Western Times News

Gujarati News

સ્લીપર સેલની એક્ટિવિટી-સંલગ્ન લોકોની તપાસ માટે પોલીસ કામે લાગી

નવી દિલ્હી, પાકિસ્તાનથી ગુજરાત આવી ભારતીય નાગરિકતા મેળવનાર વેપારી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા ચાર આતંકવાદીઓ એરપોર્ટ બહાર નીકળે તે પહેલાં જ ઝડપાઇ ગયા.

તેઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે તે માટે પહેલેથી જ ચિલોડામાં હથિયાર ગોઠવાઇ ગયા હતા. સૌરાષ્ટ્રના ડ્રગ્સ પેડલરને ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક ડ્રગ્સ છુપાવવાના આદેશ મળે અને પછી ચોક્કસ ટુકડી ડ્રગ્સ દિલ્હી પહોંચાડી દેતી હોય છે. સુરતની મહિલા સહિત ચાર શંકાસ્પદ આતંકવાદીઓ સૌરાષ્ટ્ર- કચ્છ બોર્ડરથી હોડીમાં પાકિસ્તાન ભુજ પહોંચ્યા અને પકડાઇ ગયા. તેમના માટે બોટની વ્યવસ્થા થઇ ગઇ હતી.

મહારાષ્ટ્રના ડ્રગ્સ માફિયા દરિયાઇ માર્ગે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા પાસેથી ડ્રગ્સ લઇ આવ્યા તેઓ પરત આવે તે પહેલા કિનારે વ્યવસ્થા થઇ ગઇ હતી. આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાતમાં કામ કરી રહેલા દુશ્મન દેશના સ્લીપર દ્વારા.

ગુજરાત બ્લાસ્ટ હોય કે મુંબઇ બ્લાસ્ટ હોય તમામ આતંકવાદી કૃત્યોમાં સ્લીપર સેલની મહત્ત્વની ભૂમિકા સાબિત થઇ હતી. છેલ્લા એકાદ વર્ષથી ગુજરાતમાં જે રીતે સ્લીપર સેલની મૂવમેન્ટ વધી ગઇ છે તે ચિંતાજનક બાબત છે માટે હવે ગુજરાત પોલીસે રાજ્યમાં કાર્યરત સ્લીપર સેલ પર ત્રાટકવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાજ્યભરની એજન્સીઓ આ કામ માટે અલર્ટ બની ગઇ છે. તમારી આજુબાજુમાં જ સાવ સામાન્ય નાગરિકની જેમ કામ કરતા સ્લીપર સેલના માણસોને જ્યારે તેમના આકાઓ દ્વારા કોઇ આદેશ મળે કે તરત જ તેઓ એલર્ટ બની જતા હોય છે. સ્લીપર સેલનું કામ મુખ્તત્વે આતંકવાદી હુમલા પહેલાની અને હુમલા બાદની વ્યવસ્થા ગોઠવવાનું હોય છે.

૨૬-૧૧ના હુમલા પહેલા પણ સ્લીપર સેલ દ્વારાજ આતંકવાદીઓને મહત્વના ઇનપુટ આપવામાં આવ્યા હતા. જેને પગલે હવે સ્લીપર સેલ એક્ટિવ થાય તે પહેલાં જ તેને ડામી દેવો અનિવાર્ય છે.

ગુજરાત એટીએસની ટીમે આઇએસના બગદાદીના પ્રભાવમાં આવી પાકિસ્તાની હેન્ડલર અબુના આદેશથી ગુજરાતમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટે આવેલા શ્રીલંકાના ૪ આતંકવાદીઓને ઝડપી લીધા. તેમના મોબાઇલ ફોનમાંથી ચિલોડાની એક ચોક્કસ જગ્યાનું લોકેશન મળ્યું પોલીસ ત્યાં પહોંચી તો ત્યાંથી રિવોલ્વર અન કારતૂસ મળી આવ્યા. આ ઘટનાને લઇને ગુજરાત પોલીસ એલર્ટ બની ગઇ છે.

જો સ્લીપર સેલ આતંકવાદીઓ માટે હથિયાર પહોંચાડી શકે તો તે કંઇ પણ કરી શકે છે. માટે જ હાલ અમદાવાદ ખાતેની એટીએસની કચેરીમાં આ ૪ આતંકવાદીઓ પાસેથી સ્લીપર સેલની વિગતો મેળવવા માટે ગુજરાત પોલીસ ઉપરાંત ૭ રાજ્યોની પોલીસ અને એનઆઇએ, રો અને સેન્ટ્રલ આઇબીની ટીમ પૂછપરછ કરી રહી છે.

થોડાં સમય પહેલાં જ ધોળકાના કિશન ભરવાડની હત્યા કેસમાં અચાનક જ એક્ટિવ બનેલા સ્લીપર સેલના માણસોએ જ હથિયારની વ્યવસ્થા કરી હતી. સુરત પોલીસે ઝડપી લીધેલા એક મૌલાનાના કેસમાં પણ સ્લીપર સેલની આક્રમક ભૂમિકા જોવા મળી રહી છે. જાસૂસીકાંડમાં પણ સ્લીપર સેલના સંડોવણી સામે આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.