Western Times News

Gujarati News

મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની ભૂમિકા બદલ કરાયું સન્માન

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને મુખ્યમંત્રીએ સન્માનિત કર્યાં

અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે શાયોના ગ્રુપ દ્વારા ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમનું આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અશક્ય જ્યારે શક્યમાં પરિવર્તિત થાય ત્યારે તેને ‘મિરેકલ’ કહેવાય છે. અબુધાબીમાં નિર્માણ પામેલું આ ભવ્ય મંદિર પણ એક પ્રકારે ‘મિલેનિયમ મિરેકલ’ જ છે, જેનો ખૂબ મોટો ફાયદો માનવજાતને મળવાનો છે, એમ તેમણે ઉમેર્યું હતું. BAPS Brahmavihari Swami was honored for his role in establishing the first traditional Hindu temple in the Middle East

વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સુચારું વિદેશનીતિના લીધે ભારત દેશ ‘વિશ્વમિત્ર’તરીકે આગળ વધી રહ્યો છે. વિશ્વના અનેક દેશો આજે ભારત સાથે સહયોગી સંબંધો દ્વારા આગળ વધવા ઉત્સુક છે.

સંતોના સાનિધ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંતો અને ગુરુઓનું સાનિધ્ય ધ્યેયપ્રાપ્તિ સરળ બનાવે છે અને આપણને એક સારા માનવી બનાવે છે. આપના દેશમાં પ્રાચીન સમયથી ગુરુ પરંપરા અને સંસ્કૃતિ રહેલી છે.

પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોનું સાનિધ્ય અને માર્ગદર્શન વર્ષોથી આપણા સમાજ અને રાષ્ટ્રને મળ્યું છે. અબુધાબીમાં આ ભવ્યાતિભવ્ય મંદિરની સ્થાપના કરીને આદરણીય બ્રહ્મવિહારી સ્વામીએ પણ આ જ રીતે વિશ્વ શાંતિ અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાર્થક કરવાની દિશામાં મહત્વનું કાર્ય કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર ઉપાસનાનું તત્વ ટકે અને માનવતાનું સંવર્ધન થાય એ માટે મંદિરોનું નિર્માણ કરવાનો શુભ સંકલ્પ કર્યો હતો. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તથા ઈશ્વર ચરણ સ્વામી મહારાજના માર્ગદર્શનના કારણે જ આ ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય સંપન્ન થયું છે.

વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હજારો નકારાત્મક વિચારો વચ્ચે પણ એક હકારાત્મક વિચાર કામ કરી જાય છે. એક ઈસ્લામિક દેશમાં હિન્દુ ધર્મનું મંદિર બનાવવા માટે સામાજિક, ભૌગોલિક તથા અન્ય પ્રકારની ઘણી અડચણ હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજના મક્કમ નિર્ધાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હકારાત્મક ઈચ્છાશક્તિના પરિણામે આ નિર્માણ શક્ય બન્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સતત માર્ગદર્શન અને અમૂલ્ય સાથ સહકાર પણ આ મહાકાર્ય પૂર્ણ કરવામાં ચાવીરૂપ સાબિત થયું છે. આ ભવ્ય મંદિર વિશ્વભરમાં સંપ, એકતા, પ્રેમ, શાંતિ અને સૌહાર્દનું પ્રતીક બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના ઈશ્વરચરણ સ્વામીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સેવા અને પુરુષાર્થના   સૂત્ર દ્વારા અબુધાબીમાં મંદિરનિર્માણનું કાર્ય સાકાર થયું છે. પ્રમુખસ્વામી મહારાજનો દ્રઢ સંકલ્પ, મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને બ્રહ્મવિહારી સ્વામીના પુરુષાર્થ અને કાર્યદક્ષતાના કારણે આ કાર્ય સિદ્ધ થયું છે.

ઈસ્લામિક દેશમાં નિર્માણ પામેલા આ સનાતન અને સર્વધર્મ આસ્થાના પ્રતીક સમાન મંદિરના નિર્માણ સાથે ઘણાં ચમત્કારો સંકળાયેલા છે, એટલે જ તેના માટે ‘મિલેનિયમ મિરેકલ’ શબ્દ સાચો ઠરે છે. વિશ્વભરમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથોસાથ અનેકવિધ બાળ અને યુવા પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સુધારણા અને સંસ્કાર સિંચનના પણ કાર્યો કરવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે નવગુજરાત સમય અને અમદાવાદ મીરરના ચીફ એડિટર શ્રી અજય ઉમટે જણાવ્યું હતું કે, અબુધાબી BAPS સ્વામિનારાયણ મંદિર વૈશ્વિક સંવાદિતા, સહિષ્ણુતા, બંધુત્વ અને વૈશ્વિક એકતાનું પ્રતીક છે. કારણ કે તેના નિર્માણમાં ઘણાં ધર્મ અને સંપ્રદાયો સંકળાયેલા છે. વૈશ્વિક આઠમી અજાયબી અને રણમાં સ્વર્ગ સમાન આ મંદિર માનવજાતનો સ્વર્ણિમ ઇતિહાસ હોવાની સાથોસાથ એક મિલેનિયમ મોમેન્ટ છે તથા આધ્યાત્મિકતા સાથે વિજ્ઞાનનો સમન્વય છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ અંગે વધુમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પરંપરાગત નાગર શૈલીમાં બનેલું આ મંદિર પ્રાચીન સંસ્કૃતિ અને વાસ્તુકલા જીવંત કરે છે. તેમાં 14 જેટલી વિવિધ સંસ્કૃતિઓને વણી લેવામાં આવી છે, જે વિવિધતામાં એકતા અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ને ખરાં અર્થમાં સાર્થક કરે છે.

આ પ્રસંગે વિવિધ સામાજિક અગ્રણીઓએ તેમના ઉદબોધનમાં આ ભવ્ય મંદિર અને તેના નિર્માણ વિશે, બ્રહ્મવિહારી સ્વામી તથા સ્વામિનારાયણ સંપ્રદાય, તેમની સમાજસેવા અને સમાજ સુધારણા કામગીરી વિશે વિવિધ હકારાત્મક અનુભવો વર્ણવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં UAEના પાટનગર અબુધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અબુધાબીમાં સ્થપાયેલું પ્રથમ હિન્દુ મંદિર છે.

આ સન્માન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો અને અનુયાયીઓ, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, શાયોના ગ્રુપના ચેરમેન સુરેશભાઈ પટેલ, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલ, AMCના સત્તાધીશો,  શાયોના ગ્રુપના કર્મચારીઓ, સામાજિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.