Western Times News

Gujarati News

અકસ્માત થયેલી કારમાંથી 200 કિલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો

પ્રતિકાત્મક

ડિવાઈડર સાથે ટકરાતાં ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો

વિજાપુર, વિજાપુર-વિસનગર રોડ પર આવેલા મણિપુરા પાટિયા પાસે વહેલી સવારે વિજાપુરથી વિસનગર જતી ક્રેટા કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સ્ટ્રીટ લાઈટના થાંભલે ટકરાઈ ડિવાઈડર પર ચઢી ગઈ હતી કારનો ચાલક અકસ્માત થતાં ભાગી છુટયો હતો ત્યારે પોલીસે કારમાં તપાસ કરતા ર૦૦ કિલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિજાપુર-વિસનગર રોડ પર મણિપુરા પાટિયા પાસે વહેલી સવારે વિજાપુરથી વિસનગર તરફ જતી ક્રેટા કારના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર સ્ટ્રીટ લાઈટના થાંભલે અથડાઈ ડિવાઈડર સાથે ટકરાતા કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતની જાણ વિજાપુર પોલીસને થતાં વિજાપુર પોલીસ ઘટનાસ્થળે આવી કારની અંદર જોતાં કોથળાઓમાં શંકાસ્પદ ચીજવસ્તુઓ હોવાની માલુમ પડી હતી.

આથી મહેસાણા એલસીબી, એસઓજી, એફએસએલને જાણ કરતાં ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેટા કારને ક્રેઈન દ્વારા ટોઈંગ કરી વિજાપુર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. જયાં એફએસએલની ટીમ દ્વારા તપાસ કરતા કોથળામાં ભરેલા ર૦૦ કિલો પોષડોડા જેની કિ. રૂ.૬ લાખનો મુદ્દામાલ કારમાંથી મળી આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે ક્રેટા કારના ચેસીસ, એન્જિન નંબર ઘસી દીધેલા હોવાથી અને આગળ પાછળની નંબર પ્લેટો ન હોવાને કારણે કારના માલિક સુધી પોલીસ પહોંચી શકી નથી. પોલીસને ગાડીમાંથી બીજી બે નંબર પ્લેટો મળી આવી હતી જેના આધારે ફરાર કારચાલક વિરૂદ્ધ ઈન્ચાર્જ પીઆઈ નારાયણસિંહ ચાવડાએ એનડીપીએસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.