Western Times News

Gujarati News

15 દિવસમાં 3000 રૂ. વિજળીના કપાઈ જતાં લોકો વિફર્યાં

સુરત, સ્માર્ટ વીજ મીટર સામે મધ્ય ગુજરાત પછી સુરતમાં રોષ ઉભો થયો છે. સુરતમાં વેસુ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ પૂર્વે જ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું. જ્યાં મીટર લાગ્યા ત્યાં અત્યારથી જ લોકો ચાર ગણું રિચાર્જ માત્ર પંદર દિવસમાં જ કરવું પડી રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. લોકોના ખિસ્સા ઉપર સીધો જ ફટકો પડી રહ્યો હોવાથી લોકોનો રોષ તીવ્ર બનવા માંડ્યો છે.

ડીજીવીસીએલ(દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.)નાં સ્માર્ટ મીટર હજી માત્ર પાઈલટ પ્રોજેક્ટ તરીકે જ લગાવાય રહ્યાં છે, ત્યારે શરૂઆતમાં જ વિવાદ ઊભો થતાં તેના ભવિષ્ય સામે ગંભીર સવાલો ઉભા થઈ ચૂક્યા છે.

વેસુ નિર્મળ નગર એસએમસી આવાસ અને સોમેશ્વરા એન્કલેવ સહિતના વિસ્તારોમાં જ્યાં સરેરાશ બે મહિનાના વીજ બિલ ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા આવતા હતા.

એ ગ્રાહકોએ ૨૦૦૦ થી ૩૦૦૦ રૂપિયાનું રિચાર્જ કરાવતા માત્ર ૧૫ દિવસમાં રિચાર્જની રકમ પૂરી થઈ જતાં વેસુનાં લોકોએ પીપલોદ ડીજીવીસીએલ કચેરીએ હોબાળો મચાવ્યો હતો. વીજ કંપનીઓના અધિકારીઓએ સરકારી જવાબ આપવાના ચાલુ કર્યા હતાં.

વીજ બિલ ગરમીમાં વધુ વપરાશને લીધે આવ્યા હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરી લોકોને ટાળ્યા હતાં. ટોળું ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું.

ધારાસભ્યએ ડીજીવીસીએલનાં અધિકારીઓ અને ઊર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરવા લોકો પાસે પાછલા વર્ષના બિલની ઝેરોક્ષ કોપી માગી હતી.

વેસુના રહેવાસીઓનું કહેવું છે કે, સૌની સામાન્ય અને ગંભીર ફરિયાદ એ છે કે, બે મહિનામાં જેમનું ૨૦૦૦ રૂપિયા વિજળી બિલ આવતું હતું, તેટલું તો રિચાર્જ માત્ર ૧૫ દિવસમાં પૂરુ થઈ રહ્યું છે. કેટલાંકનું તો બે મહિનાનું બે હજાર બિલ આવતું હતું તેમણે પણ પંદર જ દિવસમાં ૪૦૦૦ રૂપિયા સુધી રિચાર્જ કરવાની સ્થિતિ આવી ગઈ છે.

ધારાસભ્યને રજૂઆત કરવા ગયેલા લોકો પૈકી રાજેશ કેજરીવાલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય સંદીપ દેસાઈની રજૂઆત બાદ હવે અમે વેસુ વિસ્તારના ૧૦૦ અલગ-અલગ લોકો પાસેથી ગયા વર્ષના માર્ચ-એપ્રિલના બિલ એકત્ર કરી રહ્યા છીએ. અમે એક-બે દિવસમાં બધી વિગતો ભેગી કરી તેમને કેલ્ક્યુલેશન સાથે ડેટા આપીશું. પ્રિપેઈડ રિચાર્જ આધારિત નવા સ્માર્ટ મીટર લગાવી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભેરવાઈ છે. કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર એમ.આર.પટેલે જણાવ્યું હતું કે, જેટલો વીજ વપરાશ થયો એટલા જ નાણાં કપાયા છે.

અમે પીપલોદ ઓફિસે આવેલા ૩૦ થી ૪૦ ગ્રાહકોને ગયા વર્ષમાં માર્ચ-એપ્રિલ મહિનામાં થયેલા વીજ વપરાશ અને અત્યારે થયેલા વીજ વપરાશના આંકડા ટેલી કરાવ્યા પછી તેઓ નવું રિચાર્જ પણ કરાવી ગયા છે.

વેસુના રહેવાસીઓ એવું પણ કહ્યું કે, વીજ કંપની એડવાન્સ પેમેન્ટ લઈ રહી છે તો સામે ગ્રાહકોને રિબેટનો કોઈ લાભ કેમ આપી રહી નથી જ્યારે સ્માર્ટ મીટર લાગ્યા ત્યારે ટેકનિશિયન એવું કહેતા હતા કે એડવાન્સ વેરા બિલની જેમ રીબેટ મળશે. હવે અધિકારીઓ ના પાડી રહ્યા છે. સ્માર્ટ મીટર ફરજિયાત રાખવાને બદલે સ્વૈચ્છિક રાખવું જોઈએ,એનાથી કંપનીને કોઈ નુકશાન નથી. અગાઉ બિલિંગ મીટર હતા ત્યારે લોકો બે મહિનાનું સાથે બિલ નિયમિત ભરતાં જ હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.