Western Times News

Gujarati News

શાસ્‍ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃ દાન, ભોગ અને નાશ

બોધકથા: પારકા ધનની તૃષ્ણા ના કરવી

એક નાઇ જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો કે અચાનક અવાજ સંભળાય છે કે સાત ઘડા ધન લેશો?  તેને ચારે બાજુ જોયું પણ કંઇ જોવા મળતું નથી. તેને લાલચ થાય છે અને કહે છે કે હા જોઇએ છીએ.. તરત જ અવાજ સંભળાય છે કે સાત ઘડા તમારે ઘેર પહોંચી જશે તેને સંભાળો.

નાઇએ ઘેર જઇને જોયું તો સાત ઘડા ભરેલું ધન તેના ઘરમાં આવી ગયું હતું પરંતુ છ ઘડા ભરેલા હતા અને સાતમો ઘડો થોડો ખાલી હતો. તેનો લોભ અને લાલચ વધી ગયા.તેને વિચાર્યું કે ગમે તે રીતે સાત ઘડા ભરાઇ જાય તો હું સાત ઘડા ધનનો માલિક બની જાઉં. આમ વિચારીને પોતાના ઘરનું તમામ ધન અને ઝવેરાત સાતમા ઘડામાં નાખ્યું છતાં ઘડો ભરાતો નથી.

નાઇ રાજ દરબારમાં નોકરી કરતો હતો. તેને રાજાને વિનંતી કરી કે મહારાજ તમે જે પગાર આપો છે તેનાથી મારૂં ગુજરાન ચાલતું નથી. રાજાએ તેનો પગાર ડબલ કરી આપ્યો તેમ છતાં નાઇ કંગાળનો કંગાળ જ રહ્યો.

ભીખ માંગીને ગુજરાન ચલાવતો અને જે પગાર આવતો તે સાતમા ઘડામાં નાખતો હતો.એક દિવસ રાજા પુછે છે કે જ્યારે તને ઓછો પગાર મળતો હતો ત્યારે ખુશ રહેતો હતો હવે તારો પગાર ડબલ કરી દેવામાં આવ્યો છે અને બીજી પણ ઘણી આવક છે છતાં દરીદ્ર કેમ? શું તને સાત ઘડાવાળું ધન તો નથી મળ્યું ને?

નાઇએ નવાઇની સાથે તમામ વાતો રાજાને બતાવી ત્યારે રાજાએ કહ્યું કે તે યક્ષનું ધન છે.મને પણ એક રાત્રીએ સાત ઘડા ધન આપવાની ઓફર કરી હતી પરંતુ મેં યક્ષને ના પાડી દીધી હતી.હવે તૂં આ સાત ઘડાને પરત આપી દે. નાઇ ફરીથી તે જગ્યાએ જાય છે જ્યાંથી સાત ઘડા ધન મળ્યું હતું અને યક્ષને કહે છે કે તમારા સાત ઘડા ભરેલું ધન પાછું લઇ લો.એટલામાં સાત ઘડા અદ્રશ્ય થઇ જાય છે.નાઇએ પોતે કમાયેલ ધન ઘડામાં નાખેલું તે પણ જતું રહે છે.

પારકા ધનનો લોભ તૃષ્ણા પૈદા કરે છે અને અમારૂં નુકશાન કરે છે.પાપની કમાણીથી મેળવેલ પારકું ધન મળી જાય તો તેની સાથે લોભ,તૃષ્ણારૂપી સાતમો ઘડો પણ આવી જાય છે તે અમારા જીવનના લક્ષ્ય, જીવનના આનંદ અને શાંતિ,પ્રસન્નતા વગેરે હણી લે છે.

પાપની કમાણી,કોઇ બીજાના હક્કનું પારકું ધન ઘરમાં આવે તો મનુષ્ય તેને ભોગવી શકતો નથી તથા દરીદ્ર જેવું જીવન જીવે છે અને અંતમાં મફતમાં આવેલું ધન ઘરના સાચી કમાણીના ધનને પણ સાથે લઇ જાય છે

એટલે ભૂલથી પણ પાપની કમાણી કરી પારકા ધનમાં તૃષ્ણા-લોભ ન કરવો.ખોટી કમાણીનો એક રૂપિયો ઘરમાં આવી જશે તો પરસેવાની કમાણીના નવ્વાણું રૂપિયા લઇને રવાના થઇ જશે.પોતાના હાથની કમાણીથી ભાગ્ય અનુસાર જે કંઇ મળે તેમાં પ્રસન્ન રહીને પ્રભુ પરમાત્માનું નામ સ્મરણ,સત્સંગ-સેવા કરી જીવન વિતાવવું.

વસ્તુ મળવાની સંભાવના રાખવી એ “તૃષ્‍ણા” છે.સાધકે બીજા દિવસના માટે ભિક્ષાનો સંગ્રહ ના કરવો.તેની પાસે ભિક્ષા લેવાનું કોઇ પાત્ર હોય તો બે હાથ અને ભેગું કરી રાખવાનું કોઇ પાત્ર હોય તો તે પોતાનું પેટ છે.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો,નહી તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાન  છે.

શાસ્‍ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃદાન,ભોગ અને નાશ. દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે. ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે.એક પ્રાચિન ભજનની પંક્તિ છે કે “ધન મળ્યુ ૫ણ મોજ ન માણી કહું કરમની કહાણી રે,કાં તો ભાગ્‍ય બીજાનું ભળ્યું કાં તો ખોટી કમાણી મારા સંતો..જૂના ધરમ લ્‍યો જાણી રે..”

આ પૃથ્વી ૫ર જેટલાં ધાન,સુવર્ણ,૫શુ અને સ્ત્રીઓ છે તે તમામ કોઇ એક પુરૂષને મળી જાય તો ૫ણ તેને સંતોષ થશે નહી.આમ વિચારી વિદ્વાન પુરૂષે પોતાના મનની તૃષ્ણાને શાંત કરવી જોઇએ.સંસારમાં એવું કોઇ દ્વવ્ય નથી જે મનુષ્યની આશાનું પેટ ભરી શકે.પુરૂષની આશા સમુદ્દ સમાન છે તે ક્યારેય પુરી થતી નથી.કોઇપણ વસ્તુની કામના કરવાવાળા મનુષ્યની એક ઇચ્છા જ્યારે પુરી થાય છે ત્યારે બીજી નવી ઉત્પન્ન થાય છે.આમ તૃષ્ણા તીરની માફક મનુષ્યના મન ઉ૫ર આઘાત કરતી જ રહે છે.

“મનુષ્ય જ્યારે ઘરડો થાય છે ત્યારે તેના વાળ ઘરડા થાય છે, દાંત ઘરડા થાય છે પરંતુ તેની તૃષ્ણા ઘરડી થતી નથી એટલે કે ધનની અને જીવવાની તૃષ્ણા તો રહે જ છે.તરૂણ પિશાચીની જેમ આ તૃષ્ણા મનુષ્યને ચૂસી ચૂસીને તેને પથભ્રષ્ટ કરતી રહે છે.દૂષિત બુધ્ધિવાળા આ તૃષ્ણાથી પિડાય છે પરંતુ ઇચ્છવા છતાં તેને છોડી શકતા નથી,તે ઘરડા થઇ જાય છે પરંતુ તેમની તૃષ્ણા‍ તરૂણ જ બનેલી રહે છે.આમ તૃષ્ણા એક એવો રોગ છે જે પ્રાણ લઇને જ છોડે છે એટલે તૃષ્ણાને છોડવામાં જ સુખ છે.”

સંતજનોની કૃપાથી ગુરૂની મહિમા ગાવાથી જ જગતની તૃષ્ણા  છૂટે છે. તૃપ્તિ થાય તો તૃષ્ણાનું મૃત્યુ થાય છે. જેની તૃષ્ણા ઓ વધી ગઇ છે તે દરિદ્ર છે. તૃષ્ણા  સમાન કોઇ દુઃખ નથી અને ત્યાગ સમાન કોઇ સુખ નથી. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ ૯૭૨૬૧૬૬૦૭૫(મો)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.