Western Times News

Gujarati News

પતરાના શેડમાં ચાલતી શાળાઓ મામલે પણ તપાસના આદેશ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, રાજકોટના આગ કાંડની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું છે અને ફાયર એનઓસી વગર ચાલતી શાળાઓની સાથે પતરાના શેડમાં ચાલતી શાળાઓમાં ભયજનક રીતે ચાલતા વર્ગો પણ શાળાઓએ બંધ કરવા પડશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પતરાના શેડમાં ચાલતી શાળાઓ મામલે પણ તપાસના આદેશ આપ્યા છે.

જેમાં એક શાળાને નોટિસ પણ આપવામાં આવી છે. જ્યારે ફાયર એનઓસી રિન્યૂ બાકી હોવાનું ધ્યાને આવતા આ શાળાઓને પણ તાત્કાલિક ફાયર એનઓસી રિન્યૂ કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે. ૧૩ જૂન બાદ આવી બેદરકાર શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.આગામી ૧૩ જૂનથી શાળાઓમાં શિક્ષણ શરૂ થઈ રહ્યું છે.

તે પહેલાં શાળાઓમાં ફાયર એનઓસી છે કે કેમ અને ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ, તે તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમ બનાવી અત્યાર સુધીમાં ૩૦૦ સ્કૂલની તપાસ ફાયર સેફ્ટી મામલે કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, અમારી તપાસ દરમિયાન નારણપુરાની વિજયનગર સ્કૂલ અને વટવાની આશીર્વાદ સ્કૂલ જેને ફાયર એનઓસી રિન્યૂની તારીખ પૂરી થવા આવી છે.

જેઓને સમયસર રિન્યૂ કરાવી લેવા આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ હવે અમારી ટીમ ભયજનક રીતે ચાલતી શાળાઓ તેમજ પતરાના શેડમાં ભયજનક સ્થિતિમાં ચાલતા વર્ગો મામલે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આવી શાળાઓમાં હાલ વર્ગો બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. સાથે જ આવી પતરાના શેડ વાળી શાળા મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો અભિપ્રાય માગવામાં આવ્યો છે.

તેમના અભિપ્રાય બાદ આગળ કાર્યવાહી થઇ શકશે. હાલ અમદાવાદની એક સ્કૂલ જ્યાં પતરાવાળા શેડમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું ધ્યાને આવતા આ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓને આવા શેડમાં ભણાવવા નહીં તેવી પણ સૂચના આપી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.