Western Times News

Gujarati News

ઉદવાડામાં પારસી સાંસ્કૃતિક વિરાસતનો અનોખો ઉત્સવ ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ યોજાયો

ઇરાનશાહની પવિત્ર અને અખંડ જયોત જેમ ગુજરાતના વિકાસની અખંડ જયોત પ્રજ્વલિત  રહેશે. સારો વિચાર, સારા કર્મો અને સારા શબ્દો પારસી સમાજની ઓળખ છે : વિજયભાઈ રૂપાણી

ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે વતન છોડીને આવેલા જ વતન થી દુર થવાની પીડા સમજી શકે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પારસી કોમના  ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં સહભાગી થતાં સ્પષ્ટપણે  જણાવ્યુ કે  પોતાના ધર્મની રક્ષા માટે ૧૩૦૦ વર્ષ પૂર્વે વતન છોડી ભારત આવેલા પારસીઓ સમરસતા અને બંધુત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેમણે એમ પણ કહ્યું કે, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે વતન છોડવા મજબૂર બનેલા લોકો જ  વતનથી દુર થવાની પીડા સમજી શકે.


મુખ્યમંત્રીશ્રીએ  ધર્મ-રક્ષા માટે  વતન છોડવા મજબૂર અને વરસો સુધી શરણાર્થી તરીકેની તકલીફો ભોગવનાર પરત્વે  સંવેદનશીલતા સાથે  તેમને નાગરિકતા આપવાના  નાગરિકતા બિલનો  વોટબેંકની રાજનીતિથી  દોરવાઇને વિરોધ કરનાર લોકો પોતે ગુમરાહ છે, અને બીજાને   ગુમરાહ કરવા પ્રયાસ કરી રહયા છે, તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નાગરિકતા બિલ કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનું બિલ નથી.
આ બિલના વિરોધથી દેશની ધરોહર અને સાંસ્કૃતિક સામાજિક એકતા તોડવા મથતા તત્વોથી સાવધ રહેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.


ઈરાન શાહ ઉત્સવ પારસી કોમની સાંસ્કૃતિક વિરાસતની સાથે સાથે સંપ,સદભાવ અને બંધુતાના  ઉચ્ચતમ માનવીય સદગુણોને ઉજાગર કરતો ઉત્સવ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા અને દર બે વર્ષે ઉજવાતા આ ઉત્સવમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત રહીને પારસી કોમની ખૂમારી, પ્રતિભા, તેમના સામાજીક પ્રદાન અને સાંસ્કૃતિક વારસાને બિરદાવ્યો હતો.
૧૩૦૦ વર્ષ પૂર્વે પોતાના ધર્મની રક્ષા કાજે જીવને જોખમમાં મૂકી વતન ઇરાનથી પોતાના પવિત્ર અગ્નિ સાથે  નીકળેલા  પારસીઓના આ  અગ્નિની સ્થાપના  ઉદવાડા  ખાતે કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ પવિત્ર અગ્નિ પાવક સ્થળે વંદના કરવાનો અવસર મળ્યા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે આ પવિત્ર  અગ્નિની અખંડ જયોતના આશીર્વાદથી ગુજરાતના  વિકાસની જયોત પણ અખંડ જલતી રહેશે અને સમગ્ર માનવજાતના કલ્યાણની દિશામાં ભારતના રોલ મોડલ તરીકે ગુજરાત પ્રસ્થાપિત કરશે તેવી શ્રધ્ધા વ્‍યકત કરી હતી.

પોતાના સત્ત્વ અને તત્ત્વને સૈકાઓથી જાળવી રાખનાર પારસી કોમની  ખૂમારીને   બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પારસી કોમ  માંગનારી નહીં આપવામાં માનનારી  કોમ છે.  શાંતિ અને સદભાવનાપૂર્વક જીવન જીવવાની સાથે સાથે દરિયાદિલીથી સમાજના ઉત્થાન માટે અનેક ચેરીટી કામો કર્યા છે.
તેમણે જણાવ્યુ કે, સારો વિચાર, સારા કર્મો અને સારા શબ્દો પારસી સમાજની ઓળખ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,  માઇક્રો માઇનોરીટી હોવા છતાં પારસી સમાજના અનેક લોકોએ દેશ અને ગુજરાતના વિકાસમાં અનન્ય ફાળો આપ્યો છે.
તેમણે રતનટાટા, સાયરસ પૂનાવાલા, જનરલ માણેકશા, મેડમ કામા, નાની પાલખીવાલા સહિત અનેક લોકોના પ્રદાનને બિરદાવીને ભારતના સ્વતંત્રતા સંગ્રામથી લઇને આજ દિન સુધીના  વિકાસમાં પારસીઓના ફાળાને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું  કે, પારસી બાંધવો પોતાનો ધર્મ સાચવવાની સાથે સાથે ધર્માન્તરણની વૃત્તિથી દુર રહયા છે. એટલું જ નહીં તેમણે બધા સાથે પ્રેમ અને કરૂણા દાખવી મીઠા સંબંધો જાળવ્યા છે અને બીજા બાંધવોની સંભાળ પણ  લીધી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને ભારત સરકાર સદા  સર્વદા પારસી કોમના સુખ દુઃખની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી અને સાથે મળી પ્રજા કલ્યાણના કામો કરવાની ભાવના પણ વ્યકત કરી હતી.


રાષ્ટ્રીય લઘુમતી કમિશન (ઝોરાષ્ટ્રીપયન-પારસી)ના સભ્ય  વડા દસ્તુર ખુરશેદ દસ્તુઓરે જણાવ્યું  હતું કે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન હતું. સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. તેમણે ભારત દેશ પરત્ત્વે આભારની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, કરોડોની વસતીમાં લઘુમતી તરીકે અમે સચવાયા છીએ, એટલું જ નહીં, સુરક્ષા અને પ્રેમ પૂરા પાડવામાં આવ્યા  છે.

તેમણે પારસી સમુદાયના વિકાસમાં, પ્રશ્નોના નિરાકરણમાં મુખ્યમંત્રીશ્રીના તથા રાજય સરકારના સહયોગની સરાહના કરી હતી અને આભારની લાગણી વ્યકત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાંથી યાત્રાળુઓ અહિં પવિત્ર અગ્નિના દર્શન માટે આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પારસી સમાજના અદભુત પ્રદાનને  સમજી તેમના ગૌરવપુર્ણ ઇતિહાસને વિશ્વ વિખ્યા્ત બનાવવા ઉદવાડા ખાતે ઇરાનશાહ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે.

પારસીઓની ભવ્ય્ સંસ્કૃતિને ઉજાગર કરવા દર બે વર્ષે ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવવામાં આવે છે.
આ ત્રી-દિવસીય ઉત્સવમાં હેરીટેજ વોક, ફોટો ગેલરી, સ્ટ્રીટ આર્ટ, ટ્રેઝર હંટ સ્પર્ધા, એન્ટીક ઘડીયાળ જેવી વસ્તુઓનું નિદર્શન-વેચાણ તેમ જ પારસી સમાજની સ્વાદિષ્ટ વાનગીઓ સાથે કલા સંસ્કૃતિનું પ્રદર્શન મેળો વગેરે યોજવામાં આવ્યા હતા.

આ અવસરે આદિજાતિ વિકાસ અને વન રાજયમંત્રી શ્રી રમણલાલ પાટકર,સાંસદ શ્રી ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇ, શ્રી બહેરામ મહેતા, શ્રી જહાંગીર પંથગી, શ્રીમતી હવાવી દસ્તુર, શ્રી દિનશાહ તંબોલી સહિત પારસી અગ્રણીઓ અને દેશ-વિદેશથી આવેલા પારસીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિ્ત રહયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.