Western Times News

Gujarati News

ભરૂચમાં ૩ દિવસમાં ૩૦૦ શાળામાં ફાયર સેફટીની ચકાસણી કરવા આદેશ

પ્રતિકાત્મક

ચકાસણી કરવા માટે વર્ગ – ૨ ના કર્મચારીઓની નોડલ તરીકે નિમણુંક

ભરૂચ, રાજકોટના ગેમઝોનમાં આગની ઘટના બન્યા બાદ ફાયર સેફટીના મામલે તંત્ર ફરી જાગ્યું છે.ભરૂચ જીલ્લામાં શાળામાં ચેકિંગની કામગીરી માટે વર્ગ-૨ નાં કર્મચારીની નોડલ તરીકે નિમણુંક કરી તેમને ચેકીંગની જવાબદારી સોંપવામાં આવી છે.

તેમના નિરિક્ષણમાં જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની આકસ્મિક ચેકીંગ કરવામાં આવશે.સુરત અને રાજકોટમાં આગની ઘટના બાદ ફાયર સેફટીના મામલે ફરી સરકાર અને તંત્રમાં દોડધામ મચી છે.

રાજકોટની ઘટના બાદ ભરૂચ ડીઈઓ સ્વાતિબા રાઉલે અધિકારીઓની બેઠક બોલાવી હતી.જેમાં શિક્ષણ વિભાગના વર્ગ-૨ના કર્મચારીઓને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફાયર સેફ્‌ટીના સાધનો અને એન.ઓ.સીનું ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.દરેક તાલુકા દીઠ એક કર્મચારીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે.

શાળાઓમાં જઈને ફાયર સેફ્‌ટીનું એન.ઓ.સી,બોટલનું રિફિલિંગનું ચેકિંગ કરશે.જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ મળી ૩૦૦ થી વધુ શાળા આવેલી છે. જેમાંથી રોજ કોઈપણ બે થી ત્રણ શાળાનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે.આ ચેકિંગ ત્રણ દિવસ ચાલશે જેનો રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંથી કોઈપણ એક શાળાની પસંદગી કરીને આકસ્મિક ફાયર સેફટી માટે ચેકિંગ કરવામાં આવશે.જેમાં એન.ઓ.સી ની મર્યાદા પૂર્ણ થઈ છે, કે નહીં ફાયર માટે નો બોટલને રિફિલિંગ કરવામાં આવ્યો છે કે નહીં તેમજ જે શાળાની ઊંચાઈ ૯ મીટર કે તેથી વધુ હશે, તેવી શાળાએ સુરતનું ફાયર સેફ્‌ટીનું એન.ઓ.સી લેવું પડશે.

દર વર્ષે શાળાના વાર્ષિક મૂલ્યાંકન દરમિયાન ફાયર સેફટીના એન.ઓ.સી સહિત સાધનોની પણ તપાસ કરવામાં આવે છે. અને દરેક શાળાના ફાયર સેફ્‌ટીના એન.ઓ.સી જિલ્લા શિક્ષણ કચેરી પાસે છે.મિટિંગ કરીને ત્રણ દિવસ શાળાની આકસ્મિક ફાયર સેફટીનું ચેકિંગ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.