Western Times News

Gujarati News

ડમ્પર ચાલકે વીમા કંપની સાથે 26 લાખની છેતરપિંડી કરવા વાપરેલી યુક્તિથી ચોંકી જશો

પ્રતિકાત્મક

વીમા કંપની સાથે ઠગાઈ કરનારને પાટણ SOGએ 8 વર્ષે ઝડપ્યો-પાટણ એસઓજીએ ગુનાનો ભેદ ઉકેલ્યો, ચોરાયેલું બતાવેલા ડમ્પરને અન્ય ડમ્પરનો નંબર આપ્યો હતો

પાટણ, પાટણના બી ડિવિઝન પોલીસ મથકે આઠ વર્ષ પહેલાં નોંધાયેલા ડમ્પર ચોરીના ગુનામાં વીમા કંપની સાથે ઠગાઈ કરાઈ હોવાનું ખુલતાં એસઓજીની ટીમે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ બી ડિવિઝન પોલીસ મથકે વર્ષ ર૦૧૬માં નોંધાયેલા ડમ્પર ચોરીના ગુનામાં ફરિયાદીએ પોતે ડમ્પર અન્ય જગ્યાએ છૂપાવી દઈ વીમા કંપનીમાંથી કલેઈમ કરવા ફરિયાદ નોંધાવી હોવાની તેમજ તેણે બીજું ડમ્પર વેચાણ રાખી તેની નંબર પ્લેટ ચોરી થયેલું બતાવેલા ડમ્પરમાં લગાવી વેચાણ રાખેલા ડમ્પરના એન્જિન તથા ચેચિસ નંબર પણ તેની પર છપાવીને ચલાવતો હોવાની

તેમજ તે ડમ્પર લઈને સરસ્વતી નદીના પુલ તરફથી પાટણ આવતો હોવાની બાતમી પાટણ એસઓજીને મળી હતી જેથી એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ ટીમે નાકાબંધી કરીને આ હકીકતવાળા ડમ્પર સાથે શૈલેષ હરગોવનભાઈ પ્રજાપતિ (રહે.કિમ્બુવા, તા.સરસ્વતી, હાલ રહે.ફકામરેજ, દાદા ભગવાનના મંદિરની સામે, હાઈવે ફળીયું, સુરતને ઝડપી લીધો હતો.

સઘન પૂછપરછ કરતાં તેણે ર૦૧૬માં પોતાના નામના ડમ્પર (નં.જીજે-ર૪-વી-૮૧૦૦)ના હપ્તા તેનાથી ભરાતા ન હોઈ જેથી તે ચોરાઈ ગયાની ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

જે ડમ્પરને સુરત લઈ જઈ કામરેજના દિનેશભાઈ ગણેશભાઈ પ્રજાપતિનું ડમ્પર નં.જીજે-ર૧-ટી-૪૩૭૯ પોતાની પત્ની સરોજબેનના નામે ખરીદીને તેની આરસી બુકના આધારે ચોરી બતાવેલા ડમ્પરને સુરતના ઉદ્યોગનગર ખાતે બ્રિજેશ પાસવાન ઉર્ફે દાઢી પાસે લઈ જઈ જેમાં ખરીદેલા ડમ્પરના ચેચિસ અને એન્જિન નંબર લખાવી દીધા હતા. તેમજ ખરીદેલું જીજે-ર૧-ટી-૪૩૭૯ નંબરવાળું ડમ્પર ભંગારમાં આપી દીધું હતું.

ચોરાયેલું બતાવેલા જીજે-ર૪-વી-૮૧૦૦ નંબરવાળા ડમ્પરમાં જીજે-ર૧-ટી-૪૩૭૯નું આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવી દઈ તે ડમ્પર વાપરતો હતો તેમજ પોતાના ડમ્પર (નં.જીજે-ર૪-વી-૮૧૦૦)ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી તેની વીમા પોલિસી આધારે વીમા કંપનીમાંથી રૂ.ર૬,૦૦,૦૦૦નો કલેઈમ મંજૂર કરાવી લીધો હતો

જેથી એસઓજી પોલીસે ડમ્પર જપ્ત કરી પકડાયેલા શૈલેષ હરગોવનભાઈ પ્રજાપતિની અટક કરી આગળની કાર્યવાહી માટે પાટણ બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી બ્રિજેશ પાસવાન ઉર્ફે દાઢીને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.