Western Times News

Gujarati News

સુરતમાં યુવાનવયે હાર્ટએટેકથી મોતની પાંચ ઘટનાએ ફરી ફફડાટ ફેલાવ્યો

પ્રતિકાત્મક

સુરત, શહેરમાં યુવાનવયના લોકો હાર્ટએટેક અથવા કાર્ડિયાક એરેસ્ટને કારણે એકાએક મોતને ભેટતા હોવાની ઘટનાએ ફરી ચિંતા ઊભી કરી છે.

છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં આ રીતે અચાનક બેભાન થઈ હાર્ટએટેક અથવા કાર્ડિયાક એરેસ્ટને કારણે ઉપરાછાપરી ૫ વ્યક્તિના મોત થયા હતા. એક ઘટનામાં તો ભેંસાણ ખાતે પુત્રીને સાયકલ ચલાવવા માટે નીકળેલા પિતા અચાનક ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા. અન્ય બનાવમાં ઉધનામાં મિલમાં તેમજ કાપોદ્રામાં કામ કરતી વખતે બેભાન થઈ જતાં બેના મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇચ્છાપોર પોલીસની હદમાં આવતા ભેંસાણ મહાદેવ મંદિરની સામે હિતેશ ચંદુભાઈ પટેલ (૪૩ વર્ષ) બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. હિતેશ ટ્રાવેલ્સ એજન્સીમા ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ગુરુવારે સાંજે ૫ઃ૪૫ વાગ્યાના સુમારે હિતેશ તેની ૧૪ વર્ષીય ત્રિશા નામની પુત્રીને સાયકલ ચલાવવા માટે મલગામા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગયા હતા.

જ્યાં પુત્રી સાયકલ ચલાવી રહી હતી. તે સમયે હિતેશ અચાનક ઢળી પડ્યો હતો. આ દૃશ્ય જોઈને અન્ય લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

બીજા બનાવમાં, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઉધના ભીમનગર ગરનાળા પાસે શિવશંકર ઉર્ફે દિપક વિજયપાલ શિંગ (૩૬ વર્ષ) રહેતો હતો. શિવશંકર ઉધના રોડ નંબર ૧૦ પર આવેલી કંપનીમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ગુરુવારે રાત્રે ૯ વાગ્યા આસપાસ શિવશંકર મિલમાં કામ કરીને દાદર ઉતરી રહ્યો હતો. ત્યારે ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો. સારવાર માટે બોલાવાયેલી ૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં, મૂળ ભાવનગરના વતની દિનેશ જીવરાજ કાકડીયા (૫૦ વર્ષ) હાલ મોટા વરાછા સુદામા ચોક પાસે મંત્ર હોમ્સમાં પરિવાર સાથે રહેતા હતા. દિનેશ કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ગુરુવારે સાંજે ૫ઃ૩૦ વાગ્યાના સુમારે દિનેશ કંપનીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ચોથા બનાવમાં, કતારગામ લલિતા ચોકડી પાસે આવેલા સંતોષી નગરમાં રાજેશ નાનજીભાઈ વાદી (૪૫ વર્ષ) બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો.

રાજેશ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુરુવારે રાત્રે રાજેશ જમીને સુઈ ગયો હતો. મધરાત્રે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પાંચમા બનાવમાં, નાના વરાછા હળપતિ કોલોનીમાં ભરત બલદેવ વ્યાસ (૪૨ વર્ષ) એકલો રહેતો હતો. ભરત છૂટક મજૂરી કરીને પેટિયુ રળતો હતો.

બુધવારે રાત્રે ભરત જમીને સુઈ ગયો હતો. ગુરુવારે સવારે તે ઉઠ્યો નહિ હતો. પાડોશીઓ તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પાડોશીઓએ તેની અંતિમવિધિ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.