Western Times News

Gujarati News

છેલ્લા વર્ષ દરમ્યાન અમદાવાદના કુલ ૧૯ર.૪૬ કિ.મી. રોડને રિસરફેસ કરાયા

પ્રતિકાત્મક

શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૮પ રોડ રિસરફેસ કરાયા

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો માટે મોટરેબલ રોડ બનાવવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રોડ રિસરફેસિંય કામોનો ધમધમાટ ચાલતો હોઈ શહેરીજનોને પોતાના વાહન હંકારવામાં સરળતા રહે છે.

ગત નણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન અમદાવાદમાં થયેલા રોડ રિસરફેસિંગના કામોની વિગત તપાસીએ તો શહેરના સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનના નાગરિકોને સૌથી વધુ ૮પ રોડના રિસરફેસિંગનો લાભ મળ્યો છે.

તંત્ર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે રોડ રિસરફેસિંગના કામો કરવામાં આવે છે. શહેરના રોડને ચકાચક કરી દેવાનું આ મહાઅભિયાન સતત ચાલુ રહેતું હોય છે. ફકત દિવાળી કે હોળીના સમયગાળા દરમિયાન તેમજ ચોમાસામાં રોડ રિસરફેસિંગના કામો પ્રભાવિત થાય છે. જો કે, વર્ષના અન્ય દિવસોમાં તેની ગતિ અટકતી નથી.

ગત નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં સત્તાધીશોએ શહેરમાં રોડ રિસરફેસિંગના કામોમાં રીતસરનો સપાટો બોલાવી દીધો હતો. તે સમગ્ર વર્ષ દરમિયાન ઝોનવાઈઝ થયેલા રોડ રિસરફેસિંગના કામોની વિગત તપાસીએ તો શહેરના સાત ઝોન પૈકી પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ, રાણીપ, નવા વાડજ, સાબરમતી અને ચાંદખેડા વોર્ડનો સમાવેશ ધરાવતા પશ્ચિમ ઝોનના નાગરિકોને સૌથી વધુ ૮પ રોડ રિસરફેસ કરાતાં તેની સુવિધા મળી હતી.

તંત્રના આંકડામાં દર્શાવ્યા મુજબ કુલ ૩૭.૩૦૯ કિ.મી. લંબાઈના રોડની કાયાપલટ કરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રોડને રિસરફેસ કરવાની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરનાર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ત્યાર બાદ ઉત્તર પશ્ચિમ ઝોનમાં રિસરફેસિંગના કામોનો ધમધમાટ કરાયો હતો.

બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વોર્ડ ધરાવતા શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના નાગરિકોને ૭૪ રોડ રિસરફેસ થતાં તેની સગવડ મળી હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં રોડની સંખ્યા ભલે પશ્ચિમ ઝોનના રોડની સંખ્યા કરતાં ઓછી હતી એટલે કે ઉત્તર પશ્ચિમ ઝોનના ૭૪ રોડનું રિસરફેસિંગ તંત્રે કર્યું હતું તેમ છતાં રોડની લંબાઈની દૃષ્ટિએ ઉત્તર પશ્ચિમ ઝોને મેદાન માર્યું હતું કેમ કે આ ઝોનમાં સત્તાધીશોએ કુલ ૩૮.૪૪૮ કિ.મી. રોડને રિસરફેસ કર્યા હતા.

પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન બાદ રોડની સંખ્યાના મામલે પૂર્વ ઝોનમાં કુલ ૪ર રોડને તંત્રએ રિસરફેસ કર્યા હતા. વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ભાઈપુરા, હાટકેશ્વર, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરાઈવાડી અને વિરાટનગર વોર્ડનો સમાવેશ ધરાવતા પૂર્વ ઝોનના ૪ર રોડની કુલ લંબાઈ ૧૯.૪૭૪ કિ.મી.ની હતી. પશ્ચિમ અમદાવાદમાં સમાવેશ ધરાવતા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તંત્રએ ૩૮ રોડને રિસરફેસ કર્યા હતા.

જોધપુર, સરખેજ, વેજલપુર અને મકતમપુરા વોર્ડથી બનેલા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સત્તાધીશોએ કુલ ૧૬.૦પ૩ કિ.મી. રોડને રિસરફેસ કર્યા હતા. તંત્રનો દર્શાવાયેલો રિપોર્ટ વધુમાં જણાવે છે કે, બહેરામપુરા, લાંભા, દાણીલીમડા, મણિનગર, ઈસનપુર, વટવા, ખોખરા અને ઈન્દ્રપુરી વોર્ડ ધરાવતા દક્ષિણ ઝોનમાં કુલ ૩૦ રોડને રિસરફેસિંગ કરી મોટરેબલ બનાવવામાં આવ્યા હતા.

આ તમામ રોડની કુલ લંબાઈ ૧૩.૦૬ર કિ.મી.ની હતી. જ્યારે શાહીબાગ, અસારવા, દરિયાપુર, શાહપુર, ખાડિયા, જમાલપુર વોર્ડનો સમાવેશ ધરાવતા મધ્ય ઝોનમાં કુલ ૧૦.૧૩૩ કિ.મી.ની લંબાઈ ધરાવતા રપ રોડ અને સરસપુર, બાપુનગર, ઠક્કરબાપાનગર, ઈન્ડિયા કોલોની, સરદારનગર, નરોડા, કુબેરનગર અને સૈજપુરબોઘા વોર્ડનો સમાવેશ ધરાવતા ઉત્તર ઝોનમાં કુલ ૧૦.૩૭૦ કિ.મી. લંબાઈના કુલ ર૮ રોડની તંત્રએ કાયાપલટ કરી હતી.

આ ઉપરાંત રોડ પ્રોજેક્ટ હેઠળ ૪૭.૬૧૭ કિ.મી. લંબાઈના કુલ ૪૦ રોડના રિસરફેસિંગમાં તંત્રને સફળતા મળી હતી. આમ ગત નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના કુલ ૧૯ર.૪૬૬ કિ.મી. રોડનું રિસરફેસિંગ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.