Western Times News

Gujarati News

વારંવાર ધમકીઓ મળતાં અનુ કપૂરે પોલીસ રક્ષણ માગ્યું

‘હમારે બારહ’ વિવાદ

વિવાદિત ફિલ્મ નારી સન્માન માટે અવાજ ઊઠાવવા બનાવી છે, અમે ડરીશું નહીઃ અનુ કપૂર

મુંબઈ,  અનુ કપૂરની આગામી ફિલ્મ ‘હમારે બારહ’નું ટીઝર રિલીઝ થતાં જ વિવાદ સર્જાયો છે. ઉત્તરપ્રદેશની સ્ટોરી ધરાવતી આ ફિલ્મમાં વસતી વધારો અને મહિલાની વ્યથા અંગે વાત કરવામાં આવી છે. ફિલ્મના ટીઝરે અનેક લોકોને આશ્ચર્ય અને આઘાતમાં મૂક્યા છે અને તેના કારણે ફિલ્મ ચર્ચામાં છવાયેલી છે. ફિલ્મ સાથે સંકળાયેલી ટીમને વારંવાર ધમકીઓ મળી રહી છે, જેના પગલે અનુ કપૂરે પોલીસ રક્ષણની માગણી કરી છે. ‘હમારે બારહ’માં અનુ કપૂરની સાથે મનોજ જોષી, પરિતોષ ત્રિપાઠી મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનો હેતુ સામાજિક સમસ્યા અંગે વાત કરવાનો છે, પરંતુ તેનો વિષય વિવાદનું કારણે મળ્યો છે. અનુ કપૂરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ફિલ્મમાં નારી સશક્તિકરણની તરફેણ કરવામાં આવી છે. ફિલ્મ જોયા પછી કોઈ નિર્ણય થવો જોઈએ. સોશિયલ મીડિયા પર પોતાની વાત કહેવાનો લોકોને અધિકાર છે, પરંતુ કોઈનું અપમાન કે ધમકી આપી શકાય નહીં. આ પ્રકારની ઘટનાઓથી અમે ગભરાવાના નથી. અનુ કપૂરે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરતા જણાવ્યુ હતું કે, ‘હમારે બારહ’નો ઉદ્દેશ કોઈ ધર્મ અથવા જાતિ વિરુદ્ધ અવાજ ઊઠાવવાનો નથી, પરંતુ મહિલાઓના સન્માન માટે અવાજ ઊઠાવવાનો છે. ફિલ્મ જોતાં પહેલાં કોઈ પણ નિર્ણય પર નહીં પહોંચવા અનુરોધ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મનું નામ ‘હમ દો, હમારે બારહ’ રાખવાની વિચારણા થઈ હતી. સેન્સર બોર્ડ સમક્ષ મંજૂરી માટે ફિલ્મને મોકલાયા બાદ તેનું ટાઈટલ બદલવામાં આવ્યું છે. ફિલ્મને હવે ‘હમારે બારહ’ સાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની રિલીઝ પહેલાં જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેનો વિરોધ કરી રહ્યા છે અને તેને એક ચોક્કસ સમુદાય વિરોધી ગણાવી રહ્યા છે. સામાન્ય રીતે વિવાદ ઊભો કરનારી ફિલ્મો હિટ થતી હોય છે અથવા સાવ ફ્લોપ રહે છે. અનુ કપૂરની આ ફિલ્મના નસીબમાં શું છે તે જાણવા માટે ૭ જૂન સુધી રાહ જોવી પડશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.