Western Times News

Gujarati News

પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં આવેલા જોખમી હોર્ડિગ્સ ઉતારી લેવા આદેશ

રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઇ

(એજન્સી)ગાંધીનગર, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગત સોમવારે સાંજે તોફાન અને વરસાદે તબાહી મચાવી હતી. ધૂળની ડમરીઓથી માર્ગો પર અરાજકતા સર્જાઈ હતી. આ દરમિયાન ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર ર્હોડિંગ પડ્‌યું હતું.

આ હોર્ડિગ્સ પડતા ૧૪થી વધુ લોકોના મોત થયા હતા. દરમિયાન આગામી દિવસોમાં આવનાર ચોમાસા દરમ્યાન જો ભારે પવન ફૂંકાય તો આવી દુર્ઘટના બની શકે છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઇ હતી.

જેમાં રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આવા ભારેખમ ર્હોડિંગ ઉતારી લેવા જોઈએ, આ ઉપરાંત મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડિગ્સ પર પણ તૂટી પડવા આદેશ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૫મી મે સુધીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આખરી કરી દેવા આદેશ કર્યા હતા. પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે તેમાં બે સપ્તાહ જેટલો સમય આપવામાં આવ્યો છે. આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી તૈયારીઓ કરવા આદેશ થયા છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-૨૦૪ અન્વયે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યા છે. રાજયમા બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે.

જેમાં માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી. તેમજ ખાસ કરીને માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢીલાશ ચલાવાશે નહીં તેવી તાકીદ કરવામાં આવી છે. સંબંધિતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં નહીં આવે. મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રિ-મોન્સુન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી, ૨૪×૭ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગથી આગળ વધવા જણાવાયું છે. જેના ભાગરૂપે મહાનગરોમાં મોબાઇલ ટાવર અને હોર્ડિગ્સ પડી જવાની ઘટનાઓ ન બને તે માટે સાવચેતી રાખવા આદેશ આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.