Western Times News

Gujarati News

ગામડીમાં પોલીસ પર પથ્થરમારો – ગાડીમાં આગચંપીની ઘટનામાં 14ની અટકાયત

હિંમતનગર, હિંમતનગર તાલુકાના ગામડીની સીમમાં શુક્રવારે સવારે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત નિપજયા બાદ વિફરેલા ગ્રામજનોએ ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે રોડ પર ધસી આવી આડશો મુકીને વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.

પોલીસ પર પથ્થરમારો કરી એક વાહનને સળગાવી દીધું હતું અને ત્રણ પોલીસ કર્મીઓને ઈજા પહોંચાડતા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ૪ર સહિત ૭૦૦ના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે શનિવારે બપોર સુધીમાં ૧૪ જણાની અટકાયત કરી લીધી હતી. દરમિયાન ટોળાની આગેવાની લેનાર એક રાજકીય અગ્રણીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે ગાંભોઈ પોલીસમાં ફરજ બજાવતા ઈન્દ્રવિજયસિંહ તખતસિંહએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે સવારે ગામડીમાંથી પસાર થતા નેશનલ હાઈવે ક્રોસ કરીને ગામના બાદરસિંહ પરમાર દૂધ ભરાવવા માટે જતા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને ટકકર મારતાં ગંભીર ઈજાને કારણે મોત થતાં લગભગ ગામના મોટાભાગના લોકો રોષે ભરાઈને હાઈવે પર ધસી આવ્યા હતા

ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ આવેશમાં આવી જઈ હાઈવેની બંને બાજુથી લાકડા લાવી આડશો મુકી દેતાં બંને તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો ત્યારબાદ કેટલાક લોકો પોલીસના વાહન જોઈને વધુ ઉશ્કેરાયા હતા અને સર્વિસ રોડ પર ઉભેલા ડીવાયએસપીના વાહનને હચમચાવી દેતાં તેનો ડ્રાઈવર ઉતરીને અન્ય પોલીસ પાસે પહોંચી ગયો હતો.

ટોળામાંથી કેટલાક લોકોએ પોલીસના વાહનને આગ ચાંપી દીધી હતી. પોલીસે પરિસ્થિતી વધુ વણસે નહી તે આશયથી ટીયર ગેસના પ૦થી વધુ શેલ છોડતાં લોકો ખેતરમાં ભાગી ગયા હતા જે અંગે સરકારી કામકાજમાં રૂકાવટ કરવા તથા સરકારી મિલકતને અંદાજે રૂ.૧પ લાખથી વધુનું નુકશાન કરવા બદલ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ૪ર લોકોના નામ જોગ તથા ૭૦૦ના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.

ગાંભોઈર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ અટકાયત થવાની બીકને લઈને કેટલાક લોકોરાત્રે જ ભૂગર્ભમાં જતા રહ્યા હતા, જયારે કેટલાક દૂર રહેતા તેમના સગાઓ પાસે પહોંચી ગયા હતા. જોકે આગામી દિવસોમાં અટકાયથી બચવા મથતા લોકોને પકડવામાટે પોલીસે વ્યુહરચના ગોઠવીને તપાસનો દોર લંબાવી દીધો છે તેમ છતાં પોલીસે શકને આધારે અથવા તો નજરે પડેલા ૧૪ જણાને શનિવારે બપોર સુધીમાં ઝડપી લઈ વધુ પુછપરછ માટે હિંમતનગર સ્થિત સીપીઆઈની કચેરીમાં લાવી દેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.