Western Times News

Gujarati News

વિશ્વ દૂધ દિવસ: ગાયનું દૂધ : અમૃત સમાન

          સત્ય હંમેશા કસોટીની એરણે ચડતુ આવ્યું છે. સત્ય સત્ય પ્રસ્થાપિત થાય ત્યાં સુધીમાં ઘણા બધાને વિચલિત કરી નાખે છે. ઘણા તેનો ગેરફાયદો ઉઠાવી લે છે. સરવાળે સમાજ અને વિશ્વને અનેકગણું નુક્શાન થઇ જાય છે. 

          આ સીલસીલામાં પ્રથમ ગાય અને ગાયનું દૂધ સત્યની એરણે ચડ્યું હોય એમ લાગે છે. “ગાવો વિશ્વસ્ય માતર:” એટલે કે ગાય વિશ્વમાતા છે. આ ફક્ત સંસ્કૃત શ્લોક જ નથી, પરંતુ એક વૈજ્ઞાનિક પ્રતિપાદિત સત્ય છે. આ સત્યની વિસ્તૃત સમજુતી માટે તર્ક, માન્યતા કે શ્રધ્ધા જ નહીં પણ વૈજ્ઞાનિક તથ્યો સહિતની સાબિતીઓ વિશ્વ સમક્ષ વૈજ્ઞાનિક પૃથ્થકરણ દ્વારા પ્રસ્થાપિત થઇ ચૂક્યું  છે. ગાય કોઇ એક સંપ્રદાય, ધર્મ, કાળ કે ખંડ પૂરતી જ મૂલ્યવાન નથી, પરંતુ માતાના માતૃત્વની તોલે જેમ કોઇ ન આવે તેમ ગાય સમગ્ર વિશ્વના માતૃત્વ ભાવ માટે યોગ્યતા ધરાવે છે. એ પણ કેવી વિડંબના છે કે આ વાત આપણને પશ્ચિમના વૈજ્ઞાનિકો સમજાવશે ત્યારે જ માનીશું ?

          “ધેનો દુગ્ધ: અમૃત:”, ગાયનું દૂધ અમૃત છે. આપણે તેને સંસ્કૃતનો શ્લોક માત્ર સમજી બેસવાની ધૃષ્ટતા ન કરીએ. ગાયનું દૂધ અમૃત છે, છે ને છે જ! શાસ્ત્રોમાં લખાયેલું છે, એટલે ફક્ત ધાર્મિકતા સાથે જોડાયેલું છે, શ્રધ્ધાનો વિષય છે, એમ માની લેવાની મૂર્ખતા ન કરીએ. ખરા અર્થમાં સમજીએ તો આપણા શાસ્ત્રો વિજ્ઞાનના પુસ્તકો જ છે. તેમાં રહેલા શ્લોકો વૈજ્ઞાનિક સિધ્ધાંતો છે. ઋષિ-મુનિઓ શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો હતા.

આપણી જીવનશૈલી, રીતરીવાજ અને પ્રથાઓ વગેરે વૈજ્ઞાનિક સિધ્ધાંતોની “પ્રેક્ટીકલ એપ્લીકેશન્સ” છે. આટલી વાત સમજી લઇએ તો બધા પ્રશ્નોનું નિરાકરણ થઇ જાય! હા, કાળક્રમે આ જીવનશૈલી એટલી લોકભોગ્ય બની ગઇ, કે તેમાં દુષણો પ્રવેશ્યા, સ્વાર્થી તત્વોએ ભેળસેળ કરી, મનમાનિત અર્થઘટનો કર્યા અને એ કારણે ક્યાંક કુરિવાજો, અંધશ્રધ્ધા કે કુટેવોમાં પરીણમ્યા. વર્તમાનમાં પણ અનેક વૈજ્ઞાનિક શોધોનો દુરૂપયોગ થઇ જ રહ્યો છે ને ! આથી વૈજ્ઞાનિક સિધ્ધાંતની સત્યતા પર શંકા ન કરી શકાય. ગાય અને દૂધ બાબતે પણ આવી જ કંઇક ગેરસમજ થઇ રહી છે. તેને સમજવી જરૂરી છે.

          ગાયના દૂધમાં રહેલા પ્રોટીન્સ, ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ, મીનરલ્સ સહિતના અસંખ્ય તત્વો, તેમાં રહેલી એન્ટીઓક્સીડેન્ટ, બાયોએન્હાસર, ઇમ્યુનોમોડ્યુલેટર અને એન્ટી બેક્ટીરીયલ પ્રોપર્ટી ગાયના દૂધને શ્રેષ્ઠ આહાર જ નહીં, પરંતુ  શ્રેષ્ઠ ઔષધિની શ્રેણીમાં સ્થાન અપાવે છે. ગાયનું દૂધ ગુણકારી છે. ગાયના દૂધ, દહીં, છાશ, માખણ અને ઘી મનુષ્ય જ નહી, પ્રાણી અને વનસ્પતિના આરોગ્ય અને પર્યાવરણરક્ષા માટેની વૌજ્ઞાનિક કસોટીમાંથી પસાર થઇ ચૂક્યા છે.

આપણા શાસ્ત્રોની બાબતોને અમેરિકા અને જર્મનીના વૈજ્ઞાનિકોએ પણ લેબોરેટરીમાં સિધ્ધ કરી બતાવી છે. તેનો ઉપયોગ ભૌતિક સમૃધ્ધિ અને આર્થિક સધ્ધરતા માટે કરી રહ્યા છે. એ તો આભાર માનીએ આપણા ઋષિ રૂપી વૈજ્ઞાનિકોનો કે જેમણે એમની શોધોની પેટન્ટ ન કરાવી, નિ:સ્વાર્થ ભાવે જગતના સર્વજીવ હિતાર્થે લોકભોગ્ય બનાવી. “ત્યેન ત્યજેન્ત ભૂજુથા:” એટલે કે ત્યાગીને ભોગવવાની આપણી સંસ્કૃતિની વિશેષતા રહી છે. આ વાતનું આપણે ગૌરવ લેવાની આવશ્યકતા છે.

          એક તર્ક રજુ કરવામાં આવે છે કે, ગાયનું દૂધ તેના વાછરડા-વાછરડી માટે છે. આ વાત સ્વીકારીએ તો પણ એનો અર્થ એવો થયો કે તે અખાદ્ય તો નથી જ! ઝેર તો નથી જ! ઉલ્ટાનું સંપૂર્ણ આહાર છે, તે પ્રતિપાદિત થઇ ગયું. આપણે ત્યાં “દોહન” શબ્દ -પ્રયોગ પ્રચલિત છે. એટલે કે ગાયના બે આંચળ જ દોહવા. બે આંચળ તેમના બચ્ચા માટે છોડી દેવા અને બાકીના બે આંચળનું દૂધ જ આપણા માટે.

એટલા દૂધના જ આપણે હકદાર! એટલુ દૂધ લઇએ તો કંઇ ખોટુ નથી. જીવ માત્ર પરસ્પરાવલંબી છે. દરેક જીવને પોતાનો ધર્મ છે. કર્તવ્ય છે. બળદનો ધર્મ ખેતી છે, પરિવહન છે, એ એનું કર્તવ્ય છે. એનુ સ્વાર્થી શોષણ ન કરીએ. એમાં ક્ષેમવિવેક જાળવીએ એ આપણો ધર્મ છે, આ વિચાર-બિંદુ સમગ્ર પ્રકૃત્તિ માટે સમજવાની આવશ્યકતા છે.

          “ગાયનું દૂધ બાળકો માટે અમૃત અને મોટાઓ માટે રોગનું ઘર,” આ વાત પણ મોટી ગેરસમજ નથી તો શું? જે પદાર્થ બાળકો માટે અમૃત હોય એ મોટેરાઓ માટે રોગનું મૂળ કઇ રીતે થઇ જાય? દૂધ એ દૂધ છે. શરીરની સંરચના અને ફીજીયોલોજી મુજબ તેના ફાયદા થાય જ. વ્યક્તિગત ધોરણે કોઇને દૂધ માફક ન આવે એ અલગ વિષય છે. દરેકની તાસીર અલગ હોય છે. એક ડોક્ટર તરીકે અમે જોયું છે કે દરેક દવાની અસર  કે આડઅસરો પણ દરેકને અને એક સરખી થતી નથી. આ વાત સમજવી રહી.

          પશ્ચિમના લેખકોના દૂધ વિષેના વિચારો અલગ પરિપ્રેક્ષ્યમાં હોઇ શકે. એટલે અભિપ્રાય ભિન્ન હોઇ શકે. ફાર્માસ્યુટીકલ સાયન્સમાં દવાઓના મોટા રેકેટ ચાલે છે. એક દવા શોધી તેના કરોડો કમાઇ લીધા એટલે પછી નવો મોલેક્યુલ શોધી, આગલી દવાની આડઅસરોને ઉજાગર કરે, અને નવી દવાનું માર્કેટ હાંસલ કરે! તેવું જ કંઇક દૂધ બાબતેના લખાણોનું માનવું રહ્યું. અન્યથા ગાયના દૂધ, દહીં, છાશ, માખણ કે ઘી તેની માત્રા અને શુધ્ધતા તેમજ શરીરની તાસીર અને રોગ મુજબ લેવાથી કોઇ નુક્શાન નથી.

          ‘દૂધ: ફાયદા ઓછા અને નુક્શાન વધારે આ વાત પણ સરાસર ગેરસમજ ફેલાવનારી છે. પ્રાણીમાત્રના દૂધ વિશિષ્ટ લાક્ષણિકતાઓ યુક્ત છે, વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે, એથી ઉપયોગીતા પણ વિશિષ્ટ હોય છે. સસ્તન પ્રાણીઓના બચ્ચા માતાના દૂધ પર જ મોટા નથી થતા? હા, એટલું ચોક્કસ કે માતાના અને ગાયના દૂધને શ્રેષ્ઠ માનવામાં આવ્યાં છે. જ્યારે અન્ય પ્રાણીઓના દૂધનો વિશિષ્ટ રોગો કે પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, એ પણ એટલી જ વૈજ્ઞાનિક છે.

          ઉપરોક્ત વાત શુધ્ધ, નૈસર્ગિક દૂધ માટે છે. વર્તમાનમાં દૂધમાં કૃત્રિમ ભેળસેળ થાય છે. ક્યાંક તો સંપૂર્ણ દૂધ જ કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે તે આડઅસરો કરવાનું જ. આ વાત દરેક વસ્તુઓ માટે લાગુ પડે છે. અનાજ, ફળ-શાકભાજી- ખાદ્ય પદાર્થો કે જીવન ઉપયોગી દરેક ચીજોમાં ભેળસેળ કરવામાં આવે, ઉત્પાદકતાના ધોરણો જાળવવામાં ન આવે અને ક્વોલીટી નબળી હોય તો તેની ઉપયોગીતામાં-ટકાઉપણામાં ફેર પડે જ. એ વાસ્તવિકતા સર્વવિદિત છે પરંતુ તેથી ઓરીજીનલ તત્વની ગુણવત્તાને ચેલેન્જ કરવી યોગ્ય નથી જ!

          રસ્તે રખડતી, પ્લાસ્ટીક, એઠવાડ અને કચરો ખાતી ગાયના દૂધમાં અને સારો ચારો ચરતીમાવજત પૂર્વક પાળવામાં આવતી ગાયના દૂધની ક્વોલીટીમાં ફરક રહેવાનો જ! આપણે વિચારવાનું છે કે મારે ક્યાંથી અને કયુ દૂધ લેવું ?

          એવી જ વાત આપણી ભારતીય વંશનાં દેશી ગાયો અને વિદેશી એચ.એફ/જર્સી ગાયોના દૂધની છે. પશ્ચિમના વૈજ્ઞાનિકોએ જ સિધ્ધ કરી બતાવ્યું છે કે આપણી ભારતીય વંશની બોસ ઇન્ડીકસ નું A-2 દૂધ તેમની “બોસ ટોરસ”ના    A-1 દૂધ કરતા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. એટલે જ તો ભારતીય ગાયોનું મૂલ્ય વધ્યું છે. ત્યાં A-2 મીલ્ક કોર્પોરેશન સ્થપાવા લાગ્યા છે.  A-2 દૂધની માંગ વધી છે. 

A-1  દૂધ થી ડાયાબીટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક, મેન્ટલ ડીસોડર્સ અને બાળકોના રોગો જોવા મળ્યા છે. માટે હવે A-2  દૂધ લેવાની સલાહ આપવામાં આવે છે. એ કારણે જ ભારતીય વંશની ખૂંધવાળી. ગીર, કાંકરેજ, સાહિવાલ, થરપારકર, રેડ સિન્ધી, ઓંગલ જેવી ભારતીય પ્રજાતિની દેશી ગાયોની આગામી દિવસોમાં બોલબાલા વધી રહી છે.

          ગાયના દૂધની ક્વોલીટી સારી રહે, ખરેખર અમૃત સમાન બની રહે, શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય, શ્રેષ્ઠ આહાર તરીકે ઉપયોગી થાય, તેના પંચગવ્ય કૃષિ અને પર્યાવરણ માટે યોગ્ય રીતે ઉપયોગમાં આવી શકે તે માટે જાગૃતતા કેળવવાની આવશ્યકતા છે. ગાયને જંતુનાશક દવા કે ફર્ટીલાઇઝરથી તૈયાર કરેલ ચારાને બદલે સજીવ ખેતી દ્વારા ઉગાડેલા જુવાર-બાજરી, મકાઇ, જવ, ઓટ, રજકો, જીંજવો, ધામણ, અન્ય ઘાસ કે ફળ-ફળાદી-શાકભાજી ખવડાવવાથી દૂધમાં ઝેરી તત્વો આવશે નહિ અને ગુણવત્તાયુકત દૂધ પ્રાપ્ત થશે. ગાય બીમાર ન પડે,

ટી.બી., બ્રુસેલોસીસ કે અન્ય બીમારીમાં ન સપડાય, તેનુ નિયમિત હેલ્થ ચેકઅપ થતુ રહે, યોગ્ય સારવાર મળી રહે, રહેઠાણ સ્વસ્થ અને સુઘડ હોય, શુધ્ધ પાણી-આહાર મળી રહે. જરૂરીયાત મુજબ ઓર્ગેનિક ખાણ-દાણ મળતા રહે, કુદરતી ચરીયાણમાં ઓષધિયુક્ત વનસ્પતિ ચરવાનો મોકો મળે, વધુ દૂધ માટે હોર્મોન્સના ઇંજેકશન આપવામાં ન આવે, ગાયને ફક્ત દૂધનું મશીન ન ગણવામાં આવે અને સંવેદના સાથે કુટુંબના આત્મિય સ્વજન તરીકે તેને પ્રેમ અને વાત્સલ્ય મળતા રહે, હંમેશા પ્રફુલ્લિત અને આનંદમાં રહે, તો તેનું દૂધ સાચા અર્થમાં ‘અમૃત’ જ છે. જેમાં કોઇ શંકા સેવવાની જરૂર નથી.

          વર્તમાનમાં જરૂર છે સારા ગોપાલનની, સારા ગૌસંવર્ધનની, સારી ગાયોની, સારા ચારાની, સારા ખાણ-દાણની અને સારા આત્મીય સૌહાર્દપૂર્ણ વર્તનની. આટલું કરીશુ તો ગાય દૂધના રૂપમાં અમૃત જ પીરસશે. તેના પંચગવ્યના ભાગ રૂપે  દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર દ્વારા પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવશે એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી.

          અંતમાં, ગાયના દૂધને ઝેર ન માનતા, ગેર સમજ ન ફેલાવતા, ગાયનું દૂધનું અમૃત તત્વ જળવાઇ રહે તેવા પ્રયત્નો સૌ કરીએ એમા જ આપણું હિત છે, વિશ્વકલ્યાણ છે. એકવીસમી સદીને  વસમી સદી બનતી અટકાવવા અને વિશ્વને પ્રલય તરફ આગળ વધતુ અટકાવવા, જળ-વાયુ પરિવર્તનના દુષ્પરિણામોથી બચાવવા, સુખી, સમૃધ્ધ, સ્વાવલંબી, સ્વસ્થ, સુરક્ષિત, શિક્ષિત અને સંસ્કારી સમાજની રચના અર્થે ગાય અને તેના પંચગવ્ય (દૂધ, દહી, ઘી, ગૌમૂત્ર અને ગોબર)ના  મૂલ્યને સમજી તેનું જતન કરીએ એમાં જ સૌનું કલ્યાણ છે.  “માતર: સર્વભુતાનામ્ ગાવ: સર્વસુખપ્રદાતા:” –ડૉ. વલ્લભભાઇ કથીરિયા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.