Western Times News

Gujarati News

અમદાવાદથી કોલકત્તા જતી ટ્રકમાંથી 364 નંગ એસીની ચોરીમાં સંડોવાયેલો એક આરોપી નવસારીથી ઝડપાયો

એસીની ચોરી કરનાર નવસારી નજીક સુરભી હોટલ તથા ને.હા.ને અડીને આવેલ સંદલપુર ગામની હદમાં આવેલ પેટ્રોલપંપ પર રોકાઇ હતી. 

364 નંગ એસી પૈકી માત્ર 180 જ પરત મેળવી શકાયા

નવસારી, કડીથી એસી.નો જથ્થો લઇ કલકત્તા જવા નીકળેલ ટ્રકચાલકે નવસારી ખાતે એસીનો જથ્થો ઉતારી દઇ તેને બારોબાર સગેવગે કરી દીધો હતો. નવસારી ખાતે ચોરીના એસીનો જથ્થો લેનાર બે ભાઇઓ પૈકી એકની એલસીબીએ ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.

કડીથી એસી.નો જથ્થો ટાટા કંપનીની ટ્રક નં. આરજે-૧૪-જીએલ-૫૪૧૨માં હીટાચી કંપનીના ૧૪૦ નંગ આઉટડોર યુનિટ તથા ૨૨૪ નંગ ઇન્ડોર યુનિટ મળી કુલ ૩૬૪ નંગ એસી ભરીને ટ્રકચાલક રાજેન્દ્રસિંહ કિશનસિંહ ચૌહાણ કલકતા જવા નીકળ્યો હતો. પરંતુ તેણે કલકતા ન જતાં, ટ્રક લઇ નવસારી પહોંચ્યો હતો. જ્યાં તેણે નવસારીના વિરાવળ ખાતે એસીનો જથ્થો ઉતારી તેને સગેવગે કરી દીધો હતો.

રાજેન્દ્ર ચૌહાણે એસીનો જથ્થો નવસારીના આસીમ નામના ઇસમને સોંપ્યો હતો. આસિમનો ભાઇ આદિલ પણ આ પ્રકરણમાં તેની સાથે સંડોવાયેલ હતો. આ અંગે ફરિયાદ મળતાં, નવસારી એલસીબી દ્વારા નવસારીના આસિમ નામના આરોપીની ધરપકડ કરી તેને અદાલતમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આ અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસના મહિલા PSI એમ.એમ.મૌર્ય કરી રહયા છે.

અમદાવાદના એસ.જી.હાઇવે પર એરોપેકર્સ એન્ડ ટ્રકિંગ લિ. નામની ઓફિસ ધરાવતા પવન રામલાલ શર્મા ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ છે. તેમની કંપનીનો હિટાચી કંપની સાથે કોન્ટ્રાક્ટ છે. ગત ૯ મી મે ના રોજ તેમને હિટાચીના કડી સ્થિત યુનિટમાંથી એસી.નો જથ્થો કટક અને કલકતા પહોંચાડવાનો ઓર્ડર મળતા, તેમણે કરમવીરસિંગ નામના ઇસમ દ્વારા ટાટા કંપનીની ટ્રક મંગાવી હતી. રાજેન્દ્રસિંહ ચૌહાણ નામનો ટ્રકચાલક પોતાની ટાટા ટ્રક લઇ કડી પહોંચી, ત્યાંથી કુલ ૩૬૪ નંગ એસી.નો જથ્થો ભરી કટક અને કલકતા જવા રવાના થયો હતો. તેની ટ્રકમાં જીપીએસ પણ લગાવાયેલ હતું.

પરંતુ રીચાર્જ ન હોવાને કારણે આ જીપીએસ બંધ હતું. રાજેન્દ્રસિંહ કડીથી નીકળી કલકતા તરફ જવાને બદલે એસી.ના જથ્થા સાથે ટ્રક લઇને નવસારી પહોંચ્યો હતો. જ્યાં તેણે વિરાવળ ખાતે આસિમ નામના ઇસમને ટ્રકમાં રહેલા એસી.નો જથ્થો સોંપી દીધો હતો. આસિમે સુરતના કોઇ ઇસમ પાસેથી આ એસી. સસ્તામાં મેળવવાનો સોદો કર્યો હતો. અને એસી.નો જથ્થો પોતાના ગોડાઉનમાં ખાલી કરાવ્યો હતો.

આસિમનો ભાઇ આદિલ પણ આ સોદામાં તેની સાથે સંડોવાયેલ હતો. પરંતુ હાલમાં તે પોલીસની પકડમાં આવ્યો નથી. બીજી તરફ ટ્રાન્સપોર્ટ કંપનીએ ટ્રકનું જીપીએસ બંધ હોવાથી, તેના ચાલકને સતત કોલ કર્યા હતા. પરંતુ તેનો ફોન બંધ બતાવતો હતો. જેને પગલે ટ્રાન્સપોર્ટ કંપનીના માણસોએ ટ્રક અપાવનાર કરમવીરસિંહનો સંપર્ક કરતા, તેણે ટ્રક રસ્તામાં જ હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટ્રકના જીપીએસમાં રીચાર્જ કરાવાતા જાણવા મળ્યું હતું કે, ટ્રક એમ.પી.ના મંદસૌર ખાતે છે.

જેને લઇને મંદસૌર ખાતે તપાસ કરાતા ટ્રક તો મળી હતી. પરંતુ તેમાંથી કુલ રૂ. ૪૩,૫૦,૨૫૮/- ની કિંમતના ૩૬૪ નંગ એસી. ગુમ હતા, સાથે જ ટ્રકચાલક પણ હાજર ન હતો. ત્યારબાદ ટ્રકના લોકેશનની હિસ્ટ્રી કઢાવાતા જાણકારી મળી હતી કે, ટ્રક ૧૧ મી મે ના રોજ બપોરે પોણા બે થી સાંજના સાડા સાત સુધી નવસારીમાં અલગ અલગ જગ્યાએ ફરી હતી,

તેમજ લાંબા સમય સુધી ને.હા.૪૮ પર સુરભી હોટલ તથા ને.હા.ને અડીને આવેલ સંદલપુર ગામની હદમાં આવેલ પેટ્રોલપંપ પર રોકાઇ હતી. ટ્રકમાં રખાયેલ એસી.નો જથ્થો સગેવગે કરી ટ્રકચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ ટ્રાન્સપોર્ટ કંપનીના પવનકુમાર શર્મા દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસમાં કરવામાં આવી હતી. આ અંગે ગ્રામ્ય પોલીસના મહિલા પીએસઆઇ એમ.એમ.મૌર્ય આ કેસની તપાસ કરી રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.