Western Times News

Gujarati News

ભાજપના જ ધારાસભ્યો સરકારી સિસ્ટમ અને અધિકારી રાજથી નારાજ

તાલુકા વિકાસ અધિકારીઓ પણ મનસ્વીપણે નિર્ણયો લઈ રહ્યા છે

(એજન્સી)ગાંધીનગર, એક તરફ, ઈફકોની ચૂંટણી બાદ સહકારી સંસ્થાઓના ભાજપના નેતા-આગેવાનોએ ભાજપ સામે અસહકાર આંદોલનના મારફતે મોરચો માંડ્યો છે જયારે બીજી તરફ, ચૂંટણી પૂરી થતાં ભાજપના જ ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો છે.

ભાજપના જ ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળતાં નથી તો આમ જમનતાનું તો કોણ સાંભળતુ હશે? સાથે સાથે ભાજપના જ ધારાસભ્ય ભાજપના શાસનમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. આમ, એક પછી એક ભાજપના ધારાસભ્યો ના લેટર બોમ્બના કારણે પ્રદેશ નેતાગીરી-સરકાર ચિતિત બની છે.

લોકસભાની ચૂંટણી પુરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ અને અધિકારીરાજ સામે વિરોધના સૂર છેડ્યાં છે. જેમકે, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી સુરત કલેક્ટર કચેરીમાં આવક-જાતિના દાખલાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે આક્ષેપ કર્યોકે, ધો.૧૨ના પરિણામ બાદ દાખલા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે ત્યારે એજન્ટો મનફાવે તેમ નાણાં પડાવી રહ્યા છે. આમ, સરકારી કચેરીઓમાં એજન્ટોએ અડિંગા જમાવ્યા છે એ વાત ભાજપના જ ધારાસભ્યએ પુરવાર કરી છે.

આ તરફ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને નરસિંહ મહેતા તળાવની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. સાથે સાથે તળાવના બ્યુટિફિકેશનને લઈને સવાલો ઉભા કર્યા છે. આ ઉપરાંત સંજય કોરડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાકટરની બેદરકારીને લઈને પણ આક્ષેપ કર્યા છે.

એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છેકે, અધિકારીઓ તો પોતાને બધાની ઉપર સમજે છે. મહુધાના ધારાસભ્ય સંજય મહિડાએ પણ પત્ર લખીને તાલુકા વિકાસ અધિકારી મનસ્વીપણે ખરીદી કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં વોટરકુલર-આરઓ પ્લાન્ટ હલકી ગુણવત્તાના ફાળવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.