Western Times News

Gujarati News

પાપુઆ-ન્યૂ ગિનીમાં તબાહી: ભૂસ્ખલનથી 2000 લોકો દટાયા

રાજધાની પોર્ટ મોરેસ્બીથી ૬૦૦ કિમી ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટના બની હતી

પાપુઆ-ન્યૂ ગિની, પાપુઆ-ન્યૂગીનીમાં શનિવારે થયેલા ભૂસ્ખલનને કારણે ભારે તબાહી થઈ છે. મૃત્યુઆંકની સરકારે હજુ સુધી પુષ્ટિ કરી નથી, પરંતુ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનામાં ૨,૦૦૦થી વધુ લોકો જીવતા દટાયા હતા.

સરકારે કહ્યું કે રાહત માટે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે. રાજધાની પોર્ટ મોરેસ્બીથી ૬૦૦ કિમી ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટના બની હતી.પાપુઆ-ન્યૂ ગિનીમાં સોમવાર સવારથી બચાવ કાર્ય યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે. દેશના એન્ગા પ્રાંતમાં આવેલું આખું ગામ ભૂસ્ખલનમાં દબાઈ ગયું હતું તેના તમામ ૧૫૦ જેટલા ઘરો ધરાશયી થયા હતા.

જેમ ડેબ્રીસ દૂર કરાતો જશે તેમ તેમ ભૂપ્રપાતમાં દટાઈને માર્યા ગયેલાઓની સંખ્યા વધવાની આશંકા છે. તેમ યુએનની માઈગ્રેશન એજન્સીએ રવિવારે સાંજે જણાવ્યું હતું.એન્ગા પ્રાંતમાં ૧૫૦થી વધુ ઘરો એક ગામમાં દટાઈ જતાં આખું ગામ દટાઈ ગયું છે. જ્યારે આસપાસનાં ૨૫૦ ઘરો ખાલી કરી તેમાં રહેનારાઓ બીજે ચાલ્યા ગયા છે.

આઘાતજનક વાત તો તે છે કે ભૂસ્ખલનને લીધે ૮ મીટર (આશરે ૨૬.૩ ફીટ) જેટલા ઊંચા માટી અને પથ્થરના ટેકરાને લીધે દટાઈ ગયેલાઓના મૃતદેહો પણ બહાર કાઢવા મુશ્કેલ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થા ‘સીએઆરઈ ઈન્ટરનેશનલ’ના પ્રાદેશિક ડીરેક્ટર સુ.શ્રી. જસ્ટિન મેક મોહેને એબીસી ટેલીવિઝનને જણાવ્યું હતું કે પરિસ્થિતિ ઘણી ભયાવહ બની રહી છે.

ભૂમિ પણ અસ્થિર બની રહી છે તેથી બચાવ કાર્યમાં ઘણો અવરોધ આવે છે તેમ કહેતા તેઓએ વધુમાં જણાવ્યું કે હજી ઘણો ડેબ્રિસ દૂર કરવો પડે તેમ છે. આ ડેન્જરસ પરિસ્થિતિની આશરે ૪૦૦૦ જેટલા લોકોને અસર પહોંચી છે. જે બચી ગયેલા છે, તેઓ દટાઈ ગયેલાને બહાર કાઢવામાં યુએનની સંસ્થાઓને સહાય કરી રહ્યા છે. એક દંપતિ મલબા નીચે દટાઈ ગયું હતું તેમની બચાવો, બચાવોની બૂમો સાંભળી તેને બચાવી લેવામાં આવ્યું હતું.

સોશિયલ મીડીયા ફૂટેજ જણાવે છે કે લોકો મોટા પથ્થરો અને માટીના ઢગલાઓ ઉપર ચઢી ચઢી દટાયેલાઓને બચાવવામાં લશ્કરના જવાનો અને સ્વયંસેવકોને સહાય કરી રહ્યાં છે. દેશના ઈર્મજન્સી ક્રૂ અને ડીફેન્સ એનિજનિયરિંગ ટીમ કાર્યરત છે પરંતુ રસ્તાઓ ભૂસ્ખલનને લીધે બંધ થઈ ગયા હોવાથી માટી પથ્થર વગેરે દૂર કરવા માટે જરૂરી તેવા ભારે યંત્રો લઈ જઈ શકાતા ન હોવાથી હેલિકોપ્ટર દ્વારા સહાય પહોંચાડવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.