Western Times News

Gujarati News

હજુ 5 દિવસ માટે હીટવેવની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીઃ પારો ૪૪ ડિગ્રીને પાર

અમદાવાદ, રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં ૪૪.૭ નોંધાઇ હતી. આ સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જે બાદ ડીસામાં ૪૪.૪ ડિગ્રી અને અમદાવાદમાં ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. કાળઝાળ ગરમી અને ગરમ પવન ફૂંકાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. કાળઝાળ ગરમીથી શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.

આજે સુરેન્દ્રનગર ૪૪.૭, ડિસા ૪૪.૪, અમદાવાદ ૪૪.૨, ગાંધીનગર ૪૪, ભુજ ૪૩.૮, રાજકોટ ૪૩.૭, અમરેલી ૪૩.૨, વડોદરા ૪૨.૨, કંડલા એરપોર્ટ ૪૧.૬, કેશોદ ૪૧.૫, મહુઆ ૪૧, ભાવનગર ૩૯.૭, સુરત ૩૫.૮, વલસાડ ૩૭.૨, દમણ ૩૫.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

બીજી બાજુ, આજે બપોર બાદ રાજ્યના ઘણા ભાગોના હવામાનમાં પલટો આવ્યો હતો. આજે સતત ચોથા દિવસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્‌યો હતો. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર, અમરેલીના સાવરકુંડલા પંથક, જૂનાગઢમાં સાસણ અને આસપાસના વિસ્તારોમાં તથા દાંતા પંથકમાં વરસાદ પડ્‌યો હતો.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ૨૪ કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે. મહીસાગર, તાપી ,ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, આવતીકાલથી પાંચ દિવસ માટે મહત્તમ તાપમાન વધતું જ રહેશે. પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં આગામી ૫ દિવસ હીટવેવની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં બે દિવસ માટે હીટવેવની અગાહી આપવામાં આવી છે.

અગામી ૫ દિવસ અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, મહીસાગર, તાપી, ડાંગ, જામનગર, રાજકોટ અને બોટાદમાં છુટાછવાયો વરસાદ થવાની શક્યતા છે, તો સુરત, વલસાડ, પોરબંદર અને દ્વારકામાં આગામી ૫ દિવસ હીટવેવની આગાહી છે. આ સાથે કચ્છમાં આગામી ૨ દિવસ હીટવેવની શક્યતા છે.

હવામાન વિભાગે રાજ્યના તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે, તો ઉત્તર ગુજરાતમાં ૪૩થી ૪૪ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા સેવી છે. દરમિયાન હવામાન વિભાગ બાદ એએમસીએ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને બાદના ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શનિવાર અને રવિવારે ૪૪ ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે સોમવાર,મંગળવાર અને બુધવારના રોજ તાપમાન ૪૩ ડિગ્રી રહેવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ૧૭ થી ૨૨ મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમા ઉતર પશ્ચિમના ફૂંકાશે. ૧૭ મેથી તાપમાનમાં વધારો જોવા મળશે અને ૪૨ થી ૪૪ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય એવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.