Western Times News

Gujarati News

50 હજાર કરોડના ખર્ચે સુરતથી ચેન્નાઈ એક્સપ્રેસ-વે બનશેઃ 35 કલાકની મુસાફરી 18 કલાકમાં પૂરી થશે

પ્રતિકાત્મક

આ એક્સપ્રેસ-વે દેશના છ રાજ્યોમાંથી પસાર થશે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુનો સમાવેશ થાય છે.

નવી દિલ્હી, દિલ્હી-વડોદરા મુંબઈ એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ છે અને તેની કુલ લંબાઈ ૧,૩પ૦ કિ.મી. છે. પરંતુ હવે સુરત ચેન્નાઈ એક્સપ્રેસ-વે ૧ર૭૧ કિ.મી. લાંબો દેશનો બીજા સૌથી લાંબો એક્સપ્રેસ-વે તૈયાર થઈ રહ્યો છે.

આ એક્સપ્રેસ-વે પશ્ચિમ ઘાટ દ્વારા ચેન્નાઈથી સુરતને જોડવા જઈ રહ્યો છે. નવા એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

એક્સપ્રેસ-વેના નિર્માણમાં કેટલો ખર્ચ થશે ? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા સુરત-ચેન્નાઈ એક્સપ્રેસ-વેની સ્પીડ લિમિટ ૧ર૦ કિ.મી. પ્રતિ કલાક થવાની છે. નિર્માણનો અંદાજિત ખર્ચ પ૦,૦૦૦ કરોડ રૂપિયા છે. હાલમાં એક્સપ્રેસ-વે ચાર લેન સાથે બનાવવામાં આવી રહ્યો છે જેને ભવિષ્યમાં છ લેન અથવા આઠ લેન એક્સપ્રેસ-વેમાં રૂપાંતરિત કરી શકાય છે.

સુરત અને ચેન્નાઈ શહેર વચ્ચે બની રહેલા એક્સપ્રેસ-વેનું કામ પૂર્ણ થયા બાદ મુસાફરીનું અંતર ૧પ૦૦ કિ.મી.થી ઘટીને ૧ર૭૦ કિ.મી. થઈ જશે. હાલમાં આ અંતર કાપવામાં લગભગ ૩પ કલાકનો સમય લાગે છે જેને ઘટાડીને માત્ર ૧૮ કલાક કરવાનો લક્ષ્યાંક છે.

આ એક્સપ્રેસ-વે દેશના છ રાજ્યોમાંથી પસાર થશે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુનો સમાવેશ થાય છે. તે તિરૂપતિ, કુડ્ડાપાહ, કુર્નુલ, કલાબુર્ગી, સોલાપુર, અહમદનગર અને નાસિક સહિતના કેટલાક મહત્ત્વપૂર્ણ શહેરોને પણ જોડશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓકટોબર ર૦ર૧માં ભારતમાલા પરિયોજના હેઠળ ચેન્નાઈ-સુરત એક્સપ્રેસ-વે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. એક્સપ્રેસ-વેનું નિર્માણ કાર્ય ડિસેમ્બર ર૦રપ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ રોડ દેશના દક્ષિણ ભાગને પશ્ચિમ ભાગ સાથે સીધો જોડવા માટે તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.