Western Times News

Gujarati News

કડી સર્વ વિશ્વવિદ્યાલયના 100 વિદ્યાર્થીઓ હૈદરાબાદ ખાતે 8 દિવસના “હોપ ફોર યુવા” વર્કશોપ માટે રવાના

જેમાં હૃદય કેન્દ્રિત આધ્યાત્મિક શિક્ષણ દ્વારા આંતરિક શક્તિઓને જાણી તેના ઉપયોગ થકી યુવાનોના શ્રેષ્ઠ જીવન ઘડતરનો પ્રયાસ કરવામાં આવનાર છે. 

“શિક્ષણ એ જ સાચી સેવા” ના મંત્રને ચરિતાર્થ કરતા કડી સર્વ વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ જીવન ઘડતરનું ઉમદા કાર્ય કરે છે જેના ભાગરૂપે સર્વ વિદ્યાલય કેળવણી મંડળની વિવિધ કોલેજના ૧૦૦ વિદ્યાર્થીઓ અને ૦૫ અધ્યાપકશ્રીઓ  હાર્ટફૂલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત ૮ દિવસના “હોપ ફોર યુવા” કાર્યક્રમમાં જોડાવા માટે રવાના થયા.

આ કાર્યક્રમ હાર્ટફુનેસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય હેડક્વાર્ટર, કાન્હા શાંતિવનમ હૈદરાબાદ ખાતે તારીખ ૧૯ થી ૨૪ મે દરમિયાન યોજાવાનો છે. “હોપ ફોર યુવા”  કાર્યક્રમ એ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અભિગમ સાથે તૈયાર કરેલ પ્રાયોગિક સ્વવિકાસ માટેનો કાર્યક્રમ છે જેમાં હૃદય કેન્દ્રિત આધ્યાત્મિક શિક્ષણ દ્વારા આંતરિક શક્તિઓને જાણી તેના ઉપયોગ થકી યુવાનોના શ્રેષ્ઠ જીવન ઘડતરનો પ્રયાસ કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમ માટે કડી સર્વ વિશ્વવિદ્યાલયના વિવિધ સેલ જેમાં એન.એસ.એસ., એન.સી.સી., સ્પોર્ટ, સર્વ નેતૃત્વ, લક્ષ, વુમેન ડેવલોપમેન્ટ સેલ, એસ.વી.આઈ.એફ, ડી આઇ આર. સેલના ૧૦૦ યુવાનોનું યોગ્ય પ્રક્રિયાના માધ્યમથી સિલેક્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જોડાતા પહેલા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ દ્વારા “હોપ ફોર યુવા”ની સમગ્ર ટીમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.