Western Times News

Gujarati News

નિયમો વિરૂદ્ધના એકમો સામે વહિવટી તંત્રનું કડક વલણ; ૧ હોસ્પિટલ, ૧ લેબ અને ૧ જીમ સીલ –

પ્રતિકાત્મક

ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા તેમજ એન.ઓ.સી.ની સુવિધા વિનાના એકમોને નોટીસ આપી દિન ૭ માં પૂર્તતા કરવા સુચના-વહિવટી તંત્ર દ્વારા જિલ્લામાં સર્વે માટેની વિવિધ ટીમ બનાવી ૪૬૪ જેટલા એકમોની સઘન તપાસ કરવામાં આવી

મોરબી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સર્વે માટેની વિવિધ ટીમ બનાવી જિલ્લામાં ફનઝોન, હોસ્પિટલ, સ્કૂલ/કોલેજ, બિલ્ડીંગ્સ વગેરે એકમોની સઘન તપાસ કરીને સીલ કરવાની કામગીરી, તાત્કાલિક અસરથી બંધ કરાવવાની તેમજ નોટિસ આપી સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવા અર્થે સુચના આપવા સહિતની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે.

રાજકોટ ટી.આર.પી ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનાના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ જિલ્લામાં આવેલા ફનઝોન ત્વરીત બંધ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કલેક્ટરશ્રીની સૂચનાથી જિલ્લામાં ૬ થી વધુ સર્વે ટીમ બનાવવામાં આવી છે જે ટીમ દ્વારા સર્વે કરી ફનઝોન, હોસ્પિટલ, સ્કૂલ/કોલેજ બિલ્ડીંગ્સ વગેરે એકમોને સીલ કરવાની તેમજ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

નાગરિકોની સુરક્ષા અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે અત્યાર સુધી જિલ્લામાં ૫૬ હોસ્પિટલ, ૪૨ સ્કૂલ/કોલેજ, ૩૨૧ હઈરાઈઝ બિલ્ડીંગ, ૪૧ કોમ્પ્લેક્ષ, કોમર્શિયલ અને એસેમ્બલી તેમજ બિલ્ડીંગ અને ૪ હોટલ્સ મળી કુલ ૪૬૪ એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ પરથી તાત્કાલિક ધોરણે ૧ હોસ્પિટલ, ૧ લેબ તેમજ ૧ જીમને ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાના કારણે સીલ કરી દેવામાં આવ્યા છે.

જ્યારે પાપાજી ફન વર્લ્ડ, કામધેનું, લેવલ અપ, થ્રીલ એન્ડ ચીલ, યોગાટા અને દેવ ફન વર્લ્ડ જેવા ગેમઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ તપાસ મુજબ જિલ્લામાં ૪૦ હોસ્પિટલ, ૨૭ સ્કૂલ/કોલેજ, ૪૧ હાઈરાઈઝ બિલ્ડીંગ, ૧૯ કોમ્પ્લેક્ષ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ અને ૨ હોટલ્સ મળી કુલ ૧૨૯ એકમો ફાયર સેફટીના સાધનોની યોગ્ય વ્યવસ્થા ધરાવે છે. જ્યારે જિલ્લામાં કુલ ૭ હાઈરાઈઝ બિલ્ડીંગ એન.ઓ.સી. મુજબ બનાવવામાં આવી છે.

હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જ્યારે નીતિ નિયમોને ધ્યાનમાં લીધા વિના આડેધડ ઉભા કરાયેલા વિવિધ એકમો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ત્યારે ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા તેમજ એન.ઓ.સી. સહિતની વ્યવસ્થાઓ વગરના એકમોને તાત્કાલિક ધોરણે નોટિસ આપવામાં આવી છે અને આ વ્યવસ્થાઓની પૂર્તતા ૭ દિવસમાં કરવામાં ન આવે તો સંબંધિત એકમો સીલ કરવાની કાર્યવાહી વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. (માહિતી બ્યુરો, મોરબી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.