Western Times News

Gujarati News

રૂ.૨૫૦ કરોડની સબમરીન ખોટકાતા ટોમ ક્રુઝ ની ફિલ્મ વિલંબમાં મૂકાઈ

‘મિશન ઈમ્પોસિબલ’ ફ્રેન્ચાઈઝીમાં આઠમી ફિલ્મનું શૂટિંગ શરૂ

‘મિશન ઈમ્પોસિબલ’નું બજેટ રૂ.૩૦૦૦ કરોડને વટાવી ગયું, વિલંબના પગલે ખર્ચ વધવાનું નિશ્ચિત

મુંબઈ,ટોમ ક્રુઝ ની ‘મિશન ઈમ્પોસિબલ’ ફ્રેન્ચાઈઝીમાં આઠમી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મના પ્રોડક્શનમાં અત્યાર સુધી રૂ.૩૦૦૦ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે ત્યારે વિલંબ સર્જાયો છે. આ વિલંબનું કારણ બની છે, રૂ.૨૫૦ કરોડની સબમરીન. ફિલ્મના શૂટિંગ માટ રૂ.૨૫૦ કરોડની સબમરીન લેવામાં આવી હતી, પરંતુ ચાલુ શૂટિંગે સબમરીન ખોટકાઈ ગઈ.

તેના કારણે શૂટિંગ અટકાવવું પડ્યું અને આ વિલંબના કારણે ફિલ્મનું બજેટ વધવાની આશંકા છે. બોલિવૂડમાં રૂ.૩૦૦ કરોડની ફિલ્મ બનાવવામાં મોટાભાગના ફિલ્મ મેકર્સને જોખમ લાગતું હોય છે ત્યારે હોલિવૂડમાં રૂ.૩૦૦૦ કરોડથી વધુના બજેટમાં ટોમ ક્રુઝ ની ફિલ્મ બની રહી છે. ફિલ્મના શૂટિંગ માટે સબમરીનને ૧૨૦ ફૂટ નીચે ઉતારવામાં આવી હતી. ભારે વજનના કારણે આ સબમરીન અચાનક બંધ થઈ હતી અને શૂટિંગ અટકાવવું પડ્યું હતું.

રિપોટ્‌ર્સ મુજબ, સબમરીનના રીપેરિંગમાં લાંબો સમય લાગી શકે છે અને તેના કારણે એકાદ મહિના જેટલો વિલંબ થવાનો છે. શૂટિંગમાં અત્યાર સુધી ૪૦૦ મિલિયન ડોલર (રૂ.૩૩૨૫ કરોડ) વપરાઈ ચૂક્યા છે અને વિલંબના કારણે બજેટમાં વધારો થવાનું નિશ્ચિત છે. એક દિવસના વિલંબમાં કરોડો રૂપિયાનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે સબમરીનને ઝડપથી રીપેર કરાવવા પ્રયાસ થઈ રહ્યા છે. ‘મિશન ઈમ્પોસિબલ ૮’ને આ વર્ષે મે-જૂનમાં રિલીઝ કરવાનું આયોજન હતું. જો કે અગાઉ પણ શૂટિંગમાં વિલંબ થયો હતો અને વારંવારના વિલંબના કારણે આ ફિલ્મ મે ૨૦૨૫માં રિલીઝ થાય તેવી શક્યતા હતી.

દરમિયાન સબમરીને સમસ્યા ઊભી કરતાં રિલીઝ ડેટ વધુ એક વખત લંબાઈ શકે છે. ‘મિશનઃ ઈમ્પોસિબલ-ડેડ રેકનિંગ પાર્ટ વન’ની સીક્વલ તરીકે આઠમી ફિલ્મ બની રહી છે. તેનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. જુલાઈ ૨૦૨૩માં હોલિવૂડ રાઈટર્સની હડતાલે ફિલ્મને અસર કરી હતી. જેના કારણે માર્ચ ૨૦૨૪માં શૂટિંગ ફરી શરૂ થયું હતું. ‘ડેડ રેકનિંગ’ બનતી હતી ત્યારે કોરોના મહામારી આવી હતી અને ફિલ્મનું બજેટ વધી ગયું હતું. તે સમયે ૩૦૦ મિલિયન ડોલરમાં ફિલ્મ બની હતી.

બાર્બી અને ઓપનહાઈમર પછી તરત જ આ ફિલ્મ રિલીઝ થતાં બોક્સઓફિસ પર ઠંડો રિસ્પોન્સ મળ્યો હતો. આમ છતાં ફિલ્મ મેકર્સે હિંમત રાખીને સીક્વલ બનાવવા કમર કસી છે. ‘મિશન ઈમ્પોસિબલ ૮’માં ટોમ ક્રુઝે ફરી એક વખત ફિલ્ડ એજન્ટ ઈથન હન્ટનો રોલ કર્યો છે. વારંવાર વિલંબના કારણે ફિલ્મનું બજેટ રૂ.૪૦૦૦ કરોડને પાર કરે તેવી શક્યતા છે. આ સાથે વિશ્વમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મનો ખિતાબ તેને મળી શકે છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.