Western Times News

Gujarati News

સ્વાતી માલીવાલે તેના પર થયેલા હુમલાની ફરિયાદ કરી તે સાચી છે કે ખોટી?

ફાઈલ ફોટો

દિલ્હી સીએમ ઓફિસના બિભવકુમારે કોઈ પણ ઉશ્કેરણી વગર તેમના પર હુમલો કર્યો અને ખરાબ રીતે મારપીટ કરી હોવાની સ્વાતીની ફરિયાદ

(એજન્સી)નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના મામલાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં સ્વાતિ માલીવાલ સીએમ હાઉસની અંદર બેઠી જોવા મળી રહી છે, જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે બિભવ પર ગુસ્સે થઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્વાતિ માલીવાલની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. (જૂઓ વિડીયો)

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે પોતાની સાથે ઘટેલી મારપીટની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. બે પાનાની એફઆઈઆરમાં દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે ૧૩મી મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર ઘટેલી ઘટનાનું વિસ્તૃત વિવરણ આપ્યું છે.

તેમણે એફઆઈઆરમાં સીએમના ઘરે જવાથી લઈને ત્યાં મારપીટ બાદ પોલીસ સ્ટેશન જવા અને ત્યાંથી પછી પોતાના ઘરે પાછા ફરવા સુધીની ઘટના જણાવી છે. સ્વાતિ માલીવાલે શુક્રવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સામે પણ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. તીસ હજારી કોર્ટના એમએમ કાત્યાયની શર્મા કદવાલ સામે માલીવાલે આખી ઘટના દોહરાવી.

સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને જે ફરિયાદ કરી છે તેમાં ખુબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે બિભવકુમારે કોઈ પણ ઉશ્કેરણી વગર તેમના પર હુમલો કર્યો અને ખરાબ રીતે મારપીટ કરી. સ્વાતિએ એટલે સુધી કહ્યું છે કે બિભવે શરીરના અનેક ભાગો પર હુમલો કર્યો. તે દુખાવાથી કણસતી રહી પરંતુ તેને દયા ન આવી.

સ્વાતિએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તે ૧૩મી મેના રોજ સીએમ આવાસ પર ગઈ હતી. બિભવકુમાર સાથે મુલાકાત ન થઈ શકવાના કારણે તે સીએમના ઘરે ગઈ અને તેમની મુલાકાતની રાહ જોતા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. સ્વાતિના જણાવ્યાં મુજબ સીએમ તેમને મળવાના હતા પરંતુ અચાનક ત્યારે જ કેજરીવાલના અંગત સચિવ બિભવકુમાર રૂમમાં ઘૂસી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.