Western Times News

Gujarati News

વિજલપોર નપાની સભામાં ઉપપ્રમુખે ગળુ પકડી પ્રમુખને તમાચા ઝીંકી દેતાં સનસનાટી

અમદાવાદ: સુરતના નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકાની સભામાં આજે એક તબક્કે પ્રમુખ અને ઉપપ્રમુખ બાખડી પડ્‌યાં હતાં. વિજલપોરને નવસારી શહેરમાં સમાવવા માટે ખાસ સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી હતી એ દરમિયાન ઉપપ્રમુખે આવેશમાં આવી જઇ એક તબક્કે અન્ય સભ્યોની હાજરીમાં પ્રમુખ પર હાથ ઉપાડ્‌યો હતો અને ગળુ પકડી તેમને તમાચા ઝીંકી દીધા હતા. આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો અને સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. વિજલપોર નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં આજે ભડકો થયો હતો.

વિજલપોર શહેરને નવસારી શહેરમાં સમાવવા માટે ચર્ચા કરવા ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પ્રમુખ જગદીશ મોદી પર હાથ ઉપાડ્‌યો હતો અને એક તબક્કે ઉપપ્રમુખ પુંડકરે નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઇનું ગળુ પકડી રીતસરના જારદાર તમાચા ઝીંકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, વિજલપોર પાલિકામાં ભાજપનાં જ બાગી જૂથે બાંયો ચડાવી છે. ભાજપનાં ચૂંટાયેલા ૧૭ સભ્યોએ બળવો કરી અલગ જૂથ રચ્યું છે.

વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ જણાવ્યું હતું કે, મારા વિરૂધ્ધ કિન્નાખોરી રાખવામાં આવી રહી છે. અગાઉ એક વર્ષ પૂર્વ મારા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. કોંગ્રેસના સભ્યો સાથે મળીને મારા વિરૂધ્ધ કાવતરાં કરવામાં આવે છે. આજે તમામ સભ્યોની ઉપસ્થિતિમાં મારા પર હાથ ઉપાડવામાં આવ્યો છે તે અંગે હું પોલીસ ફરિયાદ કરીશ અને પાર્ટીમાં પણ તેના વિરૂધ્ધ પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરીશ. ઉપપ્રમુખ અને તમાચા મારનાર સંતોષ પુંડકરે જણાવ્યું હતું કે, પ્રમુખ અમારી સાથે રોષપૂર્વક વર્તન કરતાં હતાં. અન્ય સભ્યોની સામે અમારી સાથે તોછડાઈથી વર્તન કરતાં હતાં. આ અગાઉ પણ અમે તેમના વિરૂધ્ધ ફરિયાદો કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.