Western Times News

Gujarati News

ગિફટ સિટી હોટલનો સિક્યુરિટી ગાર્ડ ખુદ કેબલ ચોર નીકળ્યો

File photo

એલસીબીએ ચોરીના કેબલ સાથે બેને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગર, ગાંધીનગરના ગિફટ સિટી હોટલ કમ્પાઉન્ડમાં આવેલા વીજપોલમાંથી ૧.૭૯ લાખના કેબલની ચોરીનો બનાવ તાજેતરમાં બન્યો હતો. જેમાં હોટલ ખાતે ફરજ બજાવતો સિકયુરિટી ગાર્ડ જ ચોર હોવાનું ખુલ્યું છે. એલસીબીએ ગાર્ડ સાથે ભંગારીયાની રૂ.૪૪૦૦ની કિંમતના ૧૧ મીટર કેબલ સાથે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

ગિફટ સિટી ખાતે આવેલી ગીફટ સીટી કલબ મેમ્બર ઓફ રેડીસન ઈન્ડિવિજુવલ્સ હોટલમાં ત્રણ વર્ષથી સિકયુરીટી એન્ડ ફાયર સેફટી ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હજારીસિંગ ભંડારીએ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તે મુજબ તા.૪ મેના રોજ હોટલમાં સ્વીમિંગ પુલ પાસે રેસ્ટોરન્ટ ગેસ્ટ એરિયાનું ઓપનિંગ કરાયું હતું

તે દિવસે સાંજના ગેસ્ટ એરિયા ખાતે લગાવેલા ઈલેકટ્રીક થાંભલાની તમામ લાઈટો ચાલુ થઈ હતી. બીજા દિવસે રાત્રે લાઈટો ચાલુ થઈ ન હતી. જોકે ત્રીજા દિવસે પણ આ લાઈટો ચાલુ ન થતાં ૭મી મેએ તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે, થાંભલાના વાયરો ચોરાઈ ગયા છે.

હજારીસિંગે તપાસ કરતા ગેસ્ટ એરિયા ખાતે ઈલેકટ્રીકના કુલ અઢાર થાંભલાની અંદરના વીજ લાઈન અને સીસીટીવીના કુલ ૬ર૦ મીટર વાયરો ચોરાઈ ગયાનું જાણવા મળ્યું હતું. તેમણે હોટલના કેમેરા ચેક કરતાં અલગ અલગ દિવસોએ એક શખ્સ થાંભલામાંથી વાયરોની ચોરી કરતો જોવા મળ્યો હતો.

આ અંગે ડભોડા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં એએસપી સુમન નાલા અને એલસીબી પીઆઈ એચ.પી. પરમારની ટીમે તપાસનો દોર શરૂ કરી બાતમીદારોને એક્ટિવ કરતા બાતમી મળી હતી કે, મોતીપુરા-જેઠીપુરા હાઈવે પર હરદેવ પારસ ગુજ્જરના ભંગારના વાડામાં એક શખ્સ કેબલ વેચવા આવવાનો છે

તેના આધારે પોલીસે વોચ ગોઠવી ફિરોઝપુર ગામના અશ્વિન શૈલેષભાઈ જાદવ તેમજ ભંગારીયા હરદેવ ગુજ્જર (મૂળ રહે. રાજસ્થાન)ને ચોરીના કેબલ વેચતા- ખરીદતા ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં અશ્વિન જાદવ આ હોટલ ખાતે સિકયુરિટી ગાર્ડની નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.