Western Times News

Gujarati News

IPSના બાતમીદાર સહિતની ગેંગ વિરૂદ્ધ મારઝૂડ તેમજ ધાક ધમકીની ફરિયાદ

પ્રતિકાત્મક

પોલીસ અધિકારીના બાતમીદાર અલતાફની તાકીદે ધરપકડ કરવા કોર્પોરેટરની માંગણી

(એજન્સી) અમદાવાદ, ચાર તોડા કબ્રસ્તાનમાં થોડા દિવસ પહેલાં પોલીસ તેમજ ઉચ્ચ IPS અધિકારીના બાતમીદાર અલતાફ બાસીએ કરેલી ધમાલ બાદ મામલો વધુ ગરમાયો છે. ગોમતીપુરના કોર્પોરેટર રૂખાશાનાબાનુ ઘાંચી સહિત ત્રણ લોકોએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અલતાફ બાસી સહિતની ગેંગ વિરૂદ્ધ મારઝૂડ તેમજ ધાક ધમકીની ફરિયાદ કરી હતી.

પોલીસ અલતાફ બાસીને છાવરતી હોવાના આરોપ સાથે કોર્પોરેટર રૂખશાનાબાનુ ઘાંચીએ પોલીસ કમિશનર જી.એસ.મલિકને પોતાના લેટરપેડ પર ચોંકાવનારી ફરિયાદ કરી છે. અલતાફ બાસીનો ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ સાથે ઘરોબો તેમજ ચૂંટણીમાં મહત્ત્વનો રોલ હોવાનો ધડાકો કર્યો છે. અલતાફ બાસીની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય તે માટેની કોર્પોરેટર દ્વારા માંગ કરવામાં આવી છે.

ગોમતીપુરના કોર્પોરેટર રૂખશાનાબાનુ ઘાંચીએ પોલીસ કમિશનર જી.એસ.મલિકને બે દિવસ પહેલાં એક પત્ર લખીને તંરણ ગુનામાં વોન્ટેડ અલતાફ ઉર્ફે બાસીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. પત્રમાં કરેલા આક્ષેપ મુજબ અલતાફખાન જબ્બારખાન પઠાણ ઉર્ફે અલતાફ બાસી બુટલેગર છે અને માથાભારે તત્ત્વની ગેંગ ધરાવે છે. અલતાફ બાસી કોઈપણ વ્યક્તિ પર જાન લેવા હુમલો કરતાં પણ અચકાતો નથી

અને લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેની સામે ગુનો નોંધતા પણ ગભરાય છે. અલતાફ બાસી કોઈ પણની હત્યા કરાવી શકે છે જેથી તેની વિરૂદ્ધ જે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે તેમાં તેની ધરપકડ કરવામાં આવે. રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, સરસપુર વિસ્તારમાં અલતાફ બાસી દારૂ, ડ્રગ્સ, જુગારનો ધંધો તેની ગેંગ મારફતે ધમધોકાર ચલાવી રહ્યો છે.

કોર્પોેરટરે વધુમાં આરોપ કર્યો છે કે, ઉત્તરપ્રદેશનો બાહુબલી માફિયા અતિક અહેમદ સાથે પણ તે જોડાયો છે. અલતાફ બાસી ગુજરાતનો અતિક અહેમદ બનવા જઈ રહ્યો છે તેવો આરોપ કર્યો છે. અલતાફ બાસી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કેયૂર બારોટ સાથે જોવા મળે છે. પોલીસ ખાતાની તમામ વિગતો અલતાફ બાસી પાસે હોવાના પણ આરોપ મૂકાયા છે.

આ સિવાય વોટીંગના દિવસમાં અલતાફ બાસીએ વોટિંગ બૂથ ઉપર ધમાલ કરી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સિવાય ચાર તોડા કબ્રસ્તાનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા માટેની પણ ભલામણ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે. રૂખશાનાબાનુએ કરેલા લેટર બોમ્બથી પોલીસ બેડામાં ચર્ચા જાગી છે ત્યારે કેયૂર બારોટની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઊભા થયા છે.

થોડા દિવસ પહેલાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અલતાફ બાસી અને તેના મળતિયાઓ વિરૂદ્ધ ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી. ત્રણ ફરિયાદ પૈકી એક ફરિયાદ કોર્પોરેટર રૂખશાનાબાનુ ઘાંચીએ કરી હતી જેમાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.