Western Times News

Gujarati News

૯૦ વર્ષની માતાની બનાવટી સહી કરનારા ૭૦ વર્ષના પુત્રને રાહત નહીંઃ હાઈકોર્ટ

અમદાવાદ, જમીનના રેકોર્ડની એન્ટ્રીમાં ૭૦ વર્ષના પુત્રે ખોટી સહી કરી હોવાના આક્ષેપ સાથે ૯૦ વર્ષની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોય એવો જવલ્લે જ જોવા મળતો દુર્લભ કેસ હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે.

આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આગોતરા જામીન મેળવવા માટે ૭૦ વર્ષના પુત્રે હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજી હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ ફગાવી કાઢતાં ઠરાવ્યું છે કે,‘અરજદાર વિરુદ્ધ ખોટી સહી કરી માતાના ખાતામાંથી રૂ. ૧૦.૫૦ લાખ પોતાના પુત્રના નામે ટ્રાન્સફર કર્યાનો ગુનો પણ નોંધાયો હતો.

જેમાં સમાધાન થતાં આ એફઆઈઆર રદ થઇ હતી. જોકે બનાવટી સહી કરવાની પુત્રની મોડસ ઓપરેન્ડી અહીં સામે આવે છે. માતાની બનાવટી સહી કરી તેને જેન્યુઇન તરીકે દર્શાવવાની બાબતને પુત્ર ખૂબ હળવાશથી લેતો જણાય છે. તેથી તેના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટેનો આ ફીટ કેસ છે અને તેની જામીન અરજી રદ કરવામાં આવે છે.’

જસ્ટિસ દોશીએ આદેશમાં નોંધ્યું છે કે પ્રસ્તુત કેસમાં વિચિત્ર તથ્યોને ધ્યાનમાં લેતાં અરજદાર તરફથી જે કંઇ પણ ચુકાદા તેના પક્ષે રજૂ કરાયા છે એ તેને કોઇ પણ રીતે મદદરૂપ થઇ શકે તેમ નથી.

બીજી તરફ ધરપકડ એ તપાસની એક પ્રક્રિયા છે અને આવા સમયે આગોતરા જામીનની આપવાની સત્તાનો સંયમપૂર્વક અને કેસ પ્રમાણે ઉપયોગ કરવો પડે. અસામાન્ય કેસોમાં જ આ સત્તાનો ઉપયોગ કરી રાહત આપી શકાય. જે આ કેસમાં લાગૂ કરી શકાય તેમ ન હોઇ આગોતરા જામીન અરજી રદ કરવામાં આવે છે.

હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું છે કે,‘પ્રસ્તુત કેસમાં માતા ૯૦ વર્ષની છે અને તેણે પોતાના ૭૦ વર્ષના પુત્ર સામે ફરિયાદ કરી છે. કલેક્ટરની અધ્યક્ષતા વાળી સીટના રિપોર્ટના આધારે એફઆઈઆર કરાઇ છે. પુત્ર દ્વારા ખોટું પેઢીનામું પણ બનાવવામાં આવ્યું હતું.

પુત્રને રેવન્યૂ ઓથોરિટી સમક્ષ માતા જેટલી ઉંમરની એક મહિલાને રજૂ કરી હતી અને ખોટું પેઢીનામું મેળવવા માટે આ માતા સમાન દેખાતી મહિલાનો ઉપયોગ કર્યાે હતો. જેના આધારે તેણે જમીનના રેકોર્ડમાં એન્ટ્રીનો ઉમેરો કર્યાે હતો. જેની નોટિસ પણ માતાને નહીં પરંતુ કોઇ થર્ડ પાર્ટીને મળી હતી.

અરજદાર પુત્રે ૨૦૦૧માં આ બધું કર્યું હતું પરંતુ સીટ દ્વારા હાલમાં જ આ મુદ્દો લેવામાં આવ્યો હતો અને ગાંધીનગર એસ.પી.ને એફઆઈઆર નોંધવાના નિર્દેશ અપાતાં માતા દ્વારા ૨૪ વર્ષ બાદ ફરિયાદ નોંધાવામાં આવી હતી.

માતા પક્ષે એડવોકેટે કરતાં દલીલ કરી હતી કે,‘સરગાસણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સમક્ષ પુત્રે માતાના બદલે બીજી મહિલાને પ્રસ્તુત કરી હતી અને તેથી તે ખોટું પેઢીનામું તૈયાર કરી અસલ માતાની જાણ વિરુદ્ધ તમામ વ્યવહારો કરી શકે.

પુત્રે માતાની જમીન અને સંપત્તિ પચાવી પાડવાના આશય સાથે સમગ્ર ગુનો આચર્યાે હતો.’ ફરિયાદી માતા તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી કે, સમગ્ર ગુનામાં સીટના રિપોર્ટના તરત બાદ ફરિયાદ નોંધાઇ હતી. આવા કેસોમાં માત્ર ફરિયાદ નોંધવામાં વિલંબના કારણે તેના પર અવિશ્વાસ કરી શકાય નહીં.

વિલંબનો મુદ્દો ટ્રાયલ દરમિયાન ધ્યાને લઇ શકાય, જ્યાં ફરિયાદી ઉલટતપાસમાં વિલંબ અંગેની સ્પષ્ટતા કરી શકે. તેથી વિલંબથી થયેલી એફઆઈઆરને ગેરકાયદેસર કે અયોગ્ય માની શકાય નહીં. આ તરફ પુત્ર તરફથી એડવોકેટની દલીલ હતી કે ૨૪ વર્ષ બાદ ફરિયાદ થઇ હોવાની બાબત જ અરજદાર પુત્રને આગોતરા જામીન આપવાની તરફેણ કરે છે, પરંતુ હાઇકોર્ટે આ દલીલ ગ્રાહ્ય રાખી નહોતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.