Western Times News

Gujarati News

આતંકવાદીઓ ચિલોડા નજીક આવેલા વલાદ ખાતે જઈને હથિયારો મેળવવાના હતા

પ્રતિકાત્મક

ગુજરાત એટીએસની ટીમ આતંકીઓના સ્લીપર સેલ શોધવા માટે સક્રિય-આતંકીઓ માટે ચિલોડામાં શસ્ત્રો ભરેલી બેગ મૂકનારની શોધખોળ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની ૪૦ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેઈલ પાકિસ્તાનથી આવ્યો હોવાના પર્દાફાશ બાદ ગુજરાત એટીએસની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી આત્મઘાતી હુમલો કરવા માટે આવેલા ચાર આઈએસના આતંકીઓની ધરપકડ કરી છે. ચારેય આતંકીઓ શ્રીલંકન છે અને તેમને પાકિસ્તાનના આકાએ આત્મઘાતી હુમલો કરવા માટેના આદેશ આપ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે, આતંકીઓ અમદાવાદ આવે તે પહેલાં તેમને હથિયારોનું સેટીંગ કરી આપનાર ગદ્દાર કોણ છે ? અમદાવાદના કોઈ ગદ્દારે રૂપિયાની લાલચમાં ચિલોડા ખાતે હથિયાર ભરેલી બેગ મૂકી દીધી હતી. ચારેય આતંકીઓ લેન્ડ થયા બાદ ચિલોડા નજીક આવેલા વલાદ ખાતે જઈને હથિયારો રિસીવ કરવાના હતા ત્યારબાદ તેમણે આકાના આદેશ પ્રમાણે કામ કરવાનું હતું.

ગુજરાત એટીએસની ટીમે ચાર શ્રીલંકન નાગરીક મોહમ્મદ નુસરત, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીસની ધરપકડ એરપોર્ટ પરથી કરી હતી. ચારેય શખ્સો પાકિસ્તાનમાં બેઠેલા આકાના આદેશથી ગુજરાતની શાંતિ ડહોળવા માટે આવ્યા હતા. પાકિસ્તાનમાં બેઠેલા અબુએ શ્રીલંકન નાગરિકને એક ઈ-મેઈલ મોકલ્યો હતો જેમાં ફોટોમાં અમદાવાદ લખેલું હતું અને ચિલોડાની નર્મદા કેનાલનું લોકેશન હતું.

ચારેય આતંકીઓ અમદાવાદ આવે તે પહેલાં તેમના સપોર્ટરે નાના ચિલોડા પાસે નર્મદા કેનાલની બાજુમાં એક બેગની અંદર હથિયારો મૂકી દીધા હતા. આ ચારેયને ટેકસી કરીને જ્યાં હથિયાર પડેલા હતા ત્યાં પહોંચવાનું હતું.

ચારેય આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાના ઈરાદા સાથે આવી પહોંચ્યા હતા પરંતુ સેન્ટ્રલ એજન્સીઓએ આપેલા ઈનપુર બાદ તમામની એટીએસની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, આઈએસઆઈને મદદ કરતા અમદાવાદના સ્લીપર સેલ કોણ છે ? ગુજરાત એટીએસ તેમજ સુરક્ષા એજન્સીઓ માટે સ્લીપર સેલને શોધવો એ સૌથી મોટો પડકાર છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓ સિક્રેટ ચેટનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ તે સતત એક્ટિવ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.