલીને જ મુસાફરી કરું છું !”  અને….

“સર હોમી મહેતા અમેરિકા જવા પાન-અમેરિકાની ફલાઈટમાં નિર્ધારીત દિવસે ઉપડ્યા. એમના વિમાનને આર્યલેન્ડમાં શેનોન પાસે અકસ્માત નડ્યો અને તે મૃત્યુ પામ્યા. એ અમાસનો દિવસ હતો !”

“એક બનાવથી મારી માન્યતા બિલકુલ જડ ઘાલી ગઈ છે કે જે બનવાનું હોય છે તે બને જ છે. એને કોઈ અટકાવી શકતું નથી કે બદલી શકતું નથી. જે બને છે એ ઈશ્વરના નિયમ પ્રમાણે બને છે અને તેથી માણસે શાંતિથી અને આનંદથી સ્વીકારવું જોઈએ- પરંતુ એનો અર્થ એ નથી થતો કે માણસે કોઈ પ્રયન્ત નહીં કરવો જોઈએ! ગમે તેટલી ચોક્કસ આગાહી મળી હોય તો પણ શું થવાનું હોય છે તેની આપણે પાકી ખબર પડતી નથી

અને એટલે બુધ્ધિનો સદુપયોગ કરી જે કર્મ કરવું જોઈએ એ માણસે સતત કર્યા કરવું જોઈએ કેમકે એનું પરિણામ ઈશ્વરના નિયમ પ્રમાણે જે આવે તે જ સાચું પરિણામછે એમ સમજીને તેને સ્વીકારવું જોઈએ અને એ પ્રમાણે માણસ કર્મ કરતો રહે અને ઈશ્વરના નિયમ પ્રમાણે જે કંઈ મળતું હોય તેમાં સંતોષ માને, એમાં પણ ઈશ્વરનો અનુગ્રહ જ માને, તો માણસની શાંતિનો કદી ભંગ નહીં થાય અને દુઃખી પણ નહીં થાય”- આ શબ્દો છે મોરારજીભાઈ દેસાઈના (Morarji Desai) જે એમના જીવનનો નીચોડ છે.

કિસ્મત, નસીબ, ભાગ્યદશા, કર્મના નિયમ કે નિયતિમાં એમની સમજ અને વિશ્વાસ અતૂટ રહયો હતો. આને આનુસાંગિક એક પ્રસંગ એમને યાદ કરીને એમનાં જ શબ્દોમાં એમણે અનુભવેલો જે આમ હતો-  ‘વર્ષ ૧૯૩૯ના નવેમ્બરમાં મુંબઈના મંત્રી પદેથી રાજીનામું આપીને હું મારો ચાર્જ સોંપીને અમદાવાદ પાછો ફર્યો એ વખતે હું મારા ભાઈઓની સાથે રહયો હતો. અમદાવાદમાં સ્વસ્તિક સોસાયટીના એક મકાનમાં ભાડે રહેતાં!

મારા ત્રણેય ભાઈઓ ત્યારે અમદાવાદમાં જ હતાં ! મારાથી નાનો ભાઈ અંબાલાલ- એ મિલમાં મેનેજર હતો ! બીજો ભાઈ નાનુભાઈ એ એફ.આર.સી. થઈને આવ્યા પછી પોતાની જ હોસ્પિટલ કરી હતી અને એ રીતે એ ઓપરેશનો પણ કરતા અને પોતાનું જ ખાનગી ડોકટરી કામ કરતા ! સૌથી નાનો છોટુભાઈ- જે ઈજનેર હતો અને તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં નોકરી કરતો.

અમે ચારેય ભાઈઓ સાથે જ રહેતા અને અમારા માટે અમે પુખ્ત ઉંમરના થયા પછી પહેલીવાર સાથે રહેવાનું થયું હતું ! અમારી બાજુમાં જ વલસાડના વતની પડોશી મિત્ર સુબોધભાઈ રહેતાં હતાં. સુબોધભાઈ એ મારા ભાઈ છોટુભાઈની સાથે જ મ્યુનિસિપલ કોરપોરેશનમાં ઈજનેર તરીકે નોકરી કરતાં હતાં ! એમની સાથે અમારો ગાઢ સંબંધ હતો અને તેથી અમે રોજ મળતાં-હળવાશની પળોમાં વાતો કરતાં !

આ સુબોધભાઈ એક સારા ઈજનેર તો હતાં જ પણ એટલું જ નહીં, બલ્કે એમને જયોતિષ વિદ્યાનો પણ શોખ હતો અને એ વિદ્યા એમણે ઠીક ઠીક સંપાદન કરી હતી… આમ તો સુબોધભાઈ પોતાની મોટરમાં નોકરીએ જતાં પણ એક-બે મહિના સુધી મેં જોયું કે સુબોધભાઈ મોટરમાં જતા નહીં અને સાઈકલ ચલાવવાનું પણ લગભગ બંધ કરી નાખ્યું હતું !

એક સાંજે, મેં એમને આવું કરવા માટેનું કારણ પૂછ્યું ત્યારે એમણે મને કહયું કે ઃ “મારા ગ્રહો પ્રમાણે સાત આઠ મહિના દરમિયાન મને અકસ્માત નડવાનો ભારે સંભવ છે, એટલા માટે હું સાવચેત રહેવાં ઈચ્છું છું અને તેથી જ મોટાભાગે પગે ચાલીને જ અવર-જવર કરું છું !” મેં એમને કહયું કે, ‘અકસ્માત થવાનો હશે, તો તમે તેને રોકી શકવાના નથી. પગે ચાલતા જાવ છો પણ તેથી ક્યાં અકસ્માત થતો નથી ?

માટે.. આવી કાળજી રાખવી અને તકલીફ ભોગવવી તમારે છોડી દેવી જોઈએ !’… ત્યારે એમણે કહયું ‘માણસે સાવચેતી તો રાખવી જ જોઈએ અને તેથી હું સાવચેત રહું છું, અને તેથી અકસ્માત અટકી શકે એમ હું માનું છું!” આ બાબત સાથે હું સહમત થતો નથી, તેવું મેં એમને કહયું. “અકસ્માત થવાનો હશે તો ગમે ત્યારે થયા વગર રહેવાનો નથી. માટે એની ચિંતા નહીં કરવી જોઈએ. આપણે આપણું કામ નિશ્ચિત થઈને કર્યા કરવું જોઈએ !”

આ વાત કરે બે મહિના થયા હશે ત્યારે લગભગ જુલાઈ મહિનામાં, એક રાત્રે મારા મકાનમાં અમે સૌ ભાઈઓ તથા સાથે સુબોધભાઈ બ્રિજ રમતા હતા ! ત્યાં રાત્રે લગભગ સાડા અગિયારના સુમારે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવા લાગ્યો અને તેજ ગતિએ પવન પણ ફૂંકાયો- આનાથી ઘણી બધી જગ્યાએ ઝાડો પણ તૂટી પડતાં હોય એમ સોસાયટીના અન્ય રહીશો જણાવતાં હતાં !

એટલે એ વખતે સુબોધભાઈએ મારા ભાઈ છોટુભાઈને કહયું કે, “ચાલ, આપણે પણ બહાર જઈને નિરીક્ષણ તો કરીએ ? અને રસ્તાઓ ઉપર પણ ઝાડો પડીને રસ્તા રોકાયા હોય તો તે રસ્તાઓને સાફ કરવાનો ઉપાય પણ કરવો જોઈએ !” આથી બેઉ બહાર જવા તૈયાર થયા, ત્યારે મેં એમને કહયું કે, ‘અત્યારે રાત્રે સાડા બાર વાગવા આવ્યા છે અને એ વખતે તમે રસ્તા ઉપર જઈને શું કરી શકવાના છો ?

અને પાછું આવા વરસાદમાં જવા-આવવાની મુશકેલી પણ નડ્યા વગર રહેવાની નથી એના કરતાં સવારે વહેલા જઈને તમે નિરીક્ષણ કરશો તો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જઈને જે કંઈ બંદોબસ્ત કરવા જેવો લાગે તે કરી પણ શકશો !’ તેમણે મારી વાતને કબૂલ રાખી અને સવારે છ વાગ્યે સુબોધભાઈએ મારા ભાઈની સાથે ફરવા જવા-નિરીક્ષણ કરવા જવાનું નકકી કર્યું !

રાત્રે વાત થયા પ્રમાણે મારો ભાઈ તૈયાર હતો અને સુબોધભાઈની સાથે બંને જણા ઘેરથી ઉપડી જવા તૈયાર થયા. મારા ભાઈએ એલિસબ્રીજ તરફ જવાનું સૂચન કર્યું અને સુબોધભાઈએ વિદ્યાપીઠ તરફ જવાનો આગ્રહ રાખ્યો !

આખરે બંને જણા વિદ્યાપીઠ જતાં પહેલાં ત્યાંથી થોડા અંતરે રસ્તા ઉપર એક નાળું હતું ત્યાં આ બેઉ પહોંચ્યા ! તે નાળામાંથી પાણી ધમધોકાર વહી જતું હતું ! માણસને ગળા સુધી પાણી આવી જાય એટલું પાણી વહેતું હતું. જેવા સુબોધભાઈ અને છોટુભાઈએ નાળા ઉપર જઈને ઉભા રહયા તેવું જ એ નાળું તૂટ્યું અને બંને જણા નીચે નાળામાં પડયા. નાળું તૂટવા માટે જાણે એમની જ રાહ જોઈને બેઠું હતું એ પ્રમાણે આ ઘટના બની !!!

મારા ભાઈને તરતાં આવડતું ન હતું અને શરીરે પણ તે સૂકલકડી હતા. તેમ છતાં ગમે તેમ કરીને વહેતા નાળામાંથી બહાર નીકળી આવ્યા, પણ સુબોધભાઈ ત્યાંજ દબાઈ ગયા ! છોટુભાઈએ તરત જ ઘેર આવીને અમને ખબર આપી ! એમને એટલો એટલો બધો ગભરાટ હતો કે તેમના બોલવામાં પણ તોંતડાશ સાક્ષી પુરતી હતી. એમણે જેવી વાત કરી તેવા જ હું અને સોસાયટીના બીજા સાથીઓ તે નાળા પાસે પહોંચી ગયા.

ઉપરથી નાળું તૂટવાથી જે ભેખડો પડી એમાં સુબોધભાઈ દટાઈ ગયા હતા. એટલે માણસોએ કાટમાળમાંથી સુબોધભાઈના શરીરને બહાર કાઢીને ઉપર લાવ્યા, એમની ઘણી પ્રાથમિક સારવાર અમે ત્યાં કરી, પેટમાંથી પાણી બહાર કાઢયું.. પણ એ બેભાન નો’તા… એમનો જીવ ઉડી ગયો હતો,

એટલે અમારો ઈલાજ ચાલ્યો નહીં ! તેમ છતં અમે એમને ઈસ્પિતાલમાં લઈ ગયાં.. ત્યાં ડોકટરોએ કહયું કે એમનું પ્રાણપંખેરું ઉડી ગયું છે !! એમને ગ્રહો પ્રમાણે અકસ્માતની ભીતિ લાગતી હતી એ આ પ્રમાણે સાચી પડી અને એમનું એ વિષેનું જે જ્ઞાન હતું એ પણ આ અકસ્માતમાંથી એમને બચાવી ન શકયું !! આ બનાવથી મારી એ માન્યતા બિલકુલ જડ ઘાલી ગઈ કે નિયતિને કોઈ ટાળી શકતું નથી. એને કોઈ અટકાવી શકતું નથી કે બદલી શકતું નથી.

આવો જ એક બીજો પ્રસંગ છે ર્ડા. શાન્તિલાલ જે. મહેતા જેઓ જસલોક હોસ્પિટલના સૌ પ્રથમ મેડિકલ ડાયરેકટર હતા. એમના મિત્ર ડો. નરસિંહા આયર મદ્રાસમાં એમની સાથે સાથી પરીક્ષક હતા અને એમ.એસ.ની ડિગ્રી માટે તેઓ વિદ્યાર્થીઓની પરીક્ષા લેતા. એકવાર ડો. આયરના દીકરાને મેં પાસ કરવાની ના પાડેલી, તેથી તે ખૂબ હતાશ થઈ ગયેલા- પરંતુ બીજે વર્ષે એ ખૂબ હોંશિયારીથી પાસ થઈ ગયો હતો.

બીજીવાર જયારે હું મદ્રાસ ગયો ત્યારે ર્ડા. આયરને મળેલો અને કહેલું કે હવે ફરીવાર હું (ડો. આયર) એમ.એસ.ની ડિગ્રી માટે પરીક્ષક-પદ નહિ સ્વીકારે અને મુંબઈ નહિ આવે, કેમકે એમને ઘરનો કોઈ પ્રશ્ન સતાવતો હતો અને એ કારણે એ દુઃખી હતા. એમણે કહયું ઃ ‘મારા દીકરાને નાતબહાર ક્રિશ્ચિયન છોકરી સાથે લગ્ન કરવાં છે. અમે બ્રાહ્મણ છીએ..’

મેં એમને કહયું કે સમયની સાથે આપણે બધાએ ચાલવું જોઈએ. પણ એમણે કહયું કે એમનું મન કામમાં લાગશે જ નહિ. તેથી મેં ડો. આયર ને કહયું… ‘કંઈ નહિ તો મારી સાથે મુંબઈ તો ચાલો!’.. .તેઓ મુંબઈ આવ્યા અને મારા ઘેર જમવા આવ્યા. તે ટેબલ ઉપર બેઠા હતા અને જમવાનું પીરસાઈ રહયું હતું અને એકાએક એમનાં હાથમાંથી ચમચો પડી ગયો.

ઉભા થઈને મેં એમની પલ્સ (નાડી) જોઈ. પણ પલ્સ હતી જ નહિ. મારી મારી પત્નીને મેં બૂમ પાડીને કહયું ઃ “ચંપી ! પલ્સ મળતી નથી ! એમને જલદી સુવાડી દે !” અમે એમને જમીન ઉપર સુવાડ્યા. મારી ઘડિયાળમાં એ વખતે રાતના નવ વાગ્યા હતા. આ એમની બેભાન અવસ્થા થોડીક જ વાર રહી અને તરત જ ભાનમાં આવી ગયાં. મને પછીથી ખબર પડી કે એ રાત્રે, બરાબર એ જ સમયે મદ્રાસમાં એમના દીકરાએ આપઘાત કર્યો હતો !!

ર્ડા. શાંતિલાલ સર હોમી મહેતાને બહુ જ સારી રીતે ઓળખતા હતા. અમેરિકા જવાના આગલે દિવસે તે મને વિલિંગ્ડન કલબમાં મળ્યા. હું પણ તેજ દિવસે અમેરિકા જવાનો હતો – પણ જુદી ફલાઈટમાં. સર હોમી એ મને એમની સાથે ‘પાન-અમેરિકન’ વિમાનમાં સાથે જોડાવાનો આગ્રહ કર્યો. એમણે કહયું કે એમની પાસે સ્લીપિંગ બર્થ હતી, જે તેઓ મારી પત્નીને આપી દેશે, અને તેથી અમે બે નિરાંતો વાતો કરી શકીએ.

આથી મેં મારી પત્નીને કહયું કે આપણે ‘પાન-અમેરિકન’ ફલાઈટ કરાંચીથી પકડી લઈશું, પરંતુ એણે મને ચોકખી ના પાડી.- એટલું જ નહિ પણ એ દિવસે મુસાફરી કરવાની જ ના પાડી, કારણ કે એ અમાસનો દિવસ હતો, જેને તે અમંગળ ગણતી. મેં સરહોમીને ફોન કરીને એમને પણ એ ફલાઈટમાં જવાની ના પાડવા કહયું અને મારી પત્નીની વાત એમને કરી. સર હોમી એમના ગુસ્સા માટે જાણીતા હતા..

એમણે ગુસ્સે ભરાઈને મને કહયું ઃ ‘શું વાહિયાત વાત કરો છો ! કશું જ થવાનું નથી !’ અને તેઓ નિર્ધારીત સમયે ઉપડ્યા ઃ અને એમના વિમાને આર્યલેન્ડમાં શેનોન પાસે અકસ્માત નડયો અને તે મૃત્યુ પામ્યા. પણ આવો જ બીજો બનાવ આનાથી ઉંધો બન્યો- હોમી ભાભા જયારે પરદેશ જવાના હતા ત્યારે એમનાં મા એ એમને અમાસને દિવસે મુસાફરી કરવાની ના પાડી, એટલે મા ની ભાવનાને અનુસરીને એમણે બીજા દિવસની ફલાઈટની ટિકિટ બદલાવીને લીધી જે બેસતો મહિનો હતો.

આમ છતાં એમનું ‘એર ઈન્ડિયા’નું પ્લેન સ્વિટ્‌ઝર્લેન્ડમાં મો-બ્લા ઉપર તૂટી પડ્યું અને તેઓ અકસ્માતમાં માર્યા ગયા !… કિસ્મત, નસીબ, ભાગ્યદશા, કર્મના નિયમ કે નિયતિ એનું કોઈક મહત્વ તો હશે જ. નિયતિને (Destiny) કોઈ ટાળી શકતું નથી !!

ખિડકી –સમય નામના સમુદ્રમાં આપણી ભાષા, આપણાં ગીતો, આપણી કહેવતો, આપણાં ઉખાણાં, આપણી વાર્તાઓ અને આપણી માન્યતાઓ ભુલાઈ જશે. અંગ્રેજીમાં એક વાકય છે ઃ “ઈટ્‌સ બેડ યૂ ફર્ગેટ થિંગ્સ યૂ આર સપોઝડ ટુ રિમેમ્બર, બટ ઈટ્‌સ વર્સ વ્હેન યૂ રિમેમ્બર થિંગ્સ યૂ આર સપોઝ્ડ ટુ ફોર્ગેટ !”

ઝબકાર
ઓ ગાફિલ રબ સે ધ્યાન લગા !, શ્લોક જેવું જીવી જનારાનો શોક ન હોય !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.