Western Times News

Gujarati News

‘ઓનલાઈન’ રજીસ્ટ્રેશન પછી ભક્તો ચારધામ યાત્રા ઉપર આવી શકશે

(એજન્સી)દેહરાદૂન, ચારધામ યાત્રા પર ભેગી થતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડના સારા વ્યવસ્થાપન માટે અને સલામત યાત્રા માટે, ઉત્તરાખંડ સરકારે બુધવારે ફરજિયાત નોંધણી લાગુ કરી હતી, જ્યારે નકલી નોંધણી દ્વારા કેદારનાથ યાત્રા પર જવાના ૯ કેસ નોંધવામાં આવ્યા હતા.

૧૦ મેના રોજ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં પ્રથમ ૧૩ દિવસમાં ૮,૫૨,૦૧૮ યાત્રાળુઓએ ચારધામોની મુલાકાત લીધી છે.

અધિકારીઓએ જણાવ્યું કે હરિદ્વાર અને ઋષિકેશમાં ‘ઓફલાઈન’ રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે ‘ઓનલાઈન’ રજીસ્ટ્રેશન પછી જ ભક્તો ચારધામ યાત્રા પર આવી શકશે. તેમણે કહ્યું કે, ચારધામ યાત્રામાં દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થિત, સરળ, સલામત અને સુવિધાજનક યાત્રા માટે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખૂબ જ ગંભીર છે.

મુખ્યમંત્રીના નિર્દેશ પર મુખ્ય સચિવ રાધા રતુરીએ શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ યાત્રા પર આવવા વિનંતી કરવામાં આવી છે. એડવાઈઝરી જણાવે છે કે જો તેઓ નોંધણી વગર આવે છે, તો તેમને ‘બેરિયર’ અથવા ‘ચેક પોઈન્ટ’ પર રોકવામાં આવી શકે છે અને આનાથી તેમને ભારે અસુવિધા થશે.

યાત્રિકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે રજીસ્ટ્રેશન કર્યા બાદ તેઓ નિર્ધારિત તારીખે જ યાત્રા પર આવે અને જે ધામ માટે તેઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે જ રૂટ પર જવું જોઈએ. એડવાઈઝરીમાં, યાત્રાનું સંચાલન કરતી ‘ટૂર એન્ડ ટ્રાવેલ’ એજન્સીઓને એ પણ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે મુસાફરોએ નોંધણી કરાવી છે કે નહીં અને શ્રદ્ધાળુઓને લઈ જતા પેસેન્જર વાહનને ‘ટ્રીપ કાર્ડ’ આપવામાં આવ્યું છે કે કેમ.?

દરમિયાન, રૂદ્રપ્રયાગ પોલીસે તપાસ દરમિયાન મળી આવેલા નકલી રજિસ્ટ્રેશનના ૯ કેસમાં એફઆઈઆર નોંધી છે. આ કેસોમાં નકલી નોંધણી પર કેદારનાથ યાત્રા પર આવવાના અને પછીની તારીખો માટે નોંધણીમાં છેતરપિંડી કરીને મેની તારીખ દર્શાવવાના કેસનો સમાવેશ થાય છે. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે બુધવારે કોતવાલી રુદ્રપ્રયાગમાં આ સંદર્ભે ૯ કેસ નોંધવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.