Western Times News

Gujarati News

બેચરાજીમાં પ્રેમ પ્રકરણમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

પ્રતિકાત્મક

ધીંગાણામાં બંને જૂથના ૭ લોકો ઘવાયા, ૬ની ધરપકડ કરાઈ

મહેસાણા, બેચરાજી તાલુકાના કરણસાગર ગામમાં પ્રેમ પ્રકરણમાં એક જ સમાજના બે જૂથો સામસામે આવી જતાં હિંસક અથડામણ સર્જાઈ હતી. અથડામણમાં પથ્થરમારો અને મારામારી થતાં બંને જૂથના સાત લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે બેચરાજી અને મહેસાણાની હોસ્પિટલોમાં ખસેડાયા હતા.

આ મામલે બેચરાજી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ૬ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. કેટલાક સમગ અગાઉ યુવક ગામની જ યુવતીને ભગાડી જતાં તેની અદાવતમાં ધીગાણું સર્જાયું હતું.

કરણસાગર ગામમાં કુલદીપ નામનો યુવક કેટલાક સમય અગાઉ પ્રેમ સંબંધમાં એક યુવતીને ભગાડી ગયો હતો પરંતુ કેટલાક દિવસ બાદ યુવક-યુવતી ગામમાં પરત આવી ગયા હતા.

યુવતીના પરિવારજનોએ યુવકને ગામમાં ન રહેવા દેવાની જીદ કરતાં અવાર-નવાર બંને પરિવાર વચ્ચે તકરાર થતી હતી પરંતુ ગત મંગળવારે સાંજે યુવતીના પરિવારજનો હથિયાર ધારણ કરી યુવકના ઘરે પહોંચ્યા હતા. જયાં હાજર વૃદ્ધ મહિલાને તમારો દીકરો કુલદીપ ક્યાં છે તે કહી ગાળાગાળી કરી તેના પરિવાર સાથે મારામારી કરી હતી.

જોતજોતામાં યુવકના પરિવારજનોએ એકઠાં થઈ જતાં બંને જૂથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. યુવતી પક્ષના કેટલાક શખ્સોએ યુવકના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. વધુમાં નજીકમાં ઉભેલી ઈકો ગાડીમાં તોડફોડ કરી કાચ ફોડી નાખ્યા હતા.

આ ધીંગાણામાં બંને પક્ષના સાત લોકોને ઈજાઓ પહોચતા તેઓને સારવાર અર્થે મહેસાણા અને બેચરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં બેચરાજી પોલીસે કરણસાગર ગામે દોડી આવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે પ્રાથમિક કાર્યવાહીમાં બંને પક્ષના છ લોકોની ધરપકડ કરી હતી. બંને પક્ષોની ફરિયાદના આધારે બેચરાજી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.