Western Times News

Gujarati News

ટ્રાન્સફોર્મર તોડી કોપર કોઈલની ચોરી કરતી પરપ્રાંતિય ગેંગ ઝડપાઈ

પોલીસે કોપર કોઈલના જથ્થા સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર, અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પી.આઈ. એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી અને અન્ય મિલકત સંબંધી ગુના અટકાવવા માટે રાત્રી પેટ્રોલિંગ તેમજ પોઈન્ટ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ માર્ગો પર નાકાબંધી કરી શંકાસ્પદ જણાતા વાહન તેમજ ઈસમો તપાસ કરી રહી હતી. દરમિયાન ભરૂચી નાકા પાસે ટીમ પેટ્રોલિંગમાં હતી

તે દરમિયાન માહિતી આધારે પસાર થતી ટીયુવી ફોર વ્હીલ ગાડીને પોલીસે રોકી હતી અને તેની તલાસી લેતા અંદરથી કોપર કોઈલના ગૂંચળા મળી આવ્યા હતા જે જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતાં ગાડીમાં રહેલા ચારેય ઈસમો ઉડાઉ જવાબ આપવાની શરૂઆત કરતાં પોલીસે તમામની અટક કરી શહેર પોલીસ મથકે લઈ આવી હતી

ત્યાં પૂછપરછમાં નર્મદા કાંઠા વિસ્તારમાંથી ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી અંદરથી કોપર ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વડોદરા પલ્સ સોસાયટી ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત, જીવરાજસિંગ જગદીશસિંહ રાવત, મેનેજરસિંગ સીતારામસિંગ રાવત અને કરણસિંગ કૃપસિંગ રાવતની અટક કરી હતી

અને તેમની પાસેથી કોપર કોઈલ કિંમત રૂપિયા ૩પ૦૦૦ અને ચોરી કરવાના સાધનોમાં વિવિધ પાના મળી કુલ ૩.પ૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનની રાવત ગેંગ દ્વારા અંકલેશ્વરમાં અન્ય કેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર કોઈલ ચોરી કરી છે તે અંગે પૂછપરછ કરવા તેમજ ગતરોજ થયેલ ચોરીનો ગુના નોંધવા માટે પોલીસ તજવીજ શરૂ કરી વધુ તપાસ આરંભી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.