Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલોમાં જરૂર ન હોય છતાં કરાતી સર્જરીઓ પર અંકુશ આવશે

પ્રતિકાત્મક

આયુષ્માન કાર્ડની આડમાં રૂપિયા કમાવવા થતી આડેધડ સર્જરીઓ બંધ થશે

(એજન્સી)નવી દિલ્હી, આયુષ્માન કાર્ડના નામે કેટલાંક લેભાગુ અને લાલલુ ડોક્ટરો ખોટી પ્રેક્ટીસ કરીને રૂપિયા કમાતા હોવાનું ઘણીવાર સામે આવી ચુક્યું છે. આયુષ્માન કાર્ડના નામે ખોટા ક્લેઈમ થતા હોવાનું પણ સરકારના ધ્યાને આવી ચુક્યું છે. આ એક આખુ મોટું કૌભાંડ ચાલે છે,

જેમાં કાર્ડ કઢાવી આપનારા એજન્ટોથી લઈને કેટલાંક સરકારી કર્મચારીઓ અને મોટા મોટા તબીબો પણ સામેલ હોવાનું સરકારના ધ્યાન આવ્યું છે. જેથી ખાનગી હોસ્પિટલોના તબીબોની ખોટી સર્જરીઓ અને માત્ર સરકાર પાસેથી બિલ પાસ કરાવવા દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની વૃત્તિ રોકવા માટે સરકારે કડક પગલું લીધું છે.

સરકારના ધ્યાને આવ્યુ છે કે, જરૂર ના હોય તો પણ ખાનગી હોસ્પિટલોના કેટલાંય મોટા મોટા તબીબો રૂપિયા કમાવવાની લાલચમાં ખોટા રિપોર્ટ કરાવીને દર્દીની ખોટી રીતે સર્જરી કરી દેતાં હોય છે. આમાં ઘણાં બધાં લોકો સામેલ હોય છે. ઘણીવાર તો ગરીબ દર્દીને પણ ખાનગી હોસ્પટલો દ્વારા સર્જરી કરાવવા માટે પૈસાની લાલચ આપવામાં આવે છે.

તો મોટાભાગના કિસ્સામાં ખાનગી હોસ્પિટલના તબીબો ખોટા રિપોર્ટ કરાવીને દર્દીને તાત્કાલિક સર્જરી કરાવવી પડશે એવું કહીને ડરાવે છે, અને આયુષ્માન કાર્ડમાં રૂપિયો પણ ખર્ચવો નહીં પડે એમ કહીને સર્જરી કરી દે છે. ઘણાં દર્દી પાસે આયુષ્માન કાર્ડ ના હોય તો ખાનગી હોસ્પિટલના તબીબો એજન્ટો પાસેથી તાત્કાલિક કાર્ડ કઢાવવાનું પણ સેટીંગ ધરાવે છે.

આ એક મસમોટું કૌભાંડ છે. જેમાં ઘણી મોટી મોટી ખાનગી હોસ્પિટલના મોટા મોટા ડોક્ટરો પણ સામેલ છે.આયુષ્માન કાર્ડથી રૂપિયા બનાવવા માટે જરૂર ના હોય છતાં આડેધડ થતી સર્જરીઓને રોકવા સરકારે મોટું પગલું લીધું છે. હવેથી ૫૫ વર્ષથી નાની વયના લોકો આયુષ્માન કાર્ડ હેઠળ ની-રિપ્લેસમેન્ટ એટલેકે, ઘૂંટણની સારવાર ખાનગી હોસ્પિટલમાં નહીં કરાવી શકે.

હવે તેવા દર્દીઓ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ આ અંગેની સારવાર વિનામૂલ્યે કરાવી શકશે. રાજ્યમાં પાંચ વર્ષમાં ની-રિપ્લેસમેન્ટ કરાવનારા કુલ દર્દીઓમાંથી ૧૫થી ૨૦ ટકા દર્દી ૫૫થી ઓછી વયના હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વિગતો એ દિશામાં ઈશારો કરે છેકે, બોગસ, લેભાગુ અને લાલચુ ડોક્ટરોએ તબીબી સેવાને એક ગંદો ધંધો બનાવી દીધો છે.

આવા લાલચુ ડોક્ટરો ખોટી રીતે પૈસા કમાવવા માટે દર્દીના શરીરમાં બિનજરૂરી સર્જરીઓ કરીને આયુષ્માન કાર્ડ મારફતે સરકાર પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ ચલાવે છે. અહીં વાત માત્ર ની-રિપ્લેસમેન્ટથી અટકી જતી નથી. અન્ય બીમારીઓમાં પણ બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો આ જ પ્રકારનો હથકંડો અપનાવે છે. જોકે, એ બાબતે હજુ સરકારે કોઈ પગલાં લીધાં નથી.

ત્યાં સુધી આવા બોગસિયાઓનો ધંધો ચાલ્યાં કરશે.આયુષ્માન કાર્ડ હેઠળની-રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી હવે સરકારી હોસ્પિટલોમાં જ કરાવી શકાશે. ખાનગી હોસ્પિટલોમાં આડેધડ થતી સર્જરીઓ પર લગામ કસવા આ કવાયત શરૂ કરાઈ છે. હાલના સમયમાં સાંધાની વિવિધ સર્જરીના પ્રમાણમાં વધારો થયો છે.

નાની ઉંમરના લોકોમાં જરૂર ન હોય તો પણ ની રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ રિવિઝન અને ગર્ભાશયની સર્જરી થતી હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું હતું. જેથી આયુષ્માન કાર્ડ હેઠળ ૫૫ વર્ષથી નાની વયના લોકો માટે આ ત્રણ સર્જરી માત્ર સરકારી હોસ્પિટલમાં જ કરાવી શકાય તેવો નિયમ લાવવાની ફરજ પડી છે.

આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે આયુષ્માન કાર્ડ હેઠળ અગાઉ કોઈ પણ ઉંમરની વ્યક્તિની ની રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટની રિવિઝન સર્જરી તેમ જ ગર્ભાશયની કોથળી સર્જરી રિઝર્વ રાખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.