Western Times News

Gujarati News

ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં અને વલસાડમાં કરા સાથે વરસ્યો વરસાદ

ગુજરાતના વાતાવરણમાં પલ્ટોઃ તોફાની પવન સાથે કમોસમી વરસાદ- અમદાવાદમાં વાવાઝોડા સાથે અનેક વિસ્તારમાં વરસાદઃ અમદાવાદના ૧૧ સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસ્યો છે. તેમાં પણ વલસાડમાં મિની વાવાઝોડા સાથે કરા પડ્યા, તો અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડમાં તોફાની પવન સાથે વરસાદના કારણે ગિરનાર ગામે આશ્રમ શાળાના પતરા ઉડ્યા, તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની છે. ત્યારે આજે ક્યાં ક્યાં વરસાદ રહ્યો તે જોઈએ.

રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો. સેલવાસના ખાનવેલ અને ખેડપા સહિતના વિસ્તારોમાં વરસાદ કરા સાથે વરસાદ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા છે. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.

બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તો સાથે જ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી મહોલ જોવા મળ્યો છે. વરસાદનાં હળવા છાંટા, વાતાવરણમાં આંશિક રાહત થઈ છે. હજી પણ આકાશમાં વાદળો ગરજી રહ્યા છે. ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પવન સાથે વરસાદ જોવા મળ્યો. કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડ્યા છે. પવન સાથે વરસાદના કારણે ગિરનાર ગામે આશ્રમ શાળાના પતરા ઉડ્યા તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા છે.

કમોસમી વરસાદ અને બરફના કળાના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ છે. ૧૪ મે અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી છે. ૧૫ મે બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. ૧૬ મે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોર તાલુકાના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સણોસરા, ઈશ્વરીયા, આબલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદથી પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા હતા.

ગુજરાતમાં આજથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, તો અનેક જિલ્લામાં કાળઝાળ ગરમી. રાજ્યમાં આવો વરસાદી માહોલ આગામી ચાર દિવસ અનેક જિલ્લાઓમાં જોવા મળશે. આજે અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે. પવનની ગતિ ૫ થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે.

ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે. બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તો અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે.

જેમા તેમણે જણાવ્યુ છે કે, નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્‌યુલેશન બનેલું છે. તેના કારણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.

આજથી ૧૬મી મે સુધી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. શહેરના ગોતા, એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી, જગતપુર અને પાલડી જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે,

તો શાહીબાગ, રિવરફ્રન્ટ અને સરદારનગર સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ભારે પવનના પગલે ૧૧થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અનેક સ્થળોએ હો‹ડગ્સ પણ જોખમી બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.