Western Times News

Gujarati News

મેં જેટલી ફિલ્મો કરી છે તેમાંથી મોટા ભાગના રોલ મેં નાના શહેરની છોકરીના કર્યાં છે: મેં જેટલી ફિલ્મો કરી છે તેમાંથી મોટા ભાગના રોલ મેં નાના શહેરની છોકરીના કર્યાં છે,

હું એક યુવાન, આત્મવિશ્વાસુ ભારતીય સ્ત્રી છું જે પોતાની જાતને ફેશન દ્વારા વ્યક્ત કરવા માગે છે-સુંદરતાના ચોકઠાંમાં બંધ બેસવાની ચિંતામાં આત્મવિશ્વાસ ગુમાવ્યો હતોઃ ભૂમિ પેડનેકર

મુંબઈ,  ભૂમિ પેડનેકરનું નામ પ્રાયોગિક ફિલ્મો કરવા માટે જેટલું જાણીતું છે એટલું જ જાણીતું ફેશનની દુનિયામાં વિવિધ પ્રયોગો કરવા માટે પણ છે. દરેક હિરોઇન ગ્લેમરસ રોલમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા માગતી હોય છે, ત્યારે ભૂમિએ એક કદાવર કલાકાર તરીકે એન્ટ્રી કરવાની હિંમત કરી હતી.

ત્યાર પછી તે જ્યારે ગ્લેમરસ અવતારમાં લોકો સમક્ષ આવી તો તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. પરંતુ ભૂમિ કબૂલે છે કે, એક વખત હતો જ્યારે તેણે લોકોના બંધ બેસાડેલાં સુંદરતાનાં ચોકઠાંઓને કારણે આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો. આ અંગે એક ઇન્ટરવ્યૂમાં ભૂમિએ જણાવ્યું કે, “હું જ્યારે યુવાનીમાં હતી અને કેટલાંક રૂઢિવાદી સુંદરતાનાં નિયમોને કારણે મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો ત્યારે મારી જાતને ફરી શોધવા માટે હું ફેશનનો સહારો લેતી હતી.”

ભૂમિએ આગળ કહ્યું કે, “જેમ જેમ હું મોટી થઈ તેમ મારો સુંદરતા અને ફેશન સાથેનો સંબંધ અને સમજ બંને વિકસતાં ગયાં. હવે સારાં લાગવું એટલે માત્ર સુંદર દેખાવું કે ટ્રેન્ડ ફોલો કરવા એમ નહીં, પરંતુ મારા વિશેષ વ્યક્તિત્વનું સન્માન કરવું, હું જેવી છું તે દર્શાવવું, હું જે રીતે અલગ છું તેની ઉજવણી કરવી. આજે ફેશન અને બ્યૂટી મારી જાતને વ્યક્ત કરવાના સાધન બની ગયા છે, જે મારી ભાવનાઓનો કેન્વાસ છે અને મારા મનની સ્થિતિ છે.”

અલગ પ્રકારના કપડામાં તેની કેટલી મજા આવે છે તે અંગે ભૂમિએ જણાવ્યું કે, “મને નવા નવા પ્રયોગ કરવા બહુ ગમે છે. મારે બસ ફેશન સાથે મજા કરવી છે અને મને લાગે છે કે તે હું બહુ જ દિલથી કરું છું તેથી જ લોકો મારી ફેશન ફોરવર્ડ સેન્સને આટલી વખાણે છે. હું સર્વસ્વીકૃત અને પ્રોયાગિક બંને પ્રકારની ફેશન સાથે કામ કરી શકું છું તે સારી જ બાબત છે.”

ભૂમિ કહે છે કે લોકોએ તેને અમુક બીબાંમાં બાંધવાની કોશિશ કરી. પોતાની આ સફર વિશે ભૂમિ જણાવે છે કે, “લોકો અન્યોને બીબાંમાં બાંધવાની કોશિશ કરે છે અને એ મારી સાથે પણ થયું છે. મેં જેટલી ફિલ્મો કરી છે તેમાંથી મોટા ભાગના રોલ મેં નાના શહેરની છોકરીના કર્યાં છે, તેનાથી એવી પૂર્વધારણા બંધાય છે કે હું તામારી આસપડોષમાં રહેતી સામાન્ય છોકરી જેવી જ દેખાવી જોઈએ.”

“મને ગમે છે કે લોકોને મને એ રીતે જોવી ગમે છે. પરંતુ હું જ્યારે ફેશન ફોરવર્ડ બનું છું ત્યારે હું પૂર્વધારણાઓને તોડવા માગું છું અને લોકોને બતાવવા માગું છું કે હું ખરેખર કેવી છું અને મને કેવું દેખાવું ગમે છે. હું એક યુવાન, આત્મવિશ્વાસુ ભારતીય સ્ત્રી છું જે પોતાની જાતને ફેશન દ્વારા વ્યક્ત કરવા માગે છે અને મારા એ દેખાવને જે પ્રેમ મળે છે તેનાથી મને આનંદ થાય છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.