Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરચોરી

એટેન્ડન્ટ એલાઉન્સની રકમ રોકડમાં લઈ સરકારી તિજોરીને નુકસાન કરાવતા અધિકારીઓ ઃ આક્ષેપ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, કરદાતાઓ દ્વારા ભરપાઈ કરવામાં આવેલ કરવેરામાંથી વિકાસના કામો થાય છે આ કરવેરા ઉઘરાવવાની જવાબદારી સરકારી કે મ્યુનિ. અધિકારીઓની રહે છે. પરંતુ જો આ અધિકારીઓ જ કરવેરાની ચોરી કરે તો પછી તેઓ કેવી રીતે કરવેરાની વસુલાત કરે?

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં ઉચ્ચ અધિકારીઓ ‘એટેન્ડન્ટ એલાઉન્સ’ની રકમ રોકડમાં લઈ સરકારી તિજોરીને નુકશાન કરી રહયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર તરીકે રાજય સરકાર દીઠ જે અધિકારીઓની નિમણુંક કરવામાં આવે છે તેમને તેટલી નોકરીના સમયગાળા પુરતા એચ.આર.એ. આપવામાં આવતા નથી જેની સામે મ્યુનિ. કોર્પો. તરફથી તેમને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે મકાનની જાળવણી માટે એક એટેન્ડન્ટ પણ આપવામાં આવે છે.

આ એટેન્ડન્ટના પગાર અંગે લગભગ બે દાયકા અગાઉ એક ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો ‘જે મુજબ ગાંધીનગરથી નિમણુંક થઈને આવેલા અધિકારીઓ કે જેમને કોર્પોરેશન તરફથી મકાન ફાળવવામાં આવે છે તેમને એટેન્ડન્ટની સુવિધા આપવી તેમજ એટેન્ડન્ટના પગાર પેટે રૂ.૩પ૦૦ પુરા આપવા’ સદર ઠરાવમાં સમયાંતરે પગારની રકમમાં ફેરફાર થયા છે.

સાથે સાથે કેટલાક અધિકારીઓ કે જેઓ આ એટેન્ડન્ટ એલાઉન્સ મેળવવા યોગ્ય નથી તેમણે પણ સત્તાધીશો પર દબાણ લાવી ઠરાવમાં તેમના નામ સામેલ કરાવ્યા છે. મ્યુનિ. સુત્રોનું માનીએ તો ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર આ પ્રકારના એલાઉન્સ મેળવવા પાત્ર નથી કારણ કે તેમને કોર્પોરેશન તરફથી કોઈ મકાન ફાળવવામાં આવ્યા નથી તેમ છતાં ગત ટર્મમાં તેમને પણ આ પ્રકારના એલાઉન્સ આપવા માટે ખાસ ઠરાવ થયો હતો.

તેવી જ રીતે ચીફ ઓડીટર અને મ્યુનિ. સેક્રેટરી પણ આ એલાઉન્સ માટે યોગ્યતા ધરાવતા નથી આ બંનેનો સ્ટેચ્યુટરી હોદ્દો છે. ચીફ ઓડીટરનો પે ગ્રેડ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર સમકક્ષ છે તેથી તેઓ વારંવાર ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરને મળતા તમામ લાભો લેવા માટે સત્તાધીશો પર દબાણ કરતા રહે છે પરંતુ અહીં મોટો ફરક એ છે કે પે ગ્રેડ સમાન હોવાથી સત્તાસમાન હોતી નથી

ચીફ ઓડીટર કરતા અનેક ઘણી વધારે સત્તાના અધિકારો ડેપ્યુટી કમિશ્નર પાસે રહે છે. જો માત્ર સ્ટેચ્યુટરી પોસ્ટને જ મહત્વ આપવામાં આવે તો એમઓએચ ડો. ભાવિન સોલંકી અને સીટી ઈજનેર પણ આ તમામ લાભ મેળવવા યોગ્ય ગણી શકાય.

મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ડેપ્યુટી કમિશ્નરો, ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નર તેમજ ચીફ ઓડીટર અને સેક્રેટરી દ્વારા એટેન્ડન્ટ એલાઉન્સની રકમ રોકડમાં લેવામાં આવે છે સામાન્ય રીતે સરકારી સંસ્થાઓમાં કોઈપણ અધિકારી રોકડમાં આવી રકમ લઈ શકે નહી. જો ઠરાવ મુજબ ચીફ ઓડીટર, ચીફ સેક્રેટરી કે ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશ્નરો તેમજ જે ડેપ્યુટી કમિશ્નરને મકાન ફાળવવામાં આવ્યા નથી

તે લોકો એટેન્ડન્ટ એલાઉન્સ લેવાને પાત્ર હોય તો શા માટે ચેકથી આ રકમ લેતા નથી તેઓ દર મહિને રૂ.૧ર૦૦૦ એટેન્ડન્ટ એલાઉન્સ તરીકે રોકડમાં મેળવી રહયા છે. સામાન્ય હિસાબ ગણવામાં આવે તો એક અધિકારી દર વર્ષે ઈન્કમટેક્ષ વિભાગને અંદાજે રૂ.૪૦ હજારનું નુકશાન કરાવી રહયા છે અથવા પરોક્ષ રીતે કરચોરી કરી રહયા છે તેવા આક્ષેપ પણ થઈ રહયા છે.

આ ઉપરાંત મ્યુનિ. નાણાં વિભાગ દ્વારા રોકડમાં આપવામાં આવતી રકમને કઈ રીતે જમા ઉધાર કરવામાં આવે છે તે બાબત પણ તપાસનો વિષય બને છે. સુત્રોનું માનીએ તો એટેન્ડન્ટ એલાઉન્સનો તમામ વ્યવહાર સેન્ટ્રલ ઓફિસ દ્વારા કરવામાં આવે છે જેના ડેપ્યુટી કમિશ્નર પણ આ એલાઉન્સ મેળવવાને પાત્ર નથી તેમ છતાં તેઓ પણ દર મહિને રૂ.૧ર હજાર રોકડા મેળવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.