Western Times News

Gujarati News

AMTSની બેદરકારી: 880 કર્મચારીઓના પગાર માટે બે વર્ષથી કોઈ જ રજુઆત નહીં

પ્રતિકાત્મક

મ્યુનિ. કોર્પોરેશનમાં વણવપરાયેલ પડી રહેલ રૂ.ર૦૦ કરોડ મામલે AMTSના અધિકારીઓ નિષ્ક્રિય

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા (લાલ બસ) વર્ષે દહાડે રૂ.૩૦૦ કરોડની ખોટ કરે છે જેની સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક સરેરાશ રૂ.૧ કરોડની લોન ટ્રાન્સપોર્ટ સર્વિસને આપવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ સર્વિસ સદર રકમ પરત આપી શકે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી પરંતુ સંસ્થા દ્વારા ૮૦૦ કરતા વધુ કર્મચારીઓને મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ ડિપાર્ટમેન્ટમાં ફાળવવામાં આવ્યા છે છેલ્લા બે વર્ષથી તેમનો પગાર પણ એએમટીએસના ખાતામાં જમા થયો નથી.

અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસને યેનકેન પ્રકારે ચાલુ રાખવા માટે મ્યુનિ. કોર્પોરેશન તરફથી દર વર્ષે રૂ.૩૦૦ કરોડ વધુની લોન આપવામાં આવે છે જેના વ્યાજની ગણતરી કરવામાં આવતી નથી. એએમટીએસની ખોટ એટલી માતબર છે કે તે કોઈપણ સંજોગોમાં મનપાને લોનની રકમ ચુકવી શકે તેમ નથી. સંસ્થાના કેટલાક અધિકારીઓની ખાસ કરીને ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજરની બેદરકારીના પરિણામે ખોટનું ભારણ વધી રહયું છે તેમ પણ માનવામાં આવે છે.

એએમટીએસ દ્વારા પગાર ખર્ચનું ભારણ ઓછુ થાય તે માટે ર૦૧૪ના વર્ષથી તેના કેટલાક કર્મચારીઓની ફાળવણી કોર્પોરેશનમાં કરવામાં આવી છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ર૦૧૪-૧પથી ર૦ર૧-રર સુધી આ કર્મચારીઓના પગારની રકમ સંસ્થા દ્વારા કોર્પોરેશનના ખાતે ઉધારવામાં જ આવી ન હતી. મતલબ કે એએમટીએસના ૮૦૦ કરતા વધુ કર્મચારીઓ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા

પરંતુ તેનો પગાર એએમટીએસ જ ભોગવી રહયું હતું તે સમયે ભારે ઉહાપોહ થયા બાદ કોર્પોરેશને એક સાથે રૂ.૧પ૬ કરોડ એએમટીએસના ખાતામાં જમા આપ્યા હતાં પરંતુ ત્યારબાદ છેલ્લા બે વર્ષથી એએમટીએસ દ્વારા પગાર ખર્ચ જમા લેવા અંગે મ્યુનિ. કોર્પોરેશનને કોઈ જ પત્ર લખવામાં આવ્યો નથી જેના કારણે બે વર્ષના પગાર પેટે રૂ.૧ર૦ કરોડ કોર્પોરેશનમાં જમા પડયા છે

જયારે બીજી તરફ એએમટીએસના દેવાની રકમ વધી રહી છે. રાજય સરકાર તરફથી એએમટીએસને દર વર્ષે ગેપ ફંડ પેટે ખાસ રકમ આપવામાં આવે છે સદર રકમ એએમટીએસને સીધી ન આપતા મ્યુનિ. કોર્પોરેશનના ખાતામાં જમા થાય છે આ રકમ માટે પણ એએમટીએસ તરફથી કોઈ જ ઉઘરાણી કરવામાં આવી નથી જેના કારણે દેવાની રકમમાં કોઈ ઘટાડો થતો નથી

જયારે રૂ.ર૦૦ કરોડ જેટલી રકમ મ્યુનિ. કોર્પોરેશનમાં વણવપરાયેલ પડી રહી છે જેના માટે ટ્રાન્સપોર્ટ મેનેજર અને ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજરની સીધી જવાબદારી રહે છે. એએમટીએસના દેવામાં સતત વધારો થઈ રહયો છે જેના કારણે સંસ્થા તરફથી ર૧૭ કંડકટરની ફાળવણી કોર્પોરેશનમાં કરવામાં આવી છે જયારે થોડા દિવસ અગાઉ જ સંસ્થાએ ફિકસ પગારથી કંડકટર ભરતી કરવાની જાહેરાત આપી છે આ બાબત સમજી શકાય તેવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.