Western Times News

Gujarati News

મરી ગયા પછી માણસની કદર થાય છે, એ જીવતો હોય ત્યારે નહીં

ગૃહત્યાગમાહાત્મ્ય

આ જીવનમાં કરવાનું અને ન કરવાનું મેં ઘણું કર્યું છે. ભાષણો આપ્યાં છે અને સાંભળ્યાં છે. રેશનિંગની દુકાને સસ્તી ખાંડ લેવા ઉભો રહ્યો છું અને કાળાબજારની ખાંડ પણ ખરીદી છે. ફ્રી પાસ મેળવી ચલચિત્રો જોયાં છે, હાઉસફૂલનું પાટિયું વાંચી ખૂણામાં ઉભા રહી ટિકિટો વેચતા બિરાદર પાસેથી ટિકિટો લઈ ચલચિત્ર જોયું છે અને પૂરતાં નાણાંના અભાવે ચલચિત્રગૃહનો ત્યાગ કરી, જોયા વિના પણ પાછો ફર્યો છું. પણ રંજ એ વાતનો રહ્યો છે કે હજી સુધી મેં ગૃહત્યાગ કર્યો નથી.

જોકે ગૃહત્યાગ કરવો એ મારા માટે અઘરું કાર્ય નથી, સાવ સહેલું કામ છે. પણ હજી સુધી એવો સુઅવસર આવી પડે તેની ધીરજ રાખીને વાટ જોઉં છું. આ તો હું વગર પુસ્તકે, પારકાં પુસ્તકો વાંચીને અને કેટલીકવાર તો પાઠ્યપુસ્તકો વાંચ્યા વિના પણ પાસ થઈ ગયો છું. લાયકાત ન હોવા છતાં નોકરી મેળવી શકયો છું અને ખાસ સારો દેખાવ ન હોવા છતાં દેખાવડી રમણીને પ્રાપ્ત કરી શકયો છું.

આવાં બધાં કોઈથી ન થાય તેવા કાર્ય મેં એકલાએ મારી અક્કલ હોંશિયારીથી કર્યાં છે, તો પછી ગૃહત્યાગ કરવા જેવું મામુલી કાર્ય, કે જેમાં થોડાં સાધનો અને અલ્પ હિંમતની જરૂર પડે તેવું કાર્ય, કરી બતાવવું એ મને સામાન્ય લાગતું હોવા છતાં હજુ સુધી હું કરી શક્યો નથી તે હકીકત છે. ગૃહત્યાગ કરવામાં તે શી મોટી ધાડ મારવાની હતી?

ગૃહત્યાગ કરવાનો મેં કદી વિચાર જ કર્યો નથી એવું નથી. ફકત પગારની આવકમાં જ જીવવાનું હોવાથી પત્ની સો રૂપિયાની સાડી મેળવવા અબોલા લે ત્યારે; ભાડાની રૂમમાં પડી રહેવાને બદલે સાસુ પોતાની દીકરીના માનસિક સ્વાસ્થ્ય માટે ફલેટ કે બંગલો બંધાવવા પોતાના નહીં, મારા પૈસે આશા રાખે ત્યારે; જે મેં મારી જિંદગીમાં નથી જોયું તેવું ખવડાવવાનો બાળકો માટે પત્ની આગ્રહ કરે ત્યારે; વર્ષમાં એકાદવાર ગૃહત્યાગ કરવાનો સુવિચાર આવે છે ખરો.

મર્યા પછી માણસની કદર થાય છે, એ જીવતો હોય ત્યારે નહીં, તે રીતે કોઈ પણ માણસ સંસારમાં રહી પત્ની, બાળકો, ઘરડાં માતા-પિતાનું પાલન કરતો રહે અને ઘાણીએ જોડેલા બળદની માફક ફરતો રહે ત્યારે એની કદર કોઈ કરતું નથી, પણ એકવાર એ ગૃહત્યાગ કરે કે તરત એની કિંમત લાગતાં- વળગતાંને સમજાય છે. સમાચારપત્રોમાં એના ગૃહત્યાગના સમાચાર જોતરાતરૂપે છપાય છે. મહાન નેતા બનવા જેમ ચૂંટણીમાં જીતવું જરૂરી છે, તેમ સંસારમાં પ્રખ્યાત થવા માટે જીવનમાં એકાદવાર તો ગૃહત્યાગ કરવો જ જોઈએ.

ઘરમાં આપણને કોણ કેટલો પ્રેમ કરે છે તે ગૃહત્યાગ કરતાં જ જાહેર થઈ જાય છે. પત્ની પોતાની રૂચિ પ્રમાણે અશ્રુપાત કરે છે અને એક ટંક જમે છે. જીર્ણ દેહને ટકાવી રાખવાની જ શુભ દાનતથી માતા-પિતા બંને ટંક જમે છે અને બાળકો એક ઉપયોગી પ્રાણી ક્યાં ગુમ થઈ ગયું તેની શોધ કરવા ઘરના ખૂણા જોઈ વળે છે. માતાને બહુ લાગી આવ્યું હોય તો થોડા દિવસ ભોજન ત્યજી માત્ર પાણી પીવાનું રાખે છે અને એવી જાહેરાત આપી ગૃહ ત્યજી ગયેલા આત્માને સુબુદ્ધિ સૂઝે તેવી પ્રેરણા આપે છે. પણ, આત્મા જેમ શરીરમાં પુનઃ પ્રવેશતો નથી, તેમ સાચો ગૃહત્યાગી પુનઃ ઘરમાં પ્રવેશતો નથી.

જેમને યશ મેળવી મહાન થવું છે તેઓ મોટાભાગે ગૃહત્યાગ કરે છે. ગૃહત્યાગ કરનારની કોટે અથવા જયાં જગ્યા મળે ત્યાં પ્રસિદ્ધિ વળગે છે. ભર્તૃહરિએ અમરફળ પોતાની પ્રાણપ્રિય રાણી પિંગળાને આપ્યું, તેણે અશ્વપાળને આપ્યું, અશ્વપાળે વેશ્યાને આપ્યું, તો વેશ્યાએ ખુદ રાજાને જ આપ્યું અને આવી ભલી લાગણીઓની હારમાળા જોઈને લાગી આવતાં ભર્તૃહરિએ ગૃહત્યાગ કર્યો. એટલું ઓછુ હોય તેમ ગુરુઆજ્ઞાને વશ થઈ એકવારની પત્નીને ‘માતા’ કહી ભિક્ષા માગી.

આ ભર્તૃહરિ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયા, કારણ કે એમણે ગૃહત્યાગ કરેલો. બાકી રાણીએ ગૃહત્યાગ કર્યો હોત તો કદાચ ભર્તૃહરિને લોકો ભૂલી ગયા હોત અને પિંગલાને યાદ કરતા હોત. મોટા ભાગના સંન્યાસીઓએ દેખીતો ગૃહત્યાગ કરેલો હોય છે અને એવા લોકો તરફ આપણો ભક્તિભાવ વધી જાય છે. ઘરમાં રહીને જે લોકો મહેનત-મજૂરી કરી કુટુંબનું પૂરું કરે છે તેઓ વૈતરા અને તિરસ્કારવા યોગ્ય પ્રાણીઓ ગણાયાં છે, જયારે ગૃહત્યાગીઓનો મહિમા અપરંપાર ગવાયો છે.

ગૃહત્યાગ કરવા માગનાર માટે કારણોની ક્યાં ખોટ છે ? માણસજાત કોઈને કોઈક કારણમાં તો ફસાયેલી છે જ. લોકોની ઉછીની લીધેલી રકમ તાગડધિન્ના કરી ઉડાવી દીધી હોય અને મોં બતાવવા જેવું ન રહ્યું હોય ત્યારે; પોતાની પોળની સમવયસ્ક કન્યાને અનેક આંટાફેરા પછી ગૃહિણી બનાવવા સંમતિ સધાઈ હોય
ત્યાં નીરસ પિતા આડા પડે ત્યારે; સોળ વર્ષ પછી પુત્રને મિત્ર ન ગણી, મારા પુત્ર જ ગણી,

પિતા નાની બાબતમાં ઠપકારે ત્યારે; સંતાનોની સંખ્યા એટલી બધી વધી જાય કે નામ યાદ રાખવામાં અને એમને મોટાં કરવામાં મુશ્કેલી જણાય ત્યારે; આખું વર્ષ હરાયા ઢોરની માફક રખડીને હનુમાનજીને નાળિયેર વધેરવાની બાધા રાખ્યા પછી પણ પરીક્ષાનું પરિણામ શૂન્ય આવે ત્યારે, પોતાની જાતને માણસ તરીકે ઓળખાવતો કોઈ પણ માણસ આ બધી જંજાળમાંથી છૂટવા સમયોચિત જે સુંદર અને અતિઉત્સાહી નીડર પગલું ભરે તે ગૃહત્યાગ!

આવા ફસાયેલા માણસો ગૃહત્યાગ કરે કે તરત જ છાપામાં આવે છે ઃ ‘ધનની વ્યવસ્થા થઈ ગઈ છે, કોઈ વાતે મૂંઝાશો નહીં.’ ‘તારા કહ્યા પ્રમાણે લગ્નનું ગોઠવીશું, પૈસાની જરૂર હોય તો તારથી મંગાવ.’ ‘તને કોઈ કહેતાં કોઈ ઠપકો આપશે નહી, મોટું મન રાખી પાછો આવ.’ ‘તમારા જવાથી બાળકો દિન-રાત રડે છે અને આપણો બચુ તો ‘બાપા, બાપા’ની માળા જપે છે. તમને કોઈ હેરાન નહીં કરે માટે ડાહ્યા થઈ પાછા ફરો.’ ‘પરીક્ષામાં નાપાસ થવાયું તો કંઈ નહીં, આપણો વેપાર ક્યાં નથી? ઓછું લાવ્યા વિના પાછો આવ, ભાઈ !’

આ બુદ્ધિશાળીઓએ જો ગૃહત્યાગ ન કર્યો હોત તો દુઃખી દુઃખી થઈ ગયા હોત. આ કપરા કાળમાં સુખી થવાનો એક માત્ર ઉપાય ગૃહત્યાગનો જ છે. સિદ્ધાર્થ નામધારી ભગવાન બુદ્ધે જે ગૃહત્યાગ કરેલો તેનો ગૃહત્યાગ જેવું મામુલી નામ ન આપતાં, મોટું નામ- મહાભિનિષ્કમણ- આપેલું અને બુદ્ધે ગૃહત્યાગ કરેલો તે દુઃખી થવા માટે નહીં, પણ સુખી થવા માટે જ.

કેટલાક એવા લોકો હોય છે, જેમણે ગૃહત્યાગ કર્યો હોય છે, પણ એનું સ્પષ્ટ કારણ નથી હોતું. એવા લોકો મધરાતે ઝબકીને જાગી જાય છે અને મચ્છર કરડ્યો કે માકણ તેનો વિચાર કરવાને બદલે વિચારે છે ઃ ‘ભલા માણસ! તને મનુષ્ય અવાતર મળ્યો છે, તે સંસારની માયાજાળમાં ફસાઈ રહેવા માટે ? ઉઠ, જાગ, દોડ, તોડી નાખ બધાં બંધનો, બધું મિથ્યા છે અને તારા આત્માની ઉન્નતિ માટે ગૃહત્યાગ કર.’ આવી રીતે અંતઃકરણના અવાજને વશ થઈને ગૃહત્યાગ કરનારા ઘણા ઓછા નીકળે છે.

આવા લોકો ખરેખર સંન્યાસી બની જાય છે. સંસારમાં પાછા ફરતા નથી, પણ જગતમાં ફરતા રહે છે. આવા લોકો સ્વાર્થી છે, કારણ કે સુખી થવા પોતે જે કર્યું છે તેનો ઉપદેશ આપવાને બદલે ભળતો જ ઉપદેશ આપી પોતે મોક્ષ સાધે છે, પણ બીજાને તો ‘સંસારમાં રહી ભક્તિ કરો’નો મંત્ર યાદ રાખવા કહે છે. ગીતા માહાત્મ્ય કે ભગવત માહાત્મ્ય કહેવાને બદલે એવા સજ્જનોએ ગૃહત્યાગમાહાત્મ્યનો પ્રચાર કરવા પારાયણ રાખવું ઘટે.

ગૃહત્યાગ કરવાની ઘણી રીતો છે. કેટલાક લોકો હાથ-પગ ને હૈયું લઈને ભાગે છે, પણ થોડો કાળ સુખે જાય તે માટે થોડું ગરથ ગાંઠે બાંધ્યું હોય તો ઠીક રહે. કેટલીક પાવરધી અને પહોંચેલી માયાઓ ઘરેણાંની પોટલી સાથે પલાયન થાય છે, તે ભાવિ સુખ માટે જ. મોટા ભાગે અભણ માણસો ગૃહત્યાગ કરવા ઓછા ટેવાયેલા હોય છે, પણ ભણેલો માણસ ગૃહત્યાગ કરે ત્યારે પોતે ભણ્યો છે તેની સાબિતીરૂપે તે નાનકડી ચિઠ્ઠી મુક્યા વિના રહેતો નથી.

તકિયાની નીચે, મેજની ઉપર, દરરોજ પાથરવાનાં ગોદડામાં કે ધોઈને મૂકેલાં કપડાંની પાછળ, કાંસકો મૂકવાના સ્થળે ચિઠ્ઠી મૂકવી જોઈએ, જેથી ગૃહત્યાગ કર્યાનો અમુક કલાકો પછી જ તમારા મહાન ત્યાગની ખબર પડે.

ગૃહત્યાગ કરવો એ તો એકજાતનું તપ છે અને સારા કામમાં સો વિધ્નો, તપસ્વીઓના તપને તોડવા પ્રાચીન કાળમાં ઈન્દ્ર અપ્સરાઓ મોકલતો, પણ હવે એવી સગવડ આપવાનું પોષાતું નથી. તમારા ગૃહત્યાગ અંગેની ગંધ આવી જાય, તો તો પત્ની પગ પકડી લે,

બાળકો હાથ પકડે અને માતા-પિતા ગળું જ પકડે, અને તમે એવા ઢીલા થઈ જાઓ કે આ જન્મારામાં તો શું પણ બીજા જન્મમાં પણ ગૃહત્યાગ કરવાની હિંમત ચાલે નહી. પછી તો તમારી પ્રત્યેક પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રખાય અને નાઠા તો ખેર નથી. એટલે કોઈને કહ્યા વિના ચૂપચાપ ગૃહત્યાગ કરવો.

સરસ્વતીચંદ્ર નામના એક વિદ્ધાને ગૃહત્યાગ કરેલો, ત્યારે માત્ર એના ઘરમાં જ નહીં, પણ આખા ગુજરાતમાં હાહાકાર થઈ ગયેલો. એનો વિવાહ કુમુદસુંદરી સાથે થયેલો અને એ બંને વચ્ચે પ્રેમપત્રો લખવા જેટલી પ્રગતિ થયેલી. પણ ઘરમાં જ રહેતી નાની ઉંમરની રસિક અપરમાતા ગુમાન એ પત્રો વાંચવામાં વિશેષ રુચિ ધરાવતી હતી. વૈરાગ્યવૃત્તિ ધરાવતા સરસ્વતીચંદ્રને આ પસંદ ન પડ્યું અને એણે ગૃહત્યાગ કર્યો. ઘોડાગાડીવાળાએ એના પિતાને ચિઠ્ઠી પહોંચાડેલી.

એમાં એણે ગમ્મત કરતાં લખેલું ઃ ‘સુખી હું તેથી કો’ને શું ? દુઃખી હું તેથી કો’ને શું ?’ આમ ગૃહત્યાગ કરવાની સાથે એ કવિ પણ બની ગયેલો. એના ગૃહત્યાગના બીજાં અનેક કારણો હશે, પણ સુજ્ઞ જાણકારોએ આ ચકચાર જગાવેલા કિસ્સામાંથી ઘડો લીધેલો કે પ્રેમપત્રો ન વાંચવા, જુવાનિયાઓને કરવું હોય તેમ કરવા દેવું. લગ્ન પહેલાં ગૃહત્યાગ કરે તેના કરતાં, લગ્ન પછી કરે તો પ્રેમપત્રો લખવાથી કેવું ફળ મળે છે તેનો ખ્યાલ તો આવે.

આજે દહીંવડાં બનાવ્યાં હતાં. દહીં ખાટુંચૈડ જેવું હતું તેથી મગજનો પારો ઉંચો ચડતાં થોડી ચડભડ થયેલી. ગૃહત્યાગ કરવાનું મજબુત કારણ મળી ગયું છે. આકાશમાં ધોળે દિવસે તારા દેખાય છે.માતા-પિતા દેવદર્શને ગયા છે, બાળકો શાળામાં છે અને ઓફિસમાંથી રજા લીધી હોવાથી પત્ની મને ઘરનો ચોકીદાર નીમી જોડે આવેલી સોસાયટીમાં એની બહેનપણી હંસા સાથે વાતોના તડકા મારવા ગઈ છે. મને ખાતરી છે કે આજે મને કેવો ધમકાવેલો તે વિષે જ એ સન્નારી કહી રહ્યાં હશે. મેં મારા

ગૃહત્યાગની ચિઠ્ઠી લખી દીધી છે ઃ
“હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહીં;
લાખ્ખો ઉપાયો છો કરો, પણ ફાવશો કોઈ નહી.”
આ ચિઠ્ઠી ક્યાં મુકવી? સ્થળ શોધી રહ્યો છું..
લ્યો, ત્યારે આવજો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.