Western Times News

Gujarati News

16 વર્ષની મુંબઈની કામ્યાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો

વિશ્વની બીજી તરુણી બની ઇતિહાસ રચ્યો

મુંબઈ, મુંબઇની નેવી ચિલ્ડ્રન સ્કૂલની ૧૬ વર્ષની કામ્યા કાર્તિકેયને તેના નેવલ ઓફિસર પિતા કમાન્ડર એસ. કાર્તિકેયન સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું છે. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર કામ્યા દેશની પહેલી અને દુનિયાની બીજી પર્વતારોહક બની ગઇ છે. 16-year-old Kamya from Mumbai climbed Mount Everest

૧૨મા ધોરણની વિદ્યાર્થિની કામ્યા અને તેના પિતાએ ૨૦મી મેના રોજ ૮૮૪૯ મીટર ઊંચું માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું હતું. પુત્રી અને પિતા બંનેએ નેપાળથી પર્વતારોહણની શરૂઆત કરી હતી. કામ્યાએ દુનિયાના સાત ખંડોમાં ઊંચામાં ઊંચા છ પર્વત શિખરો સર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હવે ડિસેમ્બરમાં એન્ટાર્કટીકાના માઉન્ટ વિનસન માસીફ પર્વતને સર કરવાનો સંકલ્પ કર્યો છે.

ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનની સહાયથી પુત્રી અને પિતાએ એકસાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ફાઉન્ડેશનના ચેરમેન ચાણક્ય ચૌધરીએ આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે કામ્યાએ આટલી નાની ઉંમરે આભને આંબતી સિદ્ધિ હાંસલ કરી છે એ સહુને માટે ગૌરવપ્રદ બાબત છે અને બીજાને માટે પણ તે પ્રેરણારૂપ બની રહેશે. પર્વતારોહણ ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ અને સફળતા મેળવવા બદલ તાજેતરમાં જ કામ્યાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

કામ્યા તેના પિતા અને પર્વતારોહકોની ટીમ સાથે છઠ્ઠી એપ્રિલે નેપાલના કાઠમંડુ પહોંચી હતી. ત્યાર પછી ધીરે ધીરે નેપાલની બાજુથી પર્વતારોહણ શરૂ કર્યું હતું. ૧૬મેએ તેમણે અંતિમ લક્ષ્ય હાંસલ કરવા આરોહણ શરૂ કર્યું હતું અને ૨૦ મેના રોજ માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરી ત્યાં ગર્વભેર ભારતનો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો હતો.

‘હિમાલય-પુત્રી’નું બિરુદ આપી શકાય એવી કામ્યાએ માત્ર ૭ વર્ષની ઉંમરે હિમાલયમાં પ્રવતારોહણની શરૂઆત કરી હતી. ૨૦૧૫માં આટલી નાની ઉંમરે તેણે ૧૫ હજાર ફૂટ ઊંચું ચંદ્રશીલા શિખર સર કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.