Western Times News

Gujarati News

યુવાનોમાં ડાર્ક વેબનો ઉપયોગ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે! શું છે આ ડાર્ક વેબ જાણો છો?

પ્રતિકાત્મક

ડાર્ક વેબ એક એવી માયાજાળ છે કે જેનાથી માતા પિતા અજાણ હોય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર યુવાનો જ જાણતા હોય છે. ઘરમાં કોમ્પ્યુટર કે લેપટોપ પર કલાકો સુધી સમય વિતાવતા યુવાનોના માતા પિતા આ કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરે તો પણ તેમને ખ્યાલ નથી આવતો કે તેમનો પુત્ર કે પુત્રી લેપટોપ પર ડાર્કવેબમાં શું કરે છે. 

ડાર્ક વેબની મદદથી નબીરાઓએ 1.15 કરોડનો ગાંજો મંગાવ્યો

(એજન્સી) અમદાવાદ, પાકિસ્તાનથી આવતું કરોડો રૂપિયાનું ડ્રગ્સ, રાજ્યમાં પ્રોડકશન થતું એમડી ડ્રગ્સ તેમજ વિદેશથી પાર્સલની આડમાં આવતો ગાંજો એ વાત પૂરવાર કરે છે કે યુવાઓ ડ્રગ્સના રવાડે ચઢીને બરબાદીના રસ્તે જઈ રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની અને કસ્ટમ ઈન્ટેલિજન્સ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૧.૧પ કરોડ રૂપિયાનો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડયો છે.

ડ્રગ્સના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે રીસિવરની અટકાયત કરી લીધી છે. જે ફોરન પોસ્ટ ઓફિસમાં પાર્સલ રિસીવ કરવા માટે આવ્યા હતા. માલેતુજાર નબીરાઓએ ડાર્ક વેબની મદદથી ગાંજો મંગાવ્યો હોય તેવું ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવાઓમાં હાલ ડાર્ક વેબનો ઉપયોગ કરવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચ સામે મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે.

શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની માંગ સતત વધતી રહી છે ત્યારે ગઈકાલે વિદેશથી આવેલા પાર્સલમાંથી ૧.૧પ કરોડના હાઈબ્રિડ ગાંજાના ૧૪ પેકેટ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ પેકેટ કેનેડા, અમેરિકા અને થાઈલેન્ડથી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ ઈન્ટેલિજન્સના અધિકારીઓને બાતમી મળતાં બન્ને એજન્સીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૧.૧પ કરોડનો ગાંજો જપ્ત કર્યો હતો.

વિદેશના ડ્રગ્સ માફિયાએ ગાંજો બાળકોના રમકડા, ટેડીબેર લંચ બોકસ અને લેડીઝ ડ્રેસમાં છુપાવીને મોકલ્યો હતો. આ પેકેટ જેમના નામના હતા તે પેડલરની તપાસ ચાલી રહી છે. જો કે તે તમામના નામ અને સરનામા ખોટા હોવાની વિગતો સામે આવી છે જેને પગલે હવે આ સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમના અધિકારીને માહિતી મળી કે વિદેશથી મોટા પ્રમાણમાં હાઈબ્રિડ ગાંજો પાર્સલ દ્વારા અમદાવાદ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યો છે જેને પગલે અધિકારી એલર્ટ બની ગયા હતા અને શંકાસ્પદ પાર્સલની તપાસ શરૂ કરી હતી.

કેનેડા, થાઈલેન્ડ અને અમેરિકાથી આવેલા ૧૪ પાર્સલ કે જેના પર એવી વિગતો હતી કે પાર્સલમાં બાળકોના રમકડા, ટેડીબેર, વિટામીન કેન્ડી તથા લંચબોકસ અને લેડીઝ ડ્રેસ છે.

પરંતુ તેની તપાસ કરતાં આ વસ્તુઓમાંથી છુપાવેલા હાઈબ્રિડ ગાંજાના ૧૪ પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા મુજબ બજારમાં એક ગ્રામ હાઈબ્રિડ ગાંજાની કિંમત ત્રણ હજાર રૂપિયા છે. આ જોતાં મળી આવેલ હાઈબ્રિડ ગાંજાની બજાર કિંમત ૧.૧પ કરોડ થાય છે. હવે આ પેકેટ જેમને મોકલ્યા છે તેની તપાસ કરવા ઉપરાંત જેમના નામે મોકલવામાં આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.